શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (09:27 IST)

ઉનાળામાં ગુજરાતમાં પાણીની તંગીનો પડકારઃ 40 જળાશયમાં 25 ટકાથી પણ ઓછું પાણી

હજુ ઉનાળાની શરૂઆત પણ નથી થઇને ગુજરાતમાં પીવાના પાણી માટે ટેન્કર શરૂ કરવા પડ્યા છે. રાજ્યના 3 જિલ્લાના 20 ગામોમાં ટેન્કરના દૈનિક 55થી પણ વધુ ફેરાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજ્યના જળાશયોમાં પાણી સંગ્રહની સ્થિતિ ચિંતાજનક થઈ છે અને 40 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે.ઉનાળાની શરૂઆત થયાં પહેલાં અછતના ગંભીર ભણકારા અત્યારથી જ વાગવા લાગ્યા છે. બીજી તરફ, જળ જીવન મિશન હેઠળ ગુજરાતમાં 92 ટકા ગ્રામીણ ઘરોને નળ કનેક્શનથી જોડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જળ જીવન મિશનના ડેશબોર્ડ મુજબ, રાજ્યમાં 11 જિલ્લા અને 115 તાલુકાઓએ 100 ટકા નળ કનેક્શનની સિદ્ધિ મેળવી દીધી છે. રાજ્યમાં કુલ 91.77 લાખ ગ્રામીણ ઘરો છે જેમાંથી મિશન શરૂ થયું એટલે કે 15 ઓગસ્ટ 2019 સુધીમાં 65.16 લાખ ઘરોમાં નળ કનેક્શન હતું. ત્યારબાદના અઢી વર્ષની કામગીરીમાં ઘર કનેક્શનની સંખ્યા વધીને 84.44 લાખ થઈ ગઈ છે અને હજુ પણ 7.33 ઘરને નળ કનેક્શનથી જોડવાની કામગીરી બાકી છે. પરંતુ 22 જિલ્લામાં હજુ કામગીરી ચાલી રહી છે. સૌથી ધીમી કામગીરી આદિવાસી જિલ્લામાં નોંધાઇ છે. સૌથી ઓછું કામ દાહોદ જિલ્લામાં થયું છે. રાજ્યમાં 3223 ગામોમાં પાણી પુરૂં પાડવાની કામગીરી ચાલી રહી છે જ્યારે 541 ગામ એવા છે જ્યાં હજુ કામગીરી શરૂ જ નથી થઈ. જળ શક્તિ મંત્રાલય મુજબ, દેશના મોટા રાજ્યોમાં ગોવા, હરિયાણા અને તેલંગાણાએ 100 ટકા નળ કનેક્શનની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.રાજ્યમાં એક તરફ દરેક ઘરે નળ કનેક્શન આપવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ત્રણ જિલ્લાના 20 ગામ એવા પણ છે જ્યાં આજની તારીખે ટેન્કર દ્વારા પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ટેન્કર રિપોર્ટ મુજબ, બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના બે અને વાવના એક ગામ, કચ્છમાં ભચાઉના એક, ભુજના 11 અને રાપરના 3 ગામ તથા દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના 2 ગામને કુલ 59 ટેન્કરના ફેરાથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના જળાશયોમાં માત્ર 8 ટકા જળસંગ્રહ છે. આ ઉપરાંત કચ્છમાંના જળાશયોમાં 24 ટકા અને દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં 36 ટકા પાણીનો સંગ્રહ છે.