શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2023 (14:56 IST)

ગુજરાતમાં 8.84 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા, ઓક્ટોબરમાં 2.80 લાખ ખેડૂતોને તાલીમ અપાઈ

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન વધુ વેગવાન અને અસરકારક બની રહ્યું છે. ગત ઓક્ટોબર મહિનામાં કુલ 2.80 લાખ ખેડૂતોને તેમના ખેતર કે ઘર સુધી જઈને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં 8.84 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષપદે આ મુદ્દે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો. રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પ્રેરણા આપવા ગુજરાતના પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછું એક 'મોડલ ફાર્મ' તૈયાર કરવા જણાવ્યું હતું. 

 
રાજ્યપાલે કહ્યું હતું કે, ખેડૂતોને ઘર આંગણે જ તાલીમ મળી રહે તો ઓછા ખર્ચે પરિણામલક્ષી કામગીરી થાય. ગ્રામીણ મહિલાઓ પ્રાકૃતિક ખેતીમાં નેતૃત્વ કરે, યોગ્ય તાલીમ મેળવે અને અન્ય ખેડૂતોને તાલીમ આપે. વધુને વધુ ખેડૂતોને તાલીમ આપવા અને તાલીમ આપી રહેલા નિષ્ણાતોને વધુ સારી અને ઉચ્ચકક્ષાની તાલીમ મેળવવા રાજ્યપાલે અનુરોધ કર્યો હતો. ગત પહેલી મેથી રાજ્યના તમામ ગામોને ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સમાં વહેંચીને દરેક ક્લસ્ટરદીઠ એક ટેકનિકલ માસ્ટર ટ્રેનર તરીકે કૃષિ વિભાગના પ્રતિનિધિ અને એક ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે પ્રગતિશીલ ખેડૂત નિયુક્ત કરીને ખેડૂતોને ઘર આંગણે, તેમના ખેતરમાં જઈને તાલીમ આપવામાં આવી રહી છે. 41 હજાર જેટલા  ખેડૂતોના ખેતરમાં જઈને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

છેલ્લા છ મહિનામાં 18.25 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વ્યક્તિગત તાલીમ આપવામાં આવી છે. ગત ઓક્ટોબર માં જ ઉચ્ચ અધિકારીઓએ રાજ્યના ગામોમાં 34 રાત્રી સભાઓ કરીને 2253 ખેડૂતો સાથે સીધી વાત કરી છે.પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચી શકે અને સામાન્ય નાગરિકોમાં પણ પ્રાકૃતિક ખેતી ઉત્પાદનની ખરીદી કરવાની સજાગતા આવતા પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે ખરીદનારા અને વેચનારા બંનેની સુગમતા માટે જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે. રાજ્યમાં અત્યારે 892 વેચાણ કેન્દ્ર કાર્યરત છે. તે ઉપરાંત રાજ્યમાં વધુને વધુ વેચાણ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે.