શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2019 (12:26 IST)

અખાત્રીજ વિશેષ : શા માટે સોના-ચાંદીના જ સિક્કા બન્યા?

દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી પણ એવું કયું કારણ હશે કે જેના કારણે પ્રાચીનકાળમાં સોના અને ચાંદીની પસંદગી મુદ્રા તરીકે કરવામાં આવતી હતી?
આ ધાતુ મોંઘી જરૂર છે, પણ ઘણી વસ્તુઓ તો આના કરતાં પણ મોંઘી છે. તો પછી આને જ સમૃદ્ધિ અને ઉત્કૃષ્ટતાના માપદંડ તરીકે શા માટે ગણવામાં આવે છે?
બીબીસી આ સવાલોનો જવાબ મેળવવા માટે યુનિવર્સિટી કૉલેજ લંડનના આંદ્રિયા સેલા પાસે પહોંચ્યું. આંદ્રિયા ઇન ઑર્ગેનિક કૅમિસ્ટ્રીના પ્રોફેસર છે.
એમના હાથમાં એક પીરિયૉડિક ટેબલ (આવર્ત કોષ્ટક) હતું. આંદ્રિયા સૌથી છેલ્લેથી શરૂઆત કરે છે.
 
જમણા હાથ તરફ જે રાસાયણિક તત્ત્વો હતાં તે રાસાયણિક રીતે સ્થિર તત્ત્વો છે, જેમાં ફેરફાર થતો નથી તે જ તેની ખાસિયત છે.
એક મુશ્કેલી એ છે કે આ નોબલ ગૅસનો સમૂહ છે. આ ગૅસ રંગહીન અને ગંધહીન હોય છે, જેમની રાસાયણિક પ્રતિક્રિયાની ક્ષમતા ઓછી હોય છે.
આ જ કારણ છે કે આનો મુદ્રા તરીકે ઉપયાગ કરવો સરળ નથી, કારણ કે તેને લઈને ફરવું પડકારજનક છે.
વળી આ રંગહીન હોવાને કારણે એની ઓળખ પણ મુશ્કેલ છે અને જો ભૂલથી પણ એનું કન્ટેનર ખૂલી જાય તો તમારી કમાણી હવામાં ઊડી જશે.
 
આ શ્રેણીમાં મર્ક્યુરી અને બ્રોમીન હોય છે પણ તે તરલ સ્થિતિમાં હોય છે, વળી તે ઝેરી પણ છે.
વાસ્તવમાં તમામ મેટેલૉઇડ્સ કાં તો ખૂબ મુલાયમ હોય છે અથવા તો ઝેરી.
આવર્ત કોષ્ટક ગૅસ, લિક્વિડ અને ઝેરી રાસાયણિક તત્ત્વો વગર કાંઈક આવું દેખાશે. (નીચે જુઓ.)
ઉપરના ટેબલમાંથી તમામ નૉન-મેટલ તત્ત્વો ગાયબ છે કે જે ગૅસ અને લિક્વિડ તત્ત્વોની આસપાસ હતાં.
આવું એટલા માટે કે આ નૉન-મેટલનું ન તો વિસ્તરણ કરી શકાય છે ન તો એને સિક્કાનું રૂપ આપી શકાય છે.
બીજી ધાતુની સરખામણી તે મુલાયમ પણ નથી એટલે મુદ્રા બનવાની હરીફાઈમાં તેઓ પાછળ રહી ગયા.
 
ગૅસ, લિક્વિડ અને ઝેરી રાસાયણિક તત્ત્વો વગરનું આવર્તકોષ્ટક
સેલાએ હવે અમારું ધ્યાન પીરિયૉડિક ટેબલની ડાબી બાજુએ દોર્યું. આ બધાં જ રાસાયણિક તત્ત્વો ઑરૅન્જ કલરમાં દર્શાવેલાં હતાં.
આ બધી ધાતુ છે. આને મુદ્રા તરીકે વાપરી તો શકાય પણ એની રાસાયણિક પ્રતિક્રિયા ક્ષમતા ખૂબ વધારે હોય છે.
લિથિયમ જેવી ધાતુ એટલી બધી પ્રતિક્રિયાશીલ હોય છે કે જેવી તે હવાના સંપર્કમાં આવે છે કે તરત જ સળગી ઊઠે છે અને બીજી ધાતુ પણ સરળતાથી નષ્ટ થઈ શકે છે.
માટે જ આ એવી શ્રેણીમાં આવે છે કે જેને તમે ખિસ્સામાં લઈ ફરી ના શકો.
આની આજુબાજુનાં તત્ત્વો પણ પ્રતિક્રિયાશીલ હોવાને કારણે એની મુદ્રા (ચલણમાં લાવવી) બનાવવી મુશ્કેલ છે.
વળી આલ્કલાઇન એટલે કે ક્ષારક તત્ત્વો ક્યાંય પણ સરળતાથી મળી શકે છે.
જો આની મુદ્રા બનાવવામાં આવે તો કોઈ પણ આને સરળતાથી બનાવી શકશે.
હવે વાત કરીએ પીરિયૉડિક્સ ટેબલના રેડિયો ઍક્ટિવ તત્ત્વોની તો એને રાખવાથી નુકસાન થઈ શકે છે.
 
તો આ રીતે સોના અને ચાંદીનો વિજય થયો
ઉપરની તસવીરમાં બચેલાં રાસાયણિક તત્ત્વોની વાત કરીએ તો એ રાખવાની દૃષ્ટિએ સુરક્ષિત તો છે, પણ એ એટલી મોટી માત્રામાં ઉપલબ્ધ છે કે એને બનાવવાનું સરળ બની જાય, જેમ કે લોખંડના સિક્કા.
મુદ્રા તરીકે એ રાસાયણિક તત્ત્વોનો ઉપયોગ કરવો જોઈએ કે જે સરળતાથી મળતા ના હોય.
હવે છેલ્લે પાંચ તત્ત્વો બચ્યાં કે જે ખૂબ મુશ્કેલીથી પ્રાપ્ત છે. સોનું (Au), ચાંદી (Ag), પ્લૅટિનમ (Pt), રોડિયમ (Rh) અને પ્લૅડિયમ (Pd).
આ તમામ તત્ત્વો કિંમતી હોય છે. આ બધામાં રોડિયમ અને પ્લૅડિયમને મુદ્રા તરીકે વાપરી શકાય તેમ હતાં, પણ એની શોધ ઓગણીસમી સદીમાં કરવામાં આવી હતી.
જેને કારણે પ્રાચીનકાળમાં એમનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.
ત્યારે પ્લૅટિનમનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ એને ઓગાળવામાં તાપમાન 1768 ડિગ્રી સુધી લઈ જવું પડતું હતું.
આ જ કારણે મુદ્રાની લડતમાં સોનું અને ચાંદી ફાવી ગયાં.
 
 
સોનું ચાંદી કરતાં કેવી રીતે આગળ નીકળી ગયું?
ચાંદીનો ઉપયોગ સિક્કા તરીકે થયો તો મુશ્કેલી એ હતી કે હવામાં હાજર સલ્ફર સાથે પ્રક્રિયા કરી તે કેટલાક અંશે કાળી પડી જતી હતી.
ચાંદીની સરખામણીમાં સોનું સરળતાથી નથી મળતું અને જલદી કાળું પણ પડતું નથી.
સોનું એવું તત્ત્વ છે કે ભેજવાળી હવામાં પણ લીલું પડતું નથી.
સેલાનું કહેવું છે કે આ જ કારણ છે કે મુદ્રાની હરીફાઈમાં સોનું સૌથી આગળ અને પ્રથમ રહ્યું.
તે જણાવે છે આ જ કારણે હજારો વર્ષોથી વપરાશ અને ઘણી સંસ્કૃતિઓએ સોનાની મુદ્રા તરીકે પસંદગી કરી.