સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ઍન્ડ્રિયા સાવોરાની નેરી|
Last Modified: ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (12:28 IST)

ઇટાલીના એક ગામમાં 80 રૂપિયામાં મળે છે મકાન

ઇટાલીમાં જઈને રહેવાનું લોકોનું સપનું સાકાર થઈ શકે છે. હવે ઇટાલીના એક ટાપુ સિસિલીની એક નગરપરિષદ વિદેશીઓને ત્યાં વસવામાં મદદ કરી રહી છે.

અને આ મદદ સાવ મામૂલી કિંમતે કરવામાં આવી રહી છે. આ ખાસ ગામમાં વસવાની કિંમત એક યૂરો એટલે કે ફક્ત 80 રૂપિયા છે.

સિલિલીના ગ્રામીણ વિસ્તારના એક ગામ સંબૂકાના અધિકારીઓએ સતત ઘટી રહેલી વસતીની સમસ્યાને ઉકેલવા માટે આ જ વર્ષે એક ખાસ યોજનાની ઘોષણા કરી હતી.

એમણે નક્કી કર્યું કે ગામમાં ખાલી પડેલાં ખંડેર મકાનોને એક યૂરો એટલે કે ફ્કત 80 રૂપિયામાં વેચી દેવામાં આવે.

યુરોપનાં અનેક ગામોની જેમ સંબૂકામાં પણ સમય વીતતા વસતી ઘટતી ગઈ અને હાલ ગામની વસતી માત્ર 5,800 લોકોની છે.

અહીંના ગામલોકો નજીકનાં શહેરોમાં કે વિદેશમાં સ્થાયી થઈ ગયા છે.

આને લીધે સંબૂકા નગરપરિષદે જૂનાં ખાલી પડેલાં મકાનોને ખરીદીને દુનિયાભરના લોકોને આકર્ષક કિંમતે વેચવાનો નિર્ણય કર્યો છે.

આમ કરવાનો હેતુ લોકોને અહીં વસવાટ માટે પ્રેરિત કરવાનો છે.
 

અનેક લોકોનું સુંદર ઘરનું સપનું સાકાર થયું


આ યોજનાને લીધે અન્ય વિસ્તાર અને સમુદાયના લોકોને અહીં આવીને વસી જવાનો અને પોતાનાં સપનાંનું ઘર વસાવવાનો અવસર મળ્યો.

સંબૂકાના મેયર લિયોનાર્ડો સિકાસિયો કહે છે કે પહેલાં નગરપરિષદે કાનૂની કાર્યવાહી પૂરી કરીને આ મકાનો ખરીદી લીધાં પછી એમાંથી 16 મકાનોની હરાજી કરાઈ. આ તમામ મકાનો વિદેશીઓએ ખરીદ્યાં છે.

આ યોજના સફળ થઈ અને દુનિયાભરમાંથી અનેક કલાકારોએ રસ દાખવ્યો અને સંબૂકામાં આવીને વસવા લાગ્યા.
 

સંબૂકાના ઉપમેયર અને આર્કિટૅક્ટ જ્યૂસેપ કૈસિયોપો કહે છે કે જે લોકોએ આ મકાનો ખરીદ્યાં છે તેમાં કેટલાક સંગીતકાર અને નૃત્યકાર છે. પત્રકાર અને લેખક પણ છે અને તેઓ સારી રસરુચિ ધરાવે છે. તેઓ અહીંના કુદરતી સૌંદર્યને પણ વખાણે છે.

સંબૂકાના નિવાસી મારિસા મોંટલબાનો કહે છે કે વિશ્વભરમાંથી લોકોએ અમારા ગામ અને અમારી સંસ્કૃતિમાં રુચિ દાખવી છે. અત્યાર સુધી 60 મકાનો વેચાઈ ગયાં છે.

અહીં મકાન ખરીદવાની બસ એક જ શરત છે, જે નવું મકાન ખરીદે તેમણે મકાનનું સમારકામ કરાવવામાં રોકાણ કરવું પડે છે.

મકાનનું સમારકામ કરાવવામાં ઘણો ખર્ચો થઈ શકે છે અને તે માટે મકાન ખરીરદારને ત્રણ વર્ષનો સમય આપવામાં આવે છે.
 

એક યૂરોમાં મકાનની આ યોજનાથી સંબૂકા રાતોરાત દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું છે.

યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 40 મકાનો બજારની સામાન્ય કિંમત પર વેચાઈ ચૂક્યાં છે.

સંબૂકામાં મકાન ખરીદનારા વિદેશીઓ જ નથી, બિનનિવાસી ઇટાલિયનો પણ છે.

આવા જ એક બિનનિવાસી ઇટાલિયન ગ્લોરિયા ઓરિજી છે. તેઓ અગાઉ ઇટાલીના મિલાન શહેરમાં રહેતાં હતાં, પરંતુ પછી પેરિસ જતાં રહ્યાં.

સંબૂકામાં મકાન ખરીદવા અંગે તેઓ કહે છે, "હું ઘણાં વર્ષો ફ્રાન્સમાં રહી, પરંતુ મારી ઇચ્છા હતી કે ઇટાલીમાં મારું એક ઘર હોય."

"સંબૂકાની સુંદરતા મને ખૂબ ગમી. અહીંના લોકોમાં જે આત્મીયતા છે તે બીજે ખૂબ ઓછી જોવા મળે છે અને એટલે જ મેં અહીં મકાન લેવાનો નિર્ણય કર્યો."

મારિસા મોંટલબાનો પણ સંબૂકાનાં નવાં રહેવાસી છે.

તેઓ કહે છે, "હું બાળપણમાં મારાં માતાપિતા સાથે અમેરિકા જતી રહી હતી. હું 11 વર્ષ શિકાગોમાં રહી."

"એ પછી સંબૂકા આવી તો શરૂઆતમાં થોડી તકલીફ પડી, પરંતુ પછી મને સમજાયું કે અહીંની સુંદરતા અને જીવનશૈલી ખરેખર સારી છે."

સંબૂકાના લિયોનાર્ડો સિકાસિયો એ વાતથી ઘણા ખુશ છે કે ખાલી પડેલાં મકાનોમાં હવે ફરીથી જીવન શરૂ થયું છે. તેઓ કહે છે કે આ યોજના ઘણી સફળ રહી છે.

સંબૂકાની આ યોજનાની સફળતાથી ઈટાલીનાં અન્ય ગામો પણ પ્રેરિત થયાં છે જેમની વસતી ઘટતી રહી છે. તેઓ પણ આ પ્રકારની યોજના શરૂ કરવાનું વિચારી રહ્યા છે.

આ યોજનાની સફળતાનો આધાર એ બાબત પર રહે છે કે શું વિદેશીઓને સાથેસાથે ઈટાલીના લોકો પણ તેનાથી આકર્ષિત થઈને અહીં રહેવાનું મન બનાવશે.