શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકપ્રિય લોકસભા મતવિસ્તાર
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (18:45 IST)

અમદાવાદમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, એક જ બેઠક પર 40થી વધુ લોકોએ ટીકિટ માંગી

loksabha news
loksabha news
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ તરત જ ભાજપે લોકસભાની ચૂંટણી માટે મુરતિયા પસંદ કરવા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપની ઉમેદવારો જાહેર કરવાની આ કવાયતને પગલે બે દિવસ બાદ પ્રદેશ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠક અગાઉ લોકસભા સીટ દીઠ સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. સેન્સપ્રક્રિયા શરૂ કર્યા પહેલાં કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મહાનગરપાલિકાઓના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ મેયર સાથે પ્રદેશ ભાજપ-પ્રમુખ સામેલ થયા હતા. અમદાવાદમાં એક જ બેઠક પર 15થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ગાયક કલાકાર અરવિંદ વેગડા અને અભિનેતા હિતુ કનોડિયા પણ સામેલ છે. 
 
અમદાવાદમાં એક બેઠક માટે 15 લોકો દાવેદાર
આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. લાલદરવાજા ખાનપુર કાર્યાલય ખાતે દાણીલીમડા, અમરાઈવાડી, મણિનગર, એલિસબ્રિજ, અસારવા, દરિયાપુર અને જમાલપુર-ખાડિયા વિધાનસભાના ધારાસભ્યો, કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોના પશ્ચિમ બેઠકના ઉમેદવાર માટે સૂચનો લેવામાં આવ્યા છે. આ બેઠક પર હિતુ કનોડિયા સહિત 15 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ઈડરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયા, ગાયક અરવિંગ વેગડા, ર્ડાં. કિરીટ સોલંકી, દર્શના વાઘેલા, દીનેશ મકવાણા, પૂર્વ મેયર કિરીટ પરમાર, ર્ડાક્ટર સેલના સભ્ય કીર્તિ વડાલીયા, પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ પ્રદેશ મંત્રી SC નરેશ ચાવડા, કાઉન્સિલર ગીતાબેન સોલંકી, શહેર SC મોચરા પ્રમુખ ભદ્રેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા તેમજ શહેર ભાજપ મંત્રી વિભૂતિ અમીને પણ દાવેદારી નોંધાવી છે. 
 
નીતિન પટેલે ટિકિટ માંગતાં આશ્ચર્ય
આ સેન્સ પ્રક્રિયા દરમિયાન મહેસાણા બેઠક પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ સૌ કોઈને ચોંકાવે એવું હતું. મહેસાણા સીટની સેન્સ પ્રક્રિયા દરમિયાન તેમના પીએ દ્વારા નીતિનભાઈ પટેલ વતી ટિકિટ માટે દાવેદારી કરવામાં આવી હતી. તે ઉપરાંત અમદાવાદ પૂર્વ લોકસભા માટે અમદાવાદ પૂર્વના સાંસદ ડોક્ટર હસમુખ પટેલે પોતાની દાવેદારી ફરીથી નોંધાવી છે. આ ઉપરાંત નરોડાના પૂર્વ ધારાસભ્ય બલરામ થાવાણી, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, અમદાવાદ AMTSના પૂર્વ ચેરમેન બાબુ ઝડફિયા સહિતના નેતાઓની દાવેદારી કરાઈ છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે.
 
રાજકોટમાં ટીકિટ માટે ખેંચતાણ
રાજકોટ સીટની સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને ટિકિટ આપવાના સૂર ઊઠ્યા હતા. જેમાં શહેર ભાજપ સંગઠન દ્વારા લોકસભા ચૂંટણી માટે ભરત બોઘરાને ટિકિટ આપવાની વાત રજૂ કરાઈ હતી. સાથે કડવા પાટીદાર ચહેરા બાદ લેઉવા પાટીદાર ચહેરાને તક આપવાની વાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ આ સીટ પર કડવા પાટીદાર એવા મોહન કુંડારિયા સાંસદ છે.