શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 માર્ચ 2021 (23:07 IST)

સુરતમાં 85 વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ, સ્કૂલો બંધ કરવાનો આપ્યો આદેશ

ગુજરાતમાં કોરોનાના સંક્રમણની ગતિ ફરીથી વધી ગઇ છે. કોરોનાના દૈનિક કેસમાં સતત વધારા વચ્ચે ગુજરાતની સ્કૂલો સુધી કોરોનાનું સંક્રમણ પહોંચી ગયું છે. ગુજરાત સરકારને સ્કૂલ ખોલવાની પરવાનગી આપવી ભારે પડી રહી છે. સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સુરતની સ્કૂલોમાં તાજા આંકડા અનુસાર 85 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ આંકડાએ રાજ્ય સરકારને કોરોનાની રણનીતિઓ પર ફરીથી વિચાર ક્કરવા પર મજબૂર કરી દીધા છે. 
 
તાજા જાણકારી અનુસાર દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને જોતાં ગુજરાતના સ્કૂલોમાં વિદ્યાર્થીનો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. અત્યર સુધી 25 સ્કૂલોના 1613 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 85 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ છે. જે સ્કૂલોમાં 5 થી વધુ કેસ સામે આવ્યા છે તે તમામ સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સુરતના ઘણા વિસ્તારોમાં ફરીથી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. 
 
તો બીજી તરફ કોરોનાના UK સ્ટ્રેનનો ખતરો વધી રહ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છા નિધિએ ટ્વીટ કરી આ અંગે જાણાકરી પણ આપી છે. 
 
ગુજરાતમાં સતત કોરોના સંક્રમિતોની સંખ્યા વધી ગઇ છે. ગુજરાતમાં હવે 700થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. સૌથી વધુ કેસ સુરતમાંથી સામે આવી રહ્યા છે. તો પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના માર્ગે આવનાર લોકો માટે RTPCR રિપોર્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. 
 
આજે રાજ્યમાં કોરોનાના 775 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 2,77,397 સુધી પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,68,775 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.89 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 19,33,388 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 4,87,135 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે.