World Cancer Day - ગુજરાતનું એક એવું ગામ જ્યાં કેન્સરના દર્દીઓ જોવા મળે છે, ખેતીને કારણે કેન્સરવાળું ગામ એવું બિરુદ મળ્યું
આજે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અમદાવાદ નજીકના કેલિયા વાસણા ગામની વાત કરવી છે. કેલિયા વાસણા ગામને આજે પણ લોકો કેન્સરવાળા ગામ તરીકે કેમ બોલાવે છે.ગામના લોકોના દિલોદિમાગમાં કેન્સરનો ડર ફેલાયેલો છે. આ ગામના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ગામના ખેતરમાં મોટાભાગે શાકભાજીની ખેતી કરાય છે. કેલિયા વાસણા ગામમાં પરંપરાગત રીતે લીલાં શાકભાજીની વધુ ખેતી થાય છે. આ ખેતી માટે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ દવાઓના સંપર્કમાં વારંવાર આવવાના કારણે ગામના અનેક લોકો કેન્સરનો ભોગ બન્યા છે.
કેલિયા વાસણા ગામની 7000 જેટલી વસ્તી છે જેમાં પટેલ, ઠાકોર, ક્ષત્રિય, રાજપૂત, રોહિત સમાજના લોકોનો સમાવેશ થાય છે. અહીં દરેક સમાજના અલગ-અલગ વાસ આવેલા છે. કોઈ વાસ એવો નથી કે જ્યાં કેન્સરના કેસ ના હોય. કેન્સરના કારણે પાંચેક વર્ષમાં 20થી વધુના તો સત્તાવાર મોત થયાં છે.આ ગામમાં લોકો કેન્સર સામે તો ઘણાં વર્ષોથી ઝઝૂમી રહ્યા છે પરંતુ છેલ્લાં 10 વર્ષમાં પ્રમાણ વધ્યું છે. અત્યારે આ ગામના લોકો તથા પંચાયત સાથે મળીને 'કેન્સરના ગામ'નું કલંક દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
ગામના પટેલ વાસ, ઠાકોર વાસ, રોહિત વાસ તથા રબારી વાસ આ મુખ્ય વાસ છે. અહીં કેન્સરના અસંખ્ય રોગીઓ છે. જો કે, ઘણા સાજા થઈને પરત આવ્યા છે. જો કે ગામમાં હજુ લોકોને કેન્સરનો ડર સતાવી રહ્યો છે. કેલિયા વાસણા ગામના લોકો ભણેલા કે સાવ અભણ છે. આ કારણે ખેતી કરવા સિવાય મોટાભાગના ગામવાસીઓ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હવે ખેતીમાં શાકભાજી જ મુખ્ય રીતે ઉગાડાય છે જેને સાચવવા જંતુનાશકોનો બેફામ ઉપયોગ કરાય જ છે. આ કારણથી જ કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે. પરંતુ બીજી તરફ ખેતી તો કરવી જ પડશે તેવું ગામના લોકો મનમાં નક્કી કરીને બેઠા છે.
ગામના લોકોમાં મોઢાનું કેન્સર વધુ પ્રમાણમાં છે. શરૂઆતમાં મોઢામાં ચાંદી પડતી હતી જેને લોકો ગંભીરતાથી લેતા નહોતા. સામાન્ય દવા લઈને ચાંદીનો દુખાવો દૂર કરતા હતા. પરંતુ સમય જતાં ચાંદું મોટું થઈ જતું અને એટલે લોકો નાના દવાખાને જતા હતા. ત્યાં ડોક્ટર પહેલાં તો ચાંદું મટવાની દવા આપતા જેમાં થોડીક રાહત થાય એટલે લોકો સંતોષ માની લેતા હતા. આવામાં ચાંદું ફાટી જતું કે ઈન્ફેક્શન વધી જતું જે બાદ દર્દીને શહેરના મોટા દવાખાને બતાવવા લઈ જતા. મોટાભાગે રિપોર્ટ કઢાવ્યા બાદ કેન્સર જ આવતું અને ત્યાં સુધીમાં તો માણસ હિંમત હારી જતો. કેટલાક લોકો ખર્ચો વધુ થશે તેમ માનીને સારવાર પણ કરાવતા નહોતા.કેટલાકને હોસ્પિટલ પહોંચવામાં જ મોડું થઈ જતું હતું જેના કારણે જીવ પણ ગુમાવ્યા હતા.હવે કેલિયા વાસણાના લોકોમાં થોડી જાગૃતતા આવતા કેટલાક લોકો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. પરંતુ જે લોકો સમૃદ્ધ હતા, જેમની પાસે જમીન હતી તેઓ તો ગામ છોડીને જતા અમદાવાદ સ્થાયી થયા છે. જેના કારણે હવે ગામમાં કેન્સરના એક્ટિવ કેસ ઓછા થઈ ગયા છે.