મંગળવાર, 1 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (16:33 IST)

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત મુદ્દે લોકોના ઘરે આવેલા મહેમાનોની નોંધણી શરૂ કરાઈ

અમેરિકી પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ત્રાસવાદી સંગઠનોના ટોચના હિટ લિસ્ટમાં છે. જેને લઈને એસપીજીની ગાઈડલાઈન્સ પ્રમાણે અમદાવાદ શહેર પોલીસે સુરક્ષા સંબંધિત વ્યવસ્થા ગોઠવી છે. જેના ભાગરૂપે મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોની સોસાયટીઓ અને ફ્લેટોમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરાયું છે. મકાનમાલિક કે ભાડુઆતના ઘરે મહેમાન આવ્યા હોય તો તેમની પણ પૂછપરછ શરૂ કરાઈ છે. તેઓ કેમ, ક્યાંથી, કેટલા દિવસ માટે કયા કારણસર અને ક્યારે જવાના છે તે સહિતના સવાલો પોલીસ દ્વારા પૂછાઈ રહ્યા છે. 
જે મકાનમાલિકોએ તેમને ત્યાં રહેતાં ભાડુઆતોની નોંધણી કરાવી નથી તેમને પોલીસ દ્વારા નોટિસ ઈશ્યૂ કરાઈ રહી છે. હોટેલોમાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સ્ટેડિયમના કાર્યક્રમમાં લોકોને લાવવા માટે એસટી નિગમે પણ 2 હજારથી વધુ બસો ફાળવી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને જીસીએના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને સુરક્ષા અને તૈયારીઓ સંદર્ભે બુધવારે રાજ્યના પોલીસ વડા અને ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને મેરેથોન મીટિંગ યોજાઈ હતી. પોલીસ વડા શિવાનંદ ઝાએ સુરક્ષાની સ્થિતિનો રિવ્યૂ કર્યો હતો. જ્યારે ચીફ સેક્રેટરીએ મ્યુનિ. દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગેનું કમિશનર વિજય નેહરાએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન જોયું હતું. બીજી તરફ સ્ટેડિયમની આસપાસના મોટેરા, ચાંદખેડા, સાબરમતી અને રાણીપ વિસ્તારમાં રહેતા લોકોના ઘરે છેલ્લા 15 દિવસમાં આવેલા મહેમાનોની માહિતી પણ એકઠી કરવાનું શરૂ કર્યું છે. જ્યારે ભાડુઆતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.