શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 9 માર્ચ 2022 (13:21 IST)

Uttarpradesh Election Result પછી PM મોદીની નજર ગુજરાતની ચૂંટણી પર, ઉત્તર પ્રદેશ ચૂંટણીના પરિણામના બીજા જ દિવસે ગુજરાતની મુલાકાતે

ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં પરિણામો 10 માર્ચે આવવાનાં છે અને તેના બીજા જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવવાના છે. ચૂંટણીના પરિણામ બાદ તુરંત જ તેમની આ મુલાકાતને લઈને ઘણા લોકો વચ્ચે ચર્ચાઓનો દૌર શરૂ થયો છે, જેમાં અટકળો થઈ રહી છે કે શું ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ વડા પ્રધાનનું ધ્યાન ગુજરાતની ચૂંટણી તરફ રહેશે?
 
જોકે ગુજરાતની 13મી વિધાનસભાની સમયમર્યાદા આ વર્ષેના ડિસેમ્બર મહિનામાં થવાની છે અને ચૂંટણીપંચે ચૂંટણીઓ નવેમ્બર મહિનામાં યોજવી પડે. અનેક અટકળો છે કે ઉત્તર પ્રદેશમાં જો ભાજપ માટે સારું પરિણામ આવે તો તેના સેન્ટિમેન્ટનો ફાયદો લેવા માટે ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી આવી શકે, જ્યારે અમુક લોકોનું એવું પણ માનવું છે કે હાલની ભાજપ સરકારને વહેલી ચૂંટણી યોજવામાં કોઈ રસ નથી અને ચૂંટણી તેના યોગ્ય સમય અનુસાર જ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્ય મંત્રી સહિત આખા રાજ્યના તમામ મંત્રીઓને બદલી નાખવામાં આવ્યા છે.
 
રાજકીય વર્તુળના અનેક લોકો એવું પણ માને છે કે ભાજપના મોટા ગજાના નેતાઓ કે જેમનું મંત્રીપદ લઈ લેવામાં આવ્યું હતું, તે નેતાઓ પક્ષને આવનારી ચૂંટણીમાં કોઈ મોટું નુકસાન ન કરી દે તે માટે ભાજપ હાઇકમાન્ડની નજર હવે ગુજરાત તરફ મંડાણી છે. 
 
ગુજરાત ચૂંટણી અને નરેન્દ્ર મોદી
 
ગુજરાતની ચૂંટણીની વાત કરવામાં આવે તો 1960માં રાજ્યની સ્થાપના બાદ 1962માં રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી. હજી સુધી રાજ્યમાં 1975, 1998 અને 2002માં નીયત સમય કરતાં વહેલી ચૂંટણીઓ યોજાઈ હતી. જોકે 2002માં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા ત્યાર બાદ રાજ્યમાં રાજનીતિક રીતે કોઈ મોટા ફેરફારો આવ્યા નથી. કોવિડના સમયમાં સરકારની ટીકા સિવાય ભાજપ સરકાર સામે હાલમાં કોઈ મોટો ખતરો ઘણા રાજકીય વિશ્લેષકોને દેખાતો નથી. ગુજરાતમાં 1998 પછી ભાજપનો કોઈ વિકલ્પ લોકોને મળ્યો નથી એવું પણ અનેક લોકો માને છે. 2017ની ચૂંટણીમાં 2002 કે તે પછીની ચૂંટણીની સરખામણીએ ભાજપનો દેખાવ સારો રહ્યો નહોતો, પરંતુ તેમ છતાંય ભાજપે 99 સીટ જીતી હતી. રાજ્યમાં સરકાર બનાવવા માટે રાજકીય પાર્ટી પાસે 92 સીટ હોવી જરૂરી છે. 
 
મોદીની મુલાકાત વિશે જ્યારે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે વડા પ્રધાનની મુલાકાત એક સરકારી મુલાકાત છે, જેમાં તેઓ પંચાયતના સરપંચો વગેરેને મળવાના છે. જોકે તેમની ત્રણ દિવસની મુલાકાત સમયે મોદી કોને કોને મળશે તે વિશે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી.  
 
નરેન્દ્ર મોદીની મુલાકાતથી શું ફાયદો થશે?
 
ગુજરાત સમાચારના એક અહેવાલ પ્રમાણે નરેન્દ્ર મોદી હવે ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતનો મોર્ચો સંભાળશે અને તે માટે રાજયમાં પ્રજાલક્ષી કાર્યક્રમો કરવાની સૂચનાઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને કરી દેવામાં આવી છે.
 
રાજકીય વિશ્લેષક મનીષી જાનીના કહેવા મુજબ જાનીને નથી લાગતું કે ભાજપને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર છે, ઉત્તર પ્રદેશનાં પરિણાણો બાદ ખરેખર ખબર પડશે કે મોદીનો ગુજરાત આવવાનો હેતુ પાર્ટીના નેતાઓને મળવાનો છે કે પછી આ ખરેખર એક સરકારી કાર્યક્રમ જ છે. તેમણે વધુમાં કહ્યું કે, "ગુજરાતમાં હાલમાં જે પ્રકારે કૉંગ્રેસ પક્ષની સ્થિતિ દિવસે દિવસે બગડી છે તેને જોતા લાગે છે કે ભાજપને તેનાથી કોઈ મોટો ખતરો નથી. કોરોના સમયનું ઠીકરું રૂપાણી પર ફોડીને નવી ટીમ બનાવીને કોરોના સમયની અરાજકતાને ભુલાવી દેવાનો પ્રયાસ થયો છે અને કૉંગ્રેસ કંઈ જ ન કરી શકી. હું માનું છું કે ભાજપ હાલમાં સારી સ્થિતિમાં છે અને મોદીની હમણાંથી જ રાજ્યના ચૂટણીલક્ષી કાર્યક્રમો કરવાની જરૂર નથી."
 
આ અંગે કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું માનવું છે કે ભલે બહારથી ન દેખાતું હોય, પરંતુ ભાજપમાં હાલમાં અંદરનો કલેશ તેની ચરમસીમા પર છે. 2021 પહેલાંના તમામ મંત્રીઓ હાલમાં ઘરે બેઠા છે અને તેમાંથી ઘણાને ખબર પણ નથી કે આવનારી ચૂંટણીમાં તેમને ટિકિટ મળશે કે નહીં, આવા તમામ લોકોને આશ્વાસન આપવાની જરૂર છે, માટે મોદીએ ગુજરાત તરફ મીટ માંડી છે. જોકે રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા આ વાત સાથે સહમત નથી થતા.
 
તેઓ કહે છે કે ગમે તેટલી મોટી કે મજબૂત પાર્ટી હોય, ચૂંટણી પહેલાં ખૂબ વહેલા જાગી જવું જોઈએ, જે ભાજપ કરી રહ્યો છે અને કૉંગ્રેસે પણ કર્યું છે. કૉંગ્રેસે પોતાની દ્વારકામાં ચિંતન શિબિર યોજીને રાહુલ ગાંધીને બોલાવીને આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી  તેઓ માને છે કે ભાજપ હાલમાં ગુજરાતમાં મજબૂત સ્થિતિમાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ચૂંટણીમાં સજાગ ન થાય, કારણ કે હવે લોકો ખૂબ સહેલાઈથી કોઈ પણ વાત માની નથી લેવાના. ઉત્તર પ્રદેશની ચૂંટણી હોય કે પછી બીજા કોઈ પણ રાજ્યની ચૂંટણી- લોકો હવે વિકાસની વાત કરે છે, પોતાના મુદ્દાઓની વાત કરે છે, અને તેવામાં તેમના સુધી પહોંચવા માટે હવેથી તૈયારી શરૂ કરી દેવામાં જ સમજદારી છે.
 
તાજેતરમાં રાહુલ ગાંધી કૉંગ્રેસની ચિંતન શિબિર માટે દ્વારકા આવ્યા હતા, તેમણે એ પણ કહ્યું કે હાલમાં રાજ્યમાં જરૂર છે કે ભાજપ પોતાના સંગઠનની તાકાત બતાવે, જેથી લોકોને ખબર પડે કે તેની મજબૂતાઈમાં કોઈ ફરક પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં જ કૉંગ્રેસની પણ ચિંતન શિબિર યોજાઈ હતી અને તેમાં રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્યોને સંબોધ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને મહાત્મા ગાંધીનાં ઉદાહરણો આપીને હવે પછીની ચૂંટણીમાં તમામ તાકાત સાથે આવવા માટે આવાહન કર્યું હતું.
 
તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસમાં એક તરફ પાયાના કાર્યકર્તાઓ છે અને બીજી બાજુ એ.સી.માં બેસનારા નેતાઓ છે, જ્યાં સુધી લોકોની સમક્ષ તેમના વિકાસનો સંપૂર્ણ ચિતાર નહીં આપવામાં આવે ત્યાં સુધી કૉંગ્રેસને સત્તા નહીં મળે. જોકે આ ચિંતન શિબિર થકી કૉંગ્રેસે વિધિવત્ રીતે ગુજરાતની આવાનારી ચૂંટણી માટે તૈયારી કરવાની જાહેરાત કરી દીધી હતી.