શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (18:09 IST)

ગુજરાત કરતાં ઓડિશામાં વધુ વાવાઝોડાં કેમ આવે છે?

ટીમ બીબીસી ગુજરાતી
નવી દિલ્હી
 
ઓડિશામાં હાલ છેલ્લાં 20 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું 'ફોની' ત્રાટક્યું છે. જે ઓડિશાની સાથેસાથે આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને પણ અસર કરશે.
આશરે 10 લાખથી પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને નૅવી તથા કૉસ્ટગાર્ડને ઍલર્ટ પર રાખવામાં આવ્યાં છે.
એનડીઆરએફ અને ઓડીઆરએએફની ટીમોને પણ રાહત કાર્ય માટે તહેનાત કરી દેવામાં આવી છે.
 
આ વાવાઝોડાનું સાચું નામ શું છે?
બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા આ વાવાઝોડાના સાચા નામ બાબતે કેટલીક અસંમજસ ઊભી થઈ છે.
કેટલાંક સમાચાર માધ્યમોએ 'ફેની' લખ્યું છે, કેટલાકે 'ફાની,' તો કેટલાક માધ્યમોએ 'ફની' લખ્યું છે. જ્યારે આ વાવાઝોડાનું સાચું નામ 'ફોની' છે.
અંગ્રેજીમાં લખાતા સ્પેલિંગને કારણે ગોટાળા થયા છે. અંગ્રેજીમાં સ્પેલિંગ 'Fani' છે.
જોકે, તેનો ઉચ્ચાર ફેની, ફાની કે ફની નહીં પરંતુ 'ફોની' થાય છે. તેનો અર્થ સાપ કે સાપનું માથું એવો થાય છે.
 
કઈ રીતે આ વાવાઝોડાને ફોની નામ મળ્યું?
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા અને ઓડિશામાં આવેલા આ વાવાઝોડાને 'ફોની' નામ આપવામાં આવ્યું છે.
2014માં આવેલા વાવાઝોડાને 'હુદુદ', 2017માં આવેલા વાવાઝોડાને 'ઓખી' અને 2018માં આવેલાં બે વાવાઝોડાંને 'તિતલી' અને 'ગાજા' નામ આપવામાં આવ્યાં હતાં.
દરેક ટ્રૉપિકલ સાયક્લોન જ્યાંથી ઉદ્ભવે છે, તે વિશ્વની તમામ જગ્યાઓ માટે વાવાઝોડાંનાં વારાફરતી નામ બદલાતાં રહે તેની એક યાદી તૈયાર કરાઈ હોય છે.
આ રીતે બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી પેદા થતાં વાવાઝોડાંનાં નામ માટે 2004માં આઠ દેશોનું એક ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપને WMO/ESCAP નામથી ઓળખવામાં આવે છે.
દરેક દેશ 8 નામ આપે છે એટલે કુલ 64 નામ થાય છે. જેમને એક 8×8 કૉલમના ટેબલમાં ગોઠવવામાં આવે છે.
જે બાદ આ ટેબલ અનુસાર વારાફરતી નામ પાડવામાં આવે છે.
આ વાવાઝોડાનું નામ 'ફોની' બાંગ્લાદેશે સૂચવ્યું હતું અને હવે પછીના વાવાઝોડાનું નામ 'વાયુ' હશે જે ભારતે સૂચવ્યું હતું.
 
ઓડિશા કુદરતી હોનારતોની રાજધાની કેમ?
વાવાઝોડું 'ફોની' છેલ્લા ત્રણ દાયકામાં ચોથું એવું તોફાન છે જે દેશના પૂર્વના દરિયાકિનારે ટકરાયું છે.
વર્ષ 2013માં 'ફેલિન' નામના વાવાઝોડાએ ઓડિશામાં તારાજી સર્જી હતી અને તે 1999 બાદ આવેલું સૌથી ભયાનક તોફાન હતું.
વર્ષ 2017માં ઓખી વાવાઝોડામાં 200 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજારો લોકો બેઘર બન્યા હતા.
ઑક્ટોબર 2018માં તિતલી નામના વાવાઝોડાના કારણે ઓડિશામાં હજારો લોકોએ સ્થળાંતર કરવુ પડ્યું હતું.
ઓડિશાને કુદરતી હોનારતોની રાજધાની કહેવામાં આવે છે. વર્ષો સુધી રાજ્ય કુદરતી આપત્તિઓનો સામનો કરતું આવ્યું છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમી ગ્રોથનાં સુદામીની દાસ પોતાના રિસર્ચ પેપર ઇકૉનૉમિક્સ ઑફ નેચરલ ડિઝાસ્ટરમાં લખે છે, "1900થી 2011 વચ્ચે ઓડિશામાં 59 વર્ષ પૂર આવ્યાં, 24 વર્ષ ભયંકર વાવાઝોડાં આવ્યાં, 42 વર્ષ દુષ્કાળ પડ્યો, 14 વર્ષ રાજ્યે ભયંકર હિટવેવનો સામનો કર્યો અને 7 વર્ષ ટૉર્નેડોનો સામનો કર્યો."
ઉપરોક્ત આંકડાઓને ધ્યાને લેતા રાજ્યને સરેરાશ 1.3 વર્ષે એક કુદરતી આપત્તિનો સામનો કરવો પડ્યો છે.
તેમના આ રિસર્સ પેપરમાં દાસ જણાવે છે કે આ ગાળામાં 1965થી લગભગ દર વર્ષે રાજ્યે એકથી વધારે મોટી દુર્ઘટનાઓનો સામનો કર્યો છે.
'ડાઉન ટુ અર્થ'ના અહેવાલ પ્રમાણે છેલ્લી સદીમાં ભારતીય ઉપમહાદ્વીપમાં 1,035 જેટલાં વાવાઝોડાં આવ્યાં છે. જેમાં અડધાથી વધારે પૂર્વ તટ તરફ ટકરાયાં છે.
જેમાંથી 263 નાનાં-મોટાં વાવાઝોડાં ઓડિશાના દરિયાકિનારે ટકરાયાં છે.
 
સાયક્લોન, હરિકેન અને ટાયફૂનમાં શું ફરક છે?
ઓડિશામાં આવેલા વાવાઝોડાને 'ફોની' નામ અપાયું છે. આ પહેલાં અમેરિકામાં 'ફ્લૉરેન્સ' હરિકૅને તબાહી મચાવી હતી, જ્યારે ફિલિપિન્સમાં આવેલા વાવાઝોડાને 'ટાયફૂન મંગખૂટ' નામ અપાયું હતું.
વાવાઝોડાની આગળ સાયક્લોન, હરિકૅન અને ટાયફૂન કેવી રીતે લગાવવામાં આવે છે?
આ તમામ વાવાઝોડાં ઉષ્ણકટિબંધીય તોફાનો છે. જોકે, તેમને વિસ્તારની દૃષ્ટિએ અલગ-અલગ કૅટેગરીમાં મૂકવામાં આવે છે.
ઉત્તર ઍટલાન્ટિક સમુદ્ર અને ઉત્તર-પૂર્વ પ્રશાંત મહાસાગરનાં તોફાનોને હરિકૅન કહેવાય છે.
પશ્ચિમ મહાસાગરમાં પેદા થતાં તોફાનોને ટાયફૂન કહેવામાં આવે છે.
દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં ઊઠતાં તોફાનોને સાયક્લોન એટલે કે ચક્રવાત કહેવામાં આવે છે.
 
બંગાળની ખાડીમાં આવતાં તોફાનો વધારે ખતરનાક કેમ હોય છે?
ભારતમાં અરબ સાગરમાંથી ઉત્પન્ન થતાં તોફાનો કરતાં બંગાળની ખાડીમાંથી ઉત્તપન્ન થતાં તોફાનો વધારે તીવ્ર હોય છે.
તોફાનોની તીવ્રતાનો જવાબ બંને સમુદ્રોના તાપમાનમાં રહેલો છે. ભારતનો મોટા ભાગનો દરિયાકિનારો ઉષ્ણકટિબંધમાં આવેલો છે.
ઉષ્ણકટિબંધમાંથી સર્જાતાં વાવાઝોડાંને 25થી 27 ડિગ્રી સેલ્સિયસ જેટલાં તાપમાનની જરૂર પડે છે.
બંગાળની ખાડી કરતાં અરબ સાગર આ તાપમાનની દૃષ્ટિએ ઠંડો છે.
જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ કરતાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં વધારે વાવાઝોડાં આવે છે.
ઉપરાંત પેસિફિક મહાસાગરમાંથી ઉત્પન્ન થતાં તોફાનો પણ આંદામાન નજીકથી બંગાળની ખાડીમાં પ્રવેશે છે. જ્યારે અરબ સાગરમાં વાવાઝોડાં ત્યાંથી જ ઉત્પન્ન થાય છે.
બંગાળની ખાડી પાસે આવેલાં રાજ્યો એટલે કે પૂર્વ તટ પર જમીન એટલી ઊંચી નથી કે તે વાવાઝોડાંને નબળું પાડી શકે.
જ્યારે અરબ સાગર તરફ આવેલો વેસ્ટર્ન ઘાટ તોફાનોને દરિયાકિનારેથી વધારે અંદર જતા રોકે છે.