શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 ડિસેમ્બર 2022 (12:15 IST)

વડગામની જનતાએ જિજ્ઞેશ મેવાણીને ચૂંટીને ‘દેશદ્રોહ’ કર્યો : ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્મા

ફ્રી પ્રેસજર્નલના એક અહેવાલ અનુસાર ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્માએ શનિવારે કૉંગ્રેસના ધારાસભ્ય ‘જિજ્ઞેશ મેવાણીને ચૂંટવા’ બદલ વડગામ વિધાનસભા બેઠકના ‘મતદારોની ટીકા’ કરી છે.
 
વડગામ તાલુકાના વરનાવાડા ગામની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, વડગામના લોકોએ આ બેઠક પર ભાજપની જીત સુનિશ્ચિત ન કરીને ‘દેશદ્રોહ’ કર્યો છે.
 
નોંધનીય છે કે તેઓ ગુજરાતની નવી સરકારમાં રાજ્ય સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ અને એમએસએમઈ મંત્રી છે.
 
ગામલોકોએ તેમનું સ્વાગત કર્યા બાદ અહેવાલ પ્રમાણે તેમણે પોતાનો ‘ગુસ્સો ઠાલવ્યો’ હતો.
 
તેમણે કહ્યું હતું કે, “ભાજપના પરાજય માટે જવાબદાર લોકોએ ખરેખર તો દેશદ્રોહ કર્યો છે. તમે મારું સ્વાગત કર્યું, ફૂલહાર પહેરાવ્યા પરંતુ મારે એ જરૂર કહેવું જોઈએ કે આવું પાખંડ કર્યા કરતાં તમારે ભાજપને મત આપી પાર્ટી માટે પોતાનો પ્રેમ પ્રગટ કરવાનો હતો.”
 
આ નિવેદન બાદ કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શાબ્દિક હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે, “ભાજપના મંત્રી એટલા માટે નારાજ છે કારણ કે કરોડો રૂપિયા વાપરવા છતાં અહીં ભાજપ હાર્યો. ગામના લોકોએ તેમનું સ્વાગત કર્યું છતાં તેમણે તેમનું અપમાન કર્યું. તેમણે પરાજય પચાવતા શીખવું જોઈએ.”
 
નોંધનીય છે કે જિજ્ઞેશ મેવાણીએ તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભાની ચૂંટણીમાં વડગામ બેઠક પરથી ભાજપના ઉમેદવારને ચાર હજાર મતોની સરસાઈથી હરાવ્યા હતા.
 
તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ‘અભૂતપૂર્વ’ વિજય હાંસલ થયો છે.