રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2017 (11:36 IST)

ગુજરાતમાં 1828 ગ્રામ પંચાયતોમાં 8 એપ્રિલે મતદાન યોજાશે

ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા 1828 ગ્રામ પંચાયતોની મહત્વની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મંગળવારે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતોમાં 8મી એપ્રિલે મતદાન થશે. રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજનવાળી સહિતની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. 1828 સરપંચની ચૂંટણી જ્યારે 16082 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. જે ગ્રામ પંચાયતોની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.

18મી માર્ચે ચૂંટણીના જાહેરનામા બહાર પડે અને આ જ દિવસથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે જે 23મી સુધી સ્વીકારાશે. 24મીએ ચકાસણી થશે જ્યારે 25મી સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 8 એપ્રિલે મતદાન અને 11 એપ્રિલે મતગણતરી થશે. પ્રાંત અધિકારીઓ દ્વારા ચૂંટણીનું જાહેરનામું બહાર પડાશે. ઉમેદવારે ફોર્મ સાથે ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત અને મિલકત અને દેવા અંગેનું એકરારનામું રજૂ કરવાનું રહેશે.