વૈશ્વિક રોકાણકારોનું કેન્દ્ર બન્યું ગુજરાત, ગુજરાતમાં પીનથી લઈને પ્લેન સુધીનું થઈ રહ્યું છે ઉત્પાદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગાંધીનગરથી જાહેર કરાયેલઆત્મનિર્ભર ગુજરાત સ્કીમની પૂર્વ ભૂમિકા આપતા રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સુરક્ષિત ઇકો સિસ્ટમ અને બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના પરિણામે ગુજરાત વૈશ્વિક રોકાણકારોનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતનું પ્રાચીન લોથલ બંદર વેપાર ક્ષેત્રે પ,000 વર્ષ જૂનો વારસો ધરાવે છે. 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને પ્રાધાન્ય આપવાથી ગુજરાત રોકાણ અને નિકાસનું અગ્રણી રાજ્ય પ્રસ્થાપિત થયું છે.
જેના પરિણામે ગુજરાતના ૧૮૦ જેટલા ઉત્પાદનોની વિવિધ દેશોમાં વિકાસ કરવા આવી રહી છે જે આપણા માટે ગૌરવ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને પાંચ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનાવવાના લક્ષ્યાંકને સાકાર કરવામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત એ લોકલ ફોર વોકલ, મેક ઇન ઇન્ડિયા,ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી આત્મ નિર્ભર ભારતની દિશામાં આગળ વધી રહ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ 'આત્મ નિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ની દિશામાં ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ગુજરાત 'બેસ્ટ પ્રિફર્ડ બિઝનેસ ડેસ્ટીનેશન' તરીકે ઉભરી આવેલું રાજ્ય છે ત્યારે રાજ્યની પ્રોત્સાહક નીતિઓ વિશ્વભરના રોકાણકારોને સવિશેષ આકર્ષી રહી છે.
તે ઉપરાંત ગુજરાતનું ૨.૨૦ લાખ કિમી જેટલું લાંબુ રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર, ૫૨૦૦ કિમી જેટલું મોટું રેલ નેટવર્ક, ૧૯ એરપોર્ટ, ૪૮ પોર્ટ, બેસ્ટ પાવર કેપીસીટી, એક્સપર્ટ સ્કીલ, પ્રોડક્ટિવ ગવર્મેન્ટ, સુરક્ષિત સ્થળ સહિતના અનેક પરિબળોને પરિણામે ગુજરાતમાં ખૂબ મોટા પાયે રોકાણો થઈ રહ્યા છે. આ સાનુકુળતાઓને પરિણામે આજે ગુજરાતમાં પીનથી લઈને પ્લેન સુધીનું ઉત્પાદન થઈ રહ્યું છે.