સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારું ગુજરાત
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 મે 2023 (15:45 IST)

Ahmedabad Crime News - અમદાવાદની બ્રોકર યુવતી યુવક સાથે જમીન જોવા ગઈ હતી, કામાંધ યુવક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો

પોલીસે ચિરાગ નામના જમીન દલાલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
 
અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે ફરીવાર સવાલો ઉભા થયાં છે. અમદાવાદમાં જમીન દલાલીનું કામ કરતી યુવતી પર એક યુવકે બળજબરી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતીની ફરિયાદના આધારે સાંતેજ પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જમીન બતાવવાના નામે રાંચરડા લઈ જઈને અવાવરૂ જગ્યાએ ગાડીમાં દુષ્કર્મ આચરીને યુવકે યુવતીને નીચે ફેંકી દીધી હતી અને ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. 
 
યુવતીને જમીન દલાલ સાથે સંપર્ક થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતી 27 વર્ષિય યુવતી તેના માતા પિતાથી અલગ રહીને જમીન દલાલીનું કામ કરે છે. તે અમદાવાદ આસપાસના વિસ્તારોમાં જમીન દલાલીનું કામ કરે છે. શહેરમાં ચિરાગ નામના એક જમીન દલાલ સાથે તેનો સંપર્ક થયો હતો. બંને જણા ફોન પર વાતચીત કરતાં હતાં અને મળતા પણ હતાં. બે દિવસ પહેલાં આ ચિરાગ તેની ગાડીમાં યુવતીને રાંચરડામાં જમીન બતાવવા લઈ ગયો હતો. જ્યાં તેણે રસ્તામાં યુવતી સાથે કેટલીક માંગણીઓ કરી હતી. યુવતી તાબે નહીં થતાં તેણે ગાડી અવાવરુ જગ્યાએ ઉભી રાખી હતી અને યુવતી સાથે ગાડીમાં દુષ્કર્મ આચર્યું હતું. 
 
ચિરાગ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી
તેણે યુવતીને ગાડીમાંથી નીચે ફેંકી દઈને તે ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ યુવતી જેમતેમ કરીને તેના ઘરે પહોંચી હતી અને સાંતેજ પોલીસ સ્ટેશનમાં ચિરાગ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ચિરાગ નામના શખ્સની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે.