તુલસી વિવાહ કથા - Tulsi Vivah Katha

tulsi katha
Last Modified ગુરુવાર, 7 નવેમ્બર 2019 (17:54 IST)


દર વર્ષે કારતક માસના સુદ પક્ષની અગિયારસે તુલસી વિવાહનો પર્વ ઉજવાય છે અને આ અગિયારસના દિવસે ધૂમધામથી તુલસીનો વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ 8 નવેમ્બર 2019ના રોજ આવી રહ્યો છે.


દેવઊઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરુપનો વિવાહ તુલસી સાથે કરાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતા આખરે કઈ પરિસ્થિતિઓમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા. આવો જાણીએ.

પૌરાણિક કથાઓ અનુસાર, જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજેય બની ગયો. બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યુ જેમાં તેઓ હારી ગયા.

બધા દેવતા દુ:ખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રુપ ધારણ કરી લીધુ. ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી.


પતિના મોતથી દુ:ખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરુપમાં પ્રકટ કર્યો જે શાલિગ્રામ કહેવાયું.
દુ:ખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરુપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવઊઠી અગિયારસ કહેવાય છે.

ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, ‘આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો. જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો, તમારું સ્થાન મારા માથા પર રહેશે. આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું.’ તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે.આ પણ વાંચો :