રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 એપ્રિલ 2019 (12:30 IST)

અમિત શાહને હત્યાના આરોપી કહેવા અંગે રાહુલ ગાંધી સામે ફરિયાદ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે માનહાનિની વધુ એક ફરિયાદ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં કરવામાં આવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે મધ્યપ્રદેશના જબલપુરમાં યોજાયેલી ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને હત્યા આરોપી ગણાવતું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એ.ડી.સી. બેન્કે પણ રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો અમદાવાદની કોર્ટમાં કર્યો છે.

ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે માનહાનિની ફરિયાદમાં રજૂઆત કરી છે કે ૨૩મી એપ્રિલના રોજ જબલપુરમાં યોજાયેલી જાહેર સભામાં અમિત શાહ હત્યાના આરોપી હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમનું આ નિવેદન તથ્યથી વિપરિત છે. આ પ્રકારના નિવેદનથી લોકોમાં ખોટો સંદેશો વહેતો થાય છે અને પક્ષની છબી ખરડાય છે.

અરજદારની રજૂઆત છે કે તેઓ પક્ષના અધિકૃત સભ્ય હોવાથી તે આ ફરિયાદ નોંધાવી શકે છે. તેમની તરફેના બે સાક્ષીઓ કોર્ટ સમક્ષ હોવાથી તેની જુબાની પણ લેવામાં આવી હતી. રાહુલ ગાંધીને સામેની ફરિયાદમાં કોર્ટે પગલાં લેવા કે નહીં અને તેમને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવવું કે નહીં તે અંગે ૩૦મી એપ્રિલની સુનાવણીમાં કોર્ટ નિર્ણય જાહેર કરશે.