1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 3 મે 2020 (16:10 IST)

સારે જહાં સે અચ્છા... ધૂન પર એરફોર્સનું બેન્ડ વાદન, અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી.જે મેડીકલ કોલેજ પર કરાઇ પુષ્પવર્ષા

કોરોના સામે લડી રહેલા જમીની યોદ્ધા એવા તબીબો પ્રત્યે એરફોર્સના આસમાની યોદ્ધા દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા અમદાવાદની સિવિલ અને બી. જે. મેડીકલ કોલેજ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બંને જગ્યાએ એરફોર્સ દ્વારા બેન્ડ-વાદન કરી કોરોના વોરીયર્સ પ્રત્યે સંગીતમય આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.  એરફોર્સ બેન્ડ દ્વારા 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા....' ધૂન વગાડાતા વાતવવરણ ઉર્જામય બન્યું હતું. 
એરફોર્સના 3 એસ.યુ.-30 (સુખોઈ ) યુદ્ધ વિમાનોએ અમદાવાદ શહેર પર ફ્લાયપાસ્ટ કર્યું હતું. 
એરો-હેડ ફોર્મેશનમાં સુખોઇ વિમાનોની આ ઉડાન લો-લેવલ એટલે કે ઓછી ઊંચાઇ પરની ઉડાન હતી.    
 
કોરોનાનું સંક્રમણ ખાડવા વિવિધ ક્ષેત્રે અનેક લેકો કોરોના વોરિયર્સ  બનીને આપણું રક્ષણ કરી રહ્યા છે,  ત્યારે ભારતીય વાયુ સેનાએ  આજે તેમના ખાસ લડાકુ વિમાન દ્વારા દેશની હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરી ને કોરોનાવાયરસ ના સેવાને બિરદાવવાની સાથે સાથે તેમનો સેવાનો જુસ્સો બુલંદ કર્યો હતો. અમદાવાદ સ્થિત એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા એસ.વી.પી હોસ્પીટલ ઉપર પણ આજે સવારે  ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવીને  સેવાને બિરદાવી હતી.
 
 
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડ ની કોવિડ હોસ્પિટલમાં તથા એસવીપી હોસ્પીટલ માં કોરોનાવાયરસના અનેક દર્દીઓ નો ઈલાજ કરાઈ રહ્યો છે. આ દર્દીઓની સેવા સુશ્રુષા માટે અનેક તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે. ત્યારે તેમની આ સેવાના સન્માન રૂપે ભારતીય વાયુસેનાની  આ પુષ્પ વર્ષાએ તેમના સેવા જુસ્સાને  બુલંદ બનાવ્યો હતો.
 
કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્માચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે.