શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 28 જુલાઈ 2014 (17:44 IST)

હર હર મહાદેવઃ એક દાયકા બાદ આ વર્ષે શ્રાવણમાં પાંચ સોમવાર

ભારતીય હિંદુ સંસ્કૃતિમાં સૌથી પવિત્ર અને શિવભક્તિનો અનેરો મહિમા ધરાવતા પવિત્ર શ્રાવણ માસનો રવિવારથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મેઘરાજાની મહેરથી ખુશખુશાલ થયેલા સૌરાષ્ટ્રવાસીઓ શિવભક્તિમાં લીન થવા સજ્જ થઇ ગયા છે. ઠેકઠેકાણે પવિત્ર શિવ મહાલયોમાં શિવભક્તિ માટેની તડામાર તૈયારીઓ આરંભાઇ ચૂકી છે. સામાન્ય રીતે શ્રાવણ માસમાં શિવભક્તિ માટે વિશેષ દિન ગણાતા સોમવાર ચાર જ આવતા હોય છે પરંતુ એક દાયકા બાદ આ વર્ષે શ્રાવણ માસમાં ચારને સ્થાને પાંચ સોમવારનો યોગ આવ્યો છે.

શ્રાવણ માસની જૂનાગઢના પવિત્ર ભવનાથ મહાદેવ ખાતે ધાર્મિક પૂજા-અનુષ્ઠાનના વિશેષ કાર્યક્રમો આયોજિત થયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં ગામેગામ શિવમંદિરોમાં શવિભક્તિ કરી પુણ્યનું ભાથું બાંધવા લોકો ઉત્સાહિત થયા છે.

નોંધનીય છેકે, બે માસ પૂર્વે જ્યારે દુષ્કાળના ડાકલાં વાગવા શરૂ થયા ત્યારે લોકો ચિંતાતૂર બની ગયા હતા અને મેઘરાજાને વિનવતા ઠેર ઠેર હોમ-હવન, પ્રાર્થનાસભા સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરતા થઇ ગયા હતા. કુદરતે લોકોની પ્રાર્થનાઓ સાંભળી હોય એમ વાતાવરણ પલટાયું અને એક પખવાડિયાથી મેઘરાજા સૌરાષ્ટ્ર પર મન મૂકીને વરસ્યા હોય લોકોની ચિંતા દૂર થઇ આ સાથે મેઘમહેરથી ચારેકોર ખુશહાલીનો માહોલ છવાયો હતો.

મેઘરાજાની સારી મહેરથી ખુશહાલ જનતા હવે પવિત્ર શ્રાવણમાં શિવભક્તિ માટે સજ્જ થઇ છે. શાસ્ત્રોક્ત દૃષ્ટિએ પણ શ્રાવણ માસનું માહત્મય છે. શ્રાવણ માસના બીજા અને છેલ્લા દિવસે સોમવાર છે. આ બંને દિવસોએ માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં દેશભરના શિવ મંદિરોમાં ભાવિક ભક્તોની કતારો ખડકાશે. ૨૮ જુલાઇ ઉપરાંત ૪,૧૧,૧૮ અને ૨૫ ઓગસ્ટના રોજ શ્રાવણ માસમાં સોમવાર આવે છે. સોમવારે શિવભક્તિનો વિશિષ્ટ મહિમા હોય છે. ઉપરાંત ૧૮મીના સોમવારના રોજ પતેતી હોવાથી પારસી નૂતન વર્ષનો પણ પ્રારંભ થશે. બિલ્વપત્રથી મહાદેવની પૂજા ઉપરાંત શણગાર તથા રોશની મહાદેવ મંદિરોમાં થશે. અનેક ધર્મસ્થાનોએ મેળાવડા યોજાશે. ૨૫મી ઓગસ્ટે સોમવારે સોમવતી અમાસ સાથે શ્રાવણ માસનું સમાપન થશે.