શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 14 સપ્ટેમ્બર 2015 (15:30 IST)

ગણપતિ દાદાની પ્રતિમા બનાવતા પહેલાં ય માટીની શાસ્ત્રોક વિધીથી પૂજા થાય છે

સુરતમાં દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ગણેશજીની પ્રતિમા પ્લાસ્ટર ઓફ પેરીસની હોવી જોઈએ કે માટીની ? તે માટે વિવાદ થાય છે. પરંતુ શ્રીજીની પ્રતિમાની પવિત્રતા અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી કે ચર્ચા પણ થતી નથી. શ્રીજીના ભક્ત એવા એક પ્રતિમા બનાવનાર મૂર્તિકારે ગંગા અને તાપી નદીની પવિત્ર માટીમાંથી પ્રતિમા બનાવવાનું શરૃ કર્યું છે. જેના કારણે હવે સુરતમાં શ્રીજીની પ્રતિમામાં ભવ્યતા સાથે પવિત્રતાના દર્શન પણ થશે. માત્ર ગંગા અને તાપીની માટી જ નહીં પરંતુ પ્રતિમા બનાવવા પહેલાં માટીની ધાર્મિક વિધિથી પૂજા પણ કરવામાં આવે છે. જેથી હવે સુરતના અનેક ગણેશ મંડપમાં ગંગા અને તાપી નદીની માટીમાંથી બનાવાયેલા પ્રતિમાની સ્થાપના કરવાનો નવો  ટ્રેન્ડ શરૃ થયો છે.

સુરત સહિત સમગ્ર ભારતમાં આગામી દિવસોમાં આવતાં ગણેશ ઉત્સવની તૈયારી શરૃ થઈ ગઈ છે. આ વર્ષે સુરતના કેટલાક વિસ્તારમાં શ્રીજીની પ્રતિમામા ભવ્યતાની સાથે પવિત્રતાનો સંગમ જોવા મળશે. આનંદ મહેલરોડ પર શ્રીજીની પ્રતિમા બનાવવાનું કામ કરતાં બંગાળના રાજુ કુંન્દુ તાપી અને ગંગા નદીની માટીમાંથી પ્રતિમા બનાવે છે તે પહેલાં માટીની શાસ્ત્રોક વિધી કરે છે. મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલો રાજુ ગણપતિજીનો ભક્ત છે. તે કહે છે, શ્રીજીની સ્થાપનામાં ઘણી વખત પવિત્રતાની કમી જોવા મળે છે તે મને ખુંચતી હતી. જેના કારણે મેં ચારેક વર્ષથી પ્રતિમા બનાવવાના પાર્ટ ટાઈમ વ્યવસાયમાં ઝંપલાવ્યું છે.
રાજુ વધુમાં કહે છે કે, અમે પ્રતિમા બનાવવાનો ૯૦ ટકાથી વધુ સામાન કોલકત્તાથી મંગાવીએ છીએ. ખાસ કરીને ગંગા નદીના તટમાંથી પવિત્ર માટી લાવીએ છીએ. અમે સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવતાં હોવાથી સુરતની તાપી નદીની પવિત્રતાથી વાકેફ છે તેથી તાપી નદીની પવિત્ર માટીની પણ શ્રીજીની પ્રતિમા બનાવીએ છીએ.  પહેલા અમે માટી લાવીએ છીએ આ માટી પવિત્ર તો છે જ પરંતુ તેને વધુ પવિત્ર બનાવવા માટે અમે મંગળ અને શનિવારે શાસ્ત્રોક વિધીથી માટીની પૂજા કરીએ છીએ. આટલું જ નહીં પરંતુ અમારે ત્યાં કારીગરોને પણ પવિત્રતા જાળવવા માટે ખાસ કાળજી રાખવાની સુચના આપવામાં આવે છે. અમારે ત્યાં કોઈ પણ કારીગરને સ્નાન વિના પ્રતિમા બનાવવાની કામગીરી કરવા દેવામાં આવતી નથી. ભગવાન ગણેશજીની પ્રતિમા માત્ર આકર્ષક હોય તે જરૃરી નથી પરંતુ તે પવિત્ર પણ હોવી જોઈએ તેવું મારી સાથે અનેક લોકોનું માનવું છે. મારી તથા લોકોની લાગણીઓ એક જ હોવાથી મેં તાપી અને ગંગા જેવી લોકમાતા (નદી)ની માટીનો ઉપયોગ ગણેશજીની પ્રતિમા  બનાવવામાં શરૃ કર્યો છે. જેના કારણ ગણેશજીની પ્રતિમા આકર્ષક હોવા સાથે પવિત્ર પણ બની રહી છે.

અહીથી પ્રતિમાની ખરીદી કરનારા રાકેશભાઈ કહે છે, અમે ભારે શ્રધ્ધાથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ પરંતુ ઘણી વખત પવિત્રતા જળવાતી ન હોવાની ફરિયાદ અનેક વખત સાંભળવા મળે છે. જેના કારણે અમે અમારા મંડપમાં પવિત્રતા જળવાઈ રહે તે માટે પુરતો ખ્યાલ રાખીએ છીએ. અહી ગંગા અને તાપીની માટીમાંથી પ્રતિમા બનાવવામાં આવે છે તે સાંભળ્યા બાદ વધુ પવિત્રતા રહે તે માટે અહી પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું છે.