રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 એપ્રિલ 2022 (18:33 IST)

21 વર્ષ પછી આજથી કેશોદ એરપોર્ટ ફરી શરૂ, રૂ.25 કરોડના ખર્ચે ઉભી કરાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

keshod airport
કેશોદ એરપોર્ટ 21 વર્ષ બાદ આજથી ફરી શરૂ થવા જઈ રહ્યુ છે. એરપોર્ટ શરૂ કરવાને લઈ લાંબા સમયથી રાહ જોતા પ્રવાસીઓ અને લોકોની આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સોરઠના કેશોદ એરપોર્ટ ઉપરથી હવાઈ સેવા માટે જરૂરી રૂ.25 કરોડના ખર્ચે ઉભી કરાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરી એરપોર્ટનું ઉદ્ધઘાટન કર્યુ હતું. ત્યારે કેશોદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સપ્તાહમાં મુંબઈ-કેશોદ વચ્ચે ત્રણ વખત ફ્લાઈટ ઉડાન ભરશે.
 
બન્ને જિલ્લામાં ટુરીઝમની નવી સર્કીટનો વિકાસ થશે
કેશોદ એરપોર્ટ પરથી આજથી કેશોદ- મુંબઇ રૂટ પર હવાઈ સેવા વિધિવત શરૂ થશે. વર્ષો બાદ કેશોદ એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ થવાથી સ્થાનીક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવાઈ સેવાની કનેક્ટિવિટી મળવાથી સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ બન્ને જિલ્લામાં ટુરીઝમની નવી સર્કીટનો વિકાસ થશે.

કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અનાવરણ 
આજે બપોરે કેશોદ એરપોર્ટ પર હવાઈ સેવાના પ્રારંભ પૂર્વે 72 સીટર વાળુ કોમર્શીયલ પ્લેન આવી પહોચ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તકતીનું અનાવરણ કરી કેશોદ એરપોર્ટ પર હવાઈ સેવા માટે જરૂરી ઉભી કરાયેલી બિલ્ડીંગ અને રન-વે રીનોવેશન સહિતની અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ કરી એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ હતું.
 
મહત્વનું છે કે દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતા સાસણ, જુનાગઢ અને સોમનાથના મધ્યમાં કેશોદ આવેલું છે. ત્યારે કેશોદ એરપોર્ટના નવીનીકરણ સાથે મુંબઇની વિમાની સેવાનો પ્રારંભ થતાં દેશ-વિદેશના પ્રવાસીઓની યાત્રા સુવિધામાં વધારો થશે. જુનાગઢ જિલ્લા અને તેની આસપાસના પ્રવાસન સ્થળો પર આવતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને પ્રવાસનને વેગ મળશે. સાસણ,ગીર, ગિરનાર, સોમનાથ અને દિવ વચ્ચે ટુરીઝમ સર્કીટના વિકાસમાં પણ કેશોદની આ વિમાની સેવાનો ફાળો મહત્વનો સાબીત થશે.
 
વર્ષ 2000માં કેશોદ એરપોર્ટ પર કોમર્શીયલ રૂટ બંધ કરી દેવાયો હતો
21 વર્ષ બાદ કેશોદ એરપોર્ટ શરૂ થતા મુસાફરોમાં ખુશી જોવા મળી રહી છે. આ સેવા શરૂ કરવાને લઈ અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. કેશોદ એરપોર્ટ પર વર્ષ 2000માં કોમર્શીયલ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે-તે સમયે દિવ એરપોર્ટ શરૂ થતા ટ્રાફિક ઓછો રહેતો હતો. કેશોદ એરપોર્ટ બંધ થતા વેપારીઓ અને દેશ-વિદેશમાં વસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ચેમ્બર ઓફ કોમર્સ, વ્યાપારી વિકાસ મંડળ, સાંસદ, ધારાસભ્યો સહિતનાઓએ આ એરપોર્ટ શરૂ કરવાને લઈ રજૂઆત કરતા આ એરપોર્ટનો કેન્દ્ર સરકારે ઉડ્ડાન યોજના હેઠળ સમાવેશ કર્યો હતો. જે બાદ સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.