રાજ્યમાં ઠેર ઠેર સરકાર વિરોધી બેનરો લાગવાથી ભાજપ ભયભીત

anti bjp postar
Last Modified સોમવાર, 13 નવેમ્બર 2017 (14:47 IST)

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતાં ભાજપ સરકાર વિરોધી બેનરો લાગતાં ભાજપ હવે રીતસર ભીંસમાં મુકાઈ ગયો છે. દર પાંચ વર્ષે ફક્ત ચુંટણી સમયે પોતાનાં મત વિસ્તારોમાં દેખા દેતાં ભાજપના ધારાસભ્યોને હવે સ્થાનિક જનતા સવાલ કરતી થઇ છે. સ્થાનિક પ્રજાના પ્રશ્નોનો જવાબ આપવા ભાજપના ધારાસભ્યો અને કાર્યકરોને ભારે પડી રહ્યાં છે વધુમાં ઠેકઠેકાણે ભાજપ વિરોધી બેનર લગાવવામાં આવતાં જનતામાં ભાજપ વિરુદ્ધ રોષ સ્પષ્ટ દેખાઈ આવ્યો છે. ભાજપને જાણે આ ચૂટણીમાં પનોતી બેસી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચુંટણી પ્રચાર માટે ભાજપે શરુ કરેલી ગૌરવ મહાસંપર્ક યાત્રાનો ભારે ફિયાસ્કો થયો છે. રાજ્યના ઠેક ઠેકાણે ગૌરવ મહાસંપર્ક યાત્રાનો ભારે પ્રમાણમાં વિરોધ જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજ અને દલિત સમાજ ઉપરાંત હવે સામાન્ય જનતા પણ વિરોધમાં ઉતરતાં ભાજપની સ્થિતિ કફોડી થઇ ગઈ છે. કાર્યકરો પણ હવે પ્રચાર પ્રસારમાં જતાં ડરવા લાગ્યાં છે. રાજ્યમાં ભાજપ વિરુદ્ધ લગાવેલાં પોસ્ટરો ઉતરાવવા માટે હવે ભાજપે કાર્યકરોને દોડાવવાની જરૂર પડી છે. સુરતમાં પાટીદાર આગેવાનોએ લગાવેલા પોસ્ટર ભાજપના કાર્યકરો ઉતારી જતાં ફરીથી તે જ સ્થળે પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. અમદાવાદ અને મહેસાણામાં ભાજપ સરકારના વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. અમદાવાદમાં વટવા વિધાનસભા મતવિસ્તારમાં ગૃહ મંત્રી પ્રદીપસિંહ અને મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વિરોધ કરતાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. સુરતમાં પાટીદાર સોસાયટીઓમાં પણ ભાજપ માટે ૧૪૪ ની કલમ લાગુ કરી કોઈએ પ્રચાર કરવાં આવવું નહિ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


આ પણ વાંચો :