શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 10 નવેમ્બર 2020 (09:30 IST)

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની આજે મતગણતરી, બપોર સુધી પિક્ચર થઇ જશે સ્પષ્ટ

ગત 3જી નવેમ્બરે યોજાયેલી ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીની આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. પેટા ચૂંટણીની 8 બેઠકો માટે કુલ 25 ગણતરી મથકો પર મતગણતરી કરવામાં આવી રહી છે. 7 વિધાનસભા બેઠકો માટે 2 - 2 મતગણતરી મથકો, જ્યારે લીંબડી બેઠક માટે 3 મતગણતરી મથકો રહેશે. વિધાનસભાની આઠેય બેઠક દીઠ એક મતગણતરી મથક પર બેલેટ પેપરની ગણતરી થશે. 8 વિધાનસભા માટે કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે.
 
દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી ગણતરી થશે. ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે તે માટે મોનિટર ડિસ્પ્લે મૂકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320 નો સ્ટાફ ઉપસ્થિત રહેશે. 
 
ક્યાં કેટલા રાઉન્ડમાં થશે ગણતરી?
લીંબડી 42 રાઉન્ડ
ડાંગ 36 રાઉન્ડ
મોરબી 34 રાઉન્ડ
અબડાસા 30 રાઉન્ડ
ધારી 29 રાઉન્ડ
કરજણ 28 રાઉન્ડ
કપરાડા 27 રાઉન્ડ
ગઢડા 27 રાઉન્ડ
 
આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે જેથી પરિણામ દોઢથી બે કલાક જેટલું વિલંબથી આવશે. ચિત્ર સ્પષ્ટ થતા બપોરે 12થી 2 વાગે તેવી પણ શક્યતા છે. આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આજે બપોર સુધી મતગણતરીના રાઉન્ડ પ્રમાણે પરિણામો આવી શકે છે. ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે.
 
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું  કે દર વખતે એક મથક પર 1500 મતદારોનું ધોરણ હોય છે. આ વખતે કોવિડ ગાઇડલાઇનને કારણે તે રેશીયો 1 હજાર મતદારનો કરવામાં આવ્યો છે. જેથી ઇવીએમની સંખ્યા પણ વધી છે અને તે પ્રમાણે ટેબલ અને રાઉન્ડ પણ વધુ ગોઠવવામાં આવ્યા છે. જેના કારણે મતગણતરીમાં થોડો વિલંબ થાય તેવી શક્યતા છે.