બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જૂન 2020 (17:49 IST)

અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો કયા કયા વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ?

શહેરમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. શહેરના પ્રહલાદનગર, એલિસબ્રિજ, જશોદાનગર, બોપલ-ઘૂમા, એસ.જી. રોડ, સાયન્સ સિટી, શ્યામલ, શીવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા અડધા કલાકથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના માનસી સર્કલ, જીવરાજ પાર્ક, વટવા, મણીનગર, ભૂયંગદેવ,પકવાન ચાર રસ્તા, સી.જી. રોડ, પંચવટી, વાડજ, હેલ્મેટ છ રસ્તા, ઘાટલોડિયા સહિત અમદાવાદના 60 ટકા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આશ્રમ રોડ પર ભારે વરસાદને કારણે એક વૃક્ષ પણ ધરાશાયી થયું છે. ભારે વરસાદને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ લોકોને હેડલાઇટ ચાલું કરીને વાહન ચલાવવું પડી રહ્યું છે. અમદાવાદ શહેર ઉપરાંત જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગરમાં પણ વરસાદ શરુ થયો છે.આજે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં આજે સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. તેમજ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં તો પૂર પણ આવ્યા છે. ત્યારે ભાવનગર શહેરમાં આજે 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય વલ્લભીપુરમાં સવા બે ઇંચ, ઉમરાળામાં 2 ઇંચ, ઘોઘામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. રાજકોટની વાત કરીએ તો ગોંડલમાં એક કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બસ સ્ટેન્ડ રોડ તથા અન્ય જગ્યાએ વૃક્ષો ઘારાશાહી થયા છે. હજુ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.