શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Modified: મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (14:45 IST)

આંદોલનો ઠંડા પાડવા માટે ગુજરાત સરકાર બજેટમાં યુવા અને રોજગારી પર ફોકસ કરશે

રાજયમાં વિવિધ સામાજિક સંગઠનો યુવા બેરોજગારી અને સરકારી નોકરીને મુદ્દો બનાવીને આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર તેના પહેલા બજેટમાં મોટાપાયે રોજગારી અને ભરતી પર ફોકસ કરવામાં આવશે. 2017નું વર્ષ વિધાનસભાની ચૂંટણીને લઇને મહત્વનું બનવાનું છે ત્યારે 2017-18ના બજેટમાં સરકાર દ્વારા ત્રિપાંખિયો વ્યૂહ અજમાવવામાં આવશે. નાણા વિભાગની ચાલી રહેલી બેઠકોમાં આગામી વર્ષે મહત્તમ નોકરીઓની તક ઊભી થાય તેવી સ્વરોજગારીની યોજનાઓ-નિયમિત ભરતી, લઘુ-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને વધુ રોજગારી ઊભી કરવી અને વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુ સાથે મેક ઇન ઇન્ડિયાને પણ સાંકળી લઇને ભરપૂર નોકરીઓ બહાર પડે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે સાથે કેટલાક વિભાગમાં ચોક્કસ સંખ્યામાં ભરતી થાય તે માટેના ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવશે.

ભાજપ સરકારનું આગામી બજેટ ચૂંટણીલક્ષી હશે તેથી તમામ વર્ગને રિઝવવાનો પ્રયાસ કરાશે પરંતુ તેમાં સૌથી વધુ ભાર યુવાનો અને રોજગારીની તકો પર મૂકવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના કારણે ભાજપ તરફ યુવાઓનો મોટો વર્ગ આકર્ષાયેલો છે અને તે ભાજપની મહત્વની વોટ બેન્ક પણ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિવિધ સંગઠનો દ્વારા બેરોજગારીના મુદ્દાને લઇને આંદોલન કરવામાં આવી રહ્યા છે અને તેમાં યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે તે ભાજપ માટે ચિંતાનો વિષય છે. નાણા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બજેટમાં સરકાર લગભગ મોટાભાગના વિભાગોને રોજગારી સાથે સાંકળવા માગે છે અને તેને લગતી તકો શોધવા કે ઊભી કરવા માટે ખાસ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. હાલ પ્રાથમિક રીતે સરકાર મોટાપાયે ભરતી થાય છે તેવા વિભાગો શિક્ષણ, ગૃહ, પંચાયત અને આરોગ્યને નવા નાણાકીય વર્ષમાં ભરતીનો ટાર્ગેટ આપશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. જેને સરકારની નિયમિત ભરતી કેલેન્ડર યોજના સાથે પણ સાંકળી લેવામાં આવશે. તે સાથે બજેટના કેટલાક વિભાગો જે ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી અને અર્ધશહેરી વિસ્તારોને લગતા હોય તેમાં સ્વરોજગારીની તકો ઊભી કરી શકે તેવી યોજનાઓ પણ બનાવાશે.