શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 મે 2021 (13:04 IST)

કોરોનામાં માતા-પિતાનું મૃત્યુ થયું હોય અથવા સારવાર હેઠળ હોય તેમના બાળકોની સારસંભાળ રાખશે સરકારી બાળ સુરક્ષા સંસ્થાઓ

બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી ર્ડા. નરેશ મેણાતે જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કારણે ફેલાયેલ મહામારીમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોની સુરક્ષા તથા તેના સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઇને રાજ્ય સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતુ અને ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ, કોરોના વાયરસના ચેપના કારણે કોઇ બાળકના માતા અથવા પિતા અથવા બન્ને કમનસીબે મૃત્યુ પામ્યા હોય અને આવા સંજોગોમાં તે બાળકને તેના કોઇ નજીકના સગા સબંધી સારસંભાળ રાખી શકે તેમ ન હોય અથવા કોઇ બાળકના માતા અથવા પિતા અથવા બન્ને કોરોના વાઇરસના ચેપની સારવાર હોસ્પીલમાં લઇ રહ્યાં હોય અને તે બાળકને તેના કોઇ સગા સબંધી સારસંભાળ રાખી શકે તેમ ન હોય તો આવા સંજોગોમાં સમાજ સુરક્ષા વિભાગ હેઠળની બાળ સંભાળ સંસ્થાઓમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોને કાળજી અને સાર સંભાળ માટે મોકલી શકાશે.
 
 
બાળકોને બાળ સુરક્ષા સંસ્થાઓમાં મુકતી વખતે આટલી કાળજી રાખીએ
 
બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકતી વખતે બાળકોનો કોરોના રીપોર્ટ નેગેટીવ હોવો જરૂરી છે કારણ કે બાળ સંભાળ સંસ્થાઓમાં રહેતા અન્ય બાળકોની સુરક્ષા પણ જરૂરી છે. બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકવા માટે ચાઇલ્ડ વેલ્ફેર કમીટી બનાસકાંઠાની મંજુરી મેળવવાની રહેશે. 
 
કાળજી અને સાર સંભાળની જરૂરીયાતવાળુ બાળક જો ૬ થી ૧૮ વર્ષનો છોકરો હશે તો તેવા બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, હનુમાન ટેકરી, પાલનપુર ખાતે રાખવામાં આવશે અને બાળક જો ૬ થી ૧૮ વર્ષની છોકરી હશે તો તેવા બાળકને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પરિશ્રમ સોસાયટી, ભગવતી પ્રાથમિક શાળા અર્બુદા સોસાયટી સામે, ધરોઇ કોલોની રોડ, વિસનગર ખાતે રાખવામાં આવશે. 
 
બાળક જો ૦ થી ૬ વર્ષનો છોકરો અથવા છોકરી હશે તો તેવા બાળકને સ્પેશ્યલાઇઝડ એડોપ્સન એજન્સી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, હનુમાન ટેકરી, પાલનપુર ખાતે રાખવામાં આવશે. બાળકને જરૂરીયાત પુરતા દિવસો માટે બાળ સંભાળ સંસ્થાઓમાં રાખવામાં આવશે. જરૂરીયાતના દિવસો ચાઇલ્ડ વેલ્ફેર કમીટી બનાસકાંઠા નક્કી કરશે. 
 
બાળ સંભાળ સંસ્થાઓમાં આવા બાળકોને જમવા, રહેવા તથા જીવન જરૂરીયાતની તમામ વ્યવસ્થા નિશુલ્ક આપવામાં આવશે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે બાળકોને પરિવારનો પ્રેમ અને હુંફ મળવો ખુબ જ જરૂરી હોય છે તેથી જો બાળકને તેના નજીકના કોઇ સગા સબંધી સંભાળ રાખી શકે તેમ ન હોય તો જ બાળકને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકવા અપીલ કરાઇ છે.
 
ઉપર જણાવ્યા મુજબનું કોઇ બાળક તમારા ધ્યાનમાં આવે તો બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમ અથવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, સેવા સદન–૨, ભોયતળીયું, બ્લોક નં.૩૧,૩૨,૩૩,૩૪,૩૫, જોરાવર પેલેસ કંમ્પાઉન્ડ, પાલનપુર, બનાસકાંઠા ફોન નં.૦૨૭૪૨-૨૫૧૮૦૦ અથવા ૦૨૭૪૨-૨૫૨૪૭૮ નો સંપર્ક કરવો અથવા ચાઇલ્ડ હેલ્પ લાઇન ટોલ ફ્રી નં.–૧૦૯૮ ઉપર સંપર્ક કરવા અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.