શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (16:57 IST)

ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ બદલ્યાં, હવે કોંગ્રેસમાં લડાયક નેતાની જરૂર છેઃ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખનો આક્રોશ

શું થશે કોંગ્રેસનું?

ઘણા સમયથી કોંગ્રેસના નેતાઓ નવા માળખા માટે દિલ્હીના ધક્કા ખાઈ રહ્યાં છે
 
દિવાળી સુધી નવા નેતાની પસંદગી થવાની હતી જે હજી સુધી નથી થઈ
ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ આજ દિન સુધી ગુજરાત કોંગ્રેસનું નવું માળખું બની શક્યું નથી. ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડ સમક્ષ વિધાનસભાની ચૂંટણીને લઈને નવા માળખાની રચના અંગે રજૂઆતો કરવા જઈ આવ્યા છે. છતાં પણ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાતા આજે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે રાહુલ ગાંધીને ટ્વિટ કરીને માંગણી કરી છે કે, ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ બદલી નાંખ્યાં છે ત્યારે ગુજરાતમાં પ્રજાના હિતમાં કામ કરી શકે તેવા લડાયક નેતાગીરી ઉભી કરવાની જરૂર છે. 
 
કોંગ્રેસના નવા પ્રભારીએ નવા નેતાઓ માટે બેઠકો કરી હતી
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માને નવા પ્રભારી બનાવ્યા હતાં. તેમણે ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં કયા નેતાને પ્રદેશ પ્રમખ અને વિપક્ષના નેતા બનાવવા તેની સેન્સ લીધી હતી. બાદમાં તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ કેટલાક નેતાઓના નામ રજુ કર્યા હતાં. તેમણે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને ગુજરાતના 25 નેતાઓ સાથે રાહુલ ગાંધી સાથે નવા નેતાઓ અંગે ચર્ચાઓ કરી હતી.
  
જૂથવાદ છોડીને કામે લાગી જવા પ્રભારીનો આદેશ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ યોજીને કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે, જૂથવાદ છોડીને કામે લાગી જાઓ, રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી. કોંગ્રેસને સત્તામાં લાવવા માટે તમામ કાર્યકરો જૂથવાદને ભૂલીને પક્ષને અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરે. પરંતુ કોંગ્રેસમાં સતત ઉકળી રહેલા જૂથવાદથી તેઓ પણ હવે નવા નેતાની પસંદગીને લઈને ભોંઠા પડ્યાં છે. 
 
રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અવઢવમાં 
દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં, કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડવાની ચિમકી ઉચ્ચારી હતી. પ્રદેશના સિનિયર નેતાઓની ચીમકીને કારણે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અવઢવમાં પડી ગયું હતું. રાહુલ ગાંધીના નિવાસસ્થાને સતત ચાર કલાક સુધી ચાલેલી બેઠકને અંતે રાહુલ ગાંધીએ 26 ઓક્ટોબર એટલે કે દિવાળી પહેલાં ગુજરાત કોંગ્રેસનું નવું માળખું બનાવવાની ખાતરી આપી હતી. પણ આ માળખું આજ સુધી બન્યું નથી.