શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 જૂન 2021 (11:34 IST)

ગુજરાત રાજ્યે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના અમલીકરણ માટે તૈયાર કર્યો રોડ-મેપ

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ભારતીય જીવન મૂલ્યો સાથે વિશ્વની આવશ્યકતાપૂર્ણ કરી શકે તેવા આત્મનિર્ભર યુવાઓના નિર્માણ માટેનો દસ્તાવેજ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તાલક્ષી સુધારણા ક્ષેત્રે નવી શિક્ષણ નીતિની ભૂમિકા સંદર્ભે યોજાયેલી ચિંતન બેઠકમાં રાજ્યપાલએ નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં ગુજરાત રાજ્ય દ્વારા હાથ ધરાયેલી મેરેથોન કામગીરીની નોંધ લઈ પ્રશંસા વ્યક્ત કરી હતી. 
 
રાજ્યપાલએ આ તકે જણાવ્યું હતું કે, જે સમાજ ભાવિ પેઢીની સંભાળ લે છે તે જ દીર્ઘકાલીન બની શકે છે. તેમણે યુવાનોને રાષ્ટ્રના કર્ણધાર ગણાવી નવી શિક્ષણ નીતિ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે યુવાઓનું દિશા દર્શન કરશે. 
 
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિને પરિણામે 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિનો અમલ થઈ રહ્યો છે, આ શિક્ષણ નીતિમાં કલા અને કૌશલ્યની સાથે-સાથે સાયન્સ અને ટેક્નોલૉજી, ઇનોવેશન અને રિસર્ચને પણ એટલું જ મહત્ત્વ અપાયું છે. રાજ્યપાલએ માતૃભાષામાં શિક્ષણ આપવાની જોગવાઈને બાળક માટે અભ્યાસની આઝાદી સમાન ગણાવી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના અમલીકરણ ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો માટે પ્રેરણાસ્ત્રોત બનશે તેવો દૃઢ વિશ્વાસ રાજ્યપાલએ વ્યક્ત કર્યો હતો. 
 
આ પ્રસંગે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે ઝડપથી ટાસ્કફોર્સની રચના કરીને એક રોડ-મેપ તૈયાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિના અમલીકરણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહેશે. આ જ રીતે શિક્ષણ રાજ્યમંત્રી શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવેએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની પ્રગત્તિનો ચિતાર આપીને નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટેની ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 
 
આ ચિંતન બેઠકમાં વિદાય લઈ રહેલાં શિક્ષણ વિભાગનાં અગ્ર સચિવ અંજુ શર્માએ નવી શિક્ષણ નીતિ અનુસાર ગુણવત્તાલક્ષી શિક્ષણ, મલ્ટી ડિસિપ્લીનરી શિક્ષણ, ઉચ્ચ શિક્ષણમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સાથે સહયોગ, ચોઈસ બેઇઝ્ડ ક્રેડિટ સિસ્ટમ, મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટ જેવા મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ પ્રસંગે શિક્ષણ વિભાગના નવ નિયુક્ત અગ્ર સચિવ એસ. જે. હૈદરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 
 
આ બેઠક દરમિયાન ઉપસ્થિત જુદી-જુદી યુનિવર્સિટીઓના કુલપતિઓએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. નવા અભ્યાસક્રમોની રચના, આંતર યુનિવર્સિટી શિક્ષણ જેવા ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓમાં સમાન ધોરણની જાળવણી જેવા મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી હતી. 
 
કાર્યક્રમની શરૂઆતમાં ઉચ્ચ શિક્ષણ નિયામક એમ. નાગરાજને વેબિનારનો વિષય સ્પષ્ટ કર્યો હતો. બેઠક દરમિયાન ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્કના પરિણામો જાહેર કરાયા હતા અને રેન્કિંગ મેળવનારી યુનિવર્સિટીઓ અને કોલેજોને મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી.