શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2023 (15:16 IST)

અમદાવાદમાં લગ્ન બાદ સસરાએ કામવાળી છૂટી કરી દીધી, પતિને ફરિયાદ કરી તો વાળ પકડીને ફટકારી

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી મહિલાએ પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં એવો આક્ષેપ કર્યો છે કે, લગ્નના છ માસ બાદથી પતિ અને સસરા ત્રાસ આપવા લાગ્યા હતા. ત્યારબાદ પતિ પિયરમાં મૂકી આવ્યો હતો અને બાદમાં તેડવા પણ આવ્યો નહોતો. જેથી પત્ની જાતે જ સાસરે આવી ગઇ હતી. બીજી તરફ પુત્રવધૂ પરત આવતા સસરાએ કામવાળી છોડાવી દીધી હતી. જેથી આ મામલે પત્નીએ પતિને વાત કરતા તેણે પત્નીને વાળ પકડી ફટકારી હતી. એટલું જ નહીં, વારે તહેવારે તેને ફરવા લઇ જઇ બાળકોને રાખવા કે કપડાં પહેરવા બાબતે રોકટોક કરતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના મણીનગરમાં રહેતી 34 વર્ષીય મીના(ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે) પતિ, સસરા અને બે બાળકો સાથે રહે છે. મીનાનો પતિ કાપડની દુકાન ધરાવે છે અને મીના તથા તેના પતિએ વર્ષ 2018માં બીજા લગ્ન કર્યા હતા. લગ્નના છ માસ બાદથી પતિ અને સસરા નાની નાની વાતોમાં બોલાચાલી કરી ઝઘડો કરી શંકાઓ રાખવા લાગ્યા હતા. દિવાળી પહેલા જ મીનાને તેના બાળકો સાથે પતિએ પિયરમાં મોકલી દીધી હતી અને એક મહિનો સુધી તેને તેડી ગયો નહોતો.

મીના તેની જાતે પિયરથી સાસરે પરત આવી ગઇ હતી. થોડા સમય સુધી સારી રીતે રાખ્યા બાદ પતિએ ઘરખર્ચના નાણા ન આપી ઝઘડા કરી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. બાદમાં કોઇ પણ વારેતહેવારે મીનાને તેનો પતિ ફરવા પણ લઇ જતો નહીં અને બાળકોને સારી રીતે રાખવા કે કપડાં પહેરાવવા બાબતે રોકટોક કરતો હતો.બધી બાબતોથી કંટાળીને મીનાએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તેના પતિ અને સસરાએ પોલીસમાં જઇ ફરિયાદ આપીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા હતા.અચાનક જ સસરાએ કામવાળીને કામ કરવા માટે ન આવવાનું કહી મીનાને ઘરનું કામ કરવાનું કહ્યું હતું. મીનાની તબિયત સારી ન હોવાથી આ વાત તેણે તેના પતિને કરતા તેના પતિએ તેના પિતાનું ઉપરાણું લઇ વાળ પકડી માર મારતા સમગ્ર મામલે મીનાએ પતિ તથા સસરા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.