શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 જાન્યુઆરી 2019 (12:57 IST)

ગુજરાતમાં ૧૪૭૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી ૧૬૩માં તબીબો જ નથી

'વિકસિત' ગુજરાતની આરોગ્ય ક્ષેત્રે શરમજનક સ્થિતિ છે. રાજયમાં કુલ ૧૪૭૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પીએચસી પૈકી ૧૬૩ કેન્દ્રો વગર તબીબે ચાલે છે, જયારે કનિદૈ લાકિઅ કુલ ૩૬૩ સામૂહિક આરોગ્ય કેન્દ્રો સીએચસીમાં માત્ર ૯૨ તબીબો ઉપલબ્ધ છે. ધારાધોરણ મુજબ દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧ સર્જન, ૧ ગાયનેકોલોજિસ્ટ, ૧ બાળરોગ નિષ્ણાત અને ૧ જનરલ ફિઝિશિયન ઉપલબ્ધ હોવા જોઈએ, પરંતુ રાજયમાં ૩૧મી માર્ચ, ૨૦૧૭ની સ્થિતિએ ૩૬૩ સીએચસી ખાતે ૩૬૩ સર્જનની જરૂરિયાત સામે માત્ર ૨૭ સર્જન, ૩૬૩ ગાયનેક તબીબની જરૂરિયાત સામે માત્ર ૩૭ ગાયનેક  તબીબ, ૩૬૩ બાળરોગ નિષ્ણાતની જરૂરિયાત સામે માત્ર ૧૯ નિષ્ણાતો અને ૩૬૩ જનરલ ફિઝિશિયનોની જરૂરિયાત સામે માત્ર ૯ ફિઝિશિયન ઉપલબ્ધ હતાં. આવી જ રીતે અત્યારે રાજયમાં કુલ ૧૪૭૪ પીએચસી પૈકી ૧૬૩ પીએચસીમાં એક પણ એમબીબીએસ તબીબ નથી, જયારે ૭૯૬ પીએચસી માત્ર એક જ તબીબથી ચાલે છે. 

રાજયમાં ગ્રામીણ ક્ષેત્રે આરોગ્યની કેવી દારૂણ સ્થિતિ છે તેનો ખ્યાલ આ આંકડા ઉપરથી મળી શકે છે. રાજયમાં, 'પાથેય' સંસ્થાના રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ગ્રામીણ દવાખાનાઓમાં પેરા મેડિકલ સ્ટાફમાં મોટો ઘટાડો નોંધાયો છે. જો કે, રાજય સરકાર માટે આશ્વાસનરૂપ બાબત એ છે કે, તબીબો અને નિષ્ણાત તબીબોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ૨૭.૧૬ ટકાનો ઘટાડો રેડિયોગ્રાફરની સંખ્યામાં નોંધાયો છે, જયારે ર્નિંસગ સ્ટાફમાં ૧૦.૪૬ ટકાનો, સહાયક હેલ્થ વર્કર મહિલાની સંખ્યામાં ૬ ટકાનો, ફાર્માસિસ્ટની સંખ્યામાં ૫ ટકાનો તથા લેબ ટેકનિશિયનની સંખ્યામાં ૩ ટકાનો ઘટાડો થયો છે. 

બીજી તરફ પીએચસી ખાતે એમીબીબીએસ તબીબોની સંખ્યામાં ૭.૫ ટકાનો અને સીએચસી ખાતે સુપર સ્પેશિયાલિટી નિષ્ણાત તબીબોની સંખ્યામાં ૨૮.૨૬ ટકાનો વધારો થયો છે. અલબત્ત આ બધા આંકડા મંજૂર મહેકમ સામે વાસ્તવિક ઉપલબ્ધ સ્ટાફના નથી, પણ વસતિના ધોરણે જરૂરિયાત સાથે મંજૂર સ્ટાફના છે, જેના કારણે વાસ્તવિક ઉપલબ્ધ સ્ટાફ દર્શાવ્યા કરતાં પણ ઓછો હોવાની પૂરી શકયતા છે. દા.ત. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે ર્નિંસગ સ્ટાફની મંજૂર જગ્યા ૪૩૯૧ છે, જે પૈકી ૩૧૬૦ સ્ટાફ અત્યારે ઉપલબ્ધ છે અને ૧૨૩૧ જેટલી જગ્યાઓ ખાલી છે. 

આવી જ રીતે બીજા સ્ટાફમાં પણ મોટી ઘટ હોવાની શકયતા છે. નેશનલ હેલ્થ મિશન-૨૦૧૭ના રિપોર્ટ પ્રમાણે સરકારી દવાખાનાઓમાં તબીબોની મોટી ઘટ હોવાથી દર્દીઓ નાછૂટકે ખાનગી દવાખાનાઓ તરફ વળે છે, જેના કારણે ગરીબોની આવકનો મોટો હિસ્સો ખાનગી સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. અત્યારે રાજયમાં સરકારી આંકડા પ્રમાણે ૧૧૪૭૫ માનવ વસતિ સામે માત્ર એક સરકારી એમબીબીએસ તબીબની ઉપલબ્ધતા છે. ડોકટરોની ઉપલબ્ધતામાં ગુજરાતનો નંબર રાષ્ટ્રીય સ્તરે છેક ૨૮મો છે, જે વિકસિત ગણાવતા ગુજરાત માટે ઘણી શરમજનક બાબત છે.