ચીન તો ખરું છે!, વસ્તુઓને અદૃશ્ય કરવાની ટેકનિક વિકસાવી રહ્યું છે
ચીનના વૈજ્ઞાનિકો વસ્તુઓને અદૃશ્ય કરવાની ટેકનિક વિકસાવવાનું કામ કરી રહ્યા છે. સમાચાર મુજબ ચીન આ ટેકનિકનો સૈન્યમાં ઉપયોગ કરી શકે છે. હોંગકોંગના ન્યૂઝ પેપર 'સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ'ના એક રિપોર્ટ મુજબ ચીનની સરકારે આ સંશોધન કરનાર લોકોને આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી છે જે વસ્તુઓને આંખો કે ઇલેક્ટ્રોનિક સેન્સરો માટે અદૃશ્ય બનાવવાની ટેકનિક પર કામ કરી રહ્યા છે. આ ટેકનિકનો ઉપયોગ સ્ટીલ્થ વિમાનના વિકાસમાં કરી શકાય છે. જોકે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ટેકનિકને વિકસાવવામાં હજુ પણ એક દાયકો વીતી શકે છે, કેમ કે હાલમાં તેમાં ઉપયોગમાં લેવાનાર 'સુપર તત્ત્વ' ઉપલબ્ધ નથી. ન્યૂઝ પેપરના જણાવ્યા મુજબ ગયા અઠવાડિયે જેઝિયાંગ યુનિવર્સિટીએ એક વીડિયો રજૂ કર્યો હતો, જેમાં યુનિવર્સિટી દ્વારા વિકસિત એવી ગ્લાસ પેનલ દર્શાવાઈ હતી, જેમાં કેટલીક માછલીઓ અને બિલાડીઓ અદૃશ્ય થઈ ગઈ હતી.હેરી પોર્ટર ફિલ્મમાં દર્શાવાયેલી જાદુઇ વસ્તુઓ બનાવવાની આશા છતાં પણ શરૃઆતમાં શોધના ઉપ-ઉત્પાદન વિકસાવાશે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના જણાવ્યા અનુસાર જેઝિયાંગ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું એક ઉપકરણ હથિયારો અને સૈનિકોને ઇન્ફ્રા રેડ સેન્સરો માટે અદૃશ્ય બનાવી દેશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને અમેરિકાના ભૌતિકશાસ્ત્રીઓએ કહ્યું હતું કે અમે ખૂબ જ સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક સિસ્ટમની તપાસ કરી રહ્યા છે, જેનો વિકાસ તમામ બાજુથી જોતાં કોઈ પણ વસ્તુને અદૃશ્ય બનાવવા માટે કરી શકાય છે.