રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (14:13 IST)

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં બજારો સુમસામ, વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને અમદાવાદ શહેરમાં હવે હોસ્પિટલો કુલ થઈ ગઈ છે. બેડ ખાલી નથી રહ્યા. લોકડાઉનની જરૂર છે પરંતુ લોકડાઉન કરવાની સ્થિતિ ન હોવાનું રાજય સરકાર કહી રહી છે ત્યારે અમદાવાદમાં શનિવાર અને રવિવારે માધુપુરા, કાલુપુર ચોખાબજાર, માણેકચોક સોની બજાર, ખોખરા વિસ્તારમાં સ્વયંભુ લોકડાઉન કરવામાં આવ્યું છે.

રવિવારે પણ માધુપુરા અને કાલુપુર જેવા બજારો ધમધમતાં હોય છે ત્યાં આજે સૂમસામ રોડ જોવા મળ્યા હતા. એકલ દોકલ પેન્ડલ રિક્ષાચાલક પોતાનો દિવસ ભરવા કોઈ મળી જાય તે આશાથી આવતાં જોવા મળ્યા હતા. બીજી તરફ શહેરના ખોખરા વિસ્તારમાં પણ રાધે મોલ આખો દિવસ બંધ જોવા મળ્યા હતા. મણિનગર સિંધી બજાર પણ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું. કોરોનાના કેસોની ચેઇન તોડવાના પ્રયાસરૂપે સ્વૈચ્છિક બંધનો શહેરના વેપારી મંડળોએ નિર્ણય લીધો હતો, જેના ભાગરૂપે શનિવારે પણ શહેરનાં મોટા ભાગનાં માર્કેટોમાં ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. આ જ રીતે રવિવારે પણ વેપારીઓએ બંધ રાખવાનું નક્કી કર્યું છે.જમાલપુર એપીએમસી માર્કેટ, વાસણા એપીએમસી શનિવારે બંધ રાખવામાં આવ્યાં હતાં, જે રવિવારે પણ બંધ રહેશે તેવો નિર્ણય શુક્રવારે લેવાયો હતો. બીજી બાજુ શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક સોની બજારના વેપારીઓએ પણ સ્વૈચ્છિક રીતે બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, જેના પગલે હવે આ બજારો સોમવારે રાબેતા મુજબ કામકાજ કરશે.માણેકચોક ટી મર્ચન્ટ એસોસિએશન પણ કોરોના સામેની લડાઈ માટે સ્વયંભૂ બંધમાં જોડાયું હતું અને પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. આ સિવાય રિલીફ રોડથી લઈને કાલુપુર સુધીના રોડ પર આવેલા ઇલેક્ટ્રોનિક્સ બજારના વેપારીઓ પણ આ સ્વૈચ્છિક બંધમાં બે દિવસ માટે જોડાયા હતા. કાલુપુરની ટંકશાળ માર્કેટના વેપારીઓએ પણ રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. મણિનગર સિંધી માર્કેટના વેપારીઓ પણ આ બે દિવસના બંધમાં જોડાયા હતા.