શ્રીલંકામાં પોલીસ સામે ગોળીબાર, એક રૂમમાંથી 15 મૃતદેહો મળ્યા

Last Modified રવિવાર, 28 એપ્રિલ 2019 (10:41 IST)
શ્રીલંકામાં શોધખોળ વખતે થયેલા વિસ્ફોટ બાદ છ બાળકો સહિત 15 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. પોલીસનું કહેવું છે કે તેમને આ મૃતદેહો શંકાસ્પદ ઇસ્લામિક ઉગ્રવાદીઓનાં રહેઠાણોની તપાસ દરમિયાન મળી આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે મૃતકોમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓના પરિવારની ત્રણ મહિલાઓ પણ છે. અહીં રહેતા લોકોએ કહ્યું કે પ્રથમ તેમણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો ત્યારબાદ ગોળીઓનો અવાજ આવ્યો.
આ વિસ્ફોટ બાટિકાલોઆ નજીક અંપારા સૈનથમારુથુ સ્થિત એક ઘરમાં થયો હતો. પોલીસ પ્રવક્તા પ્રમાણે મૃતકોમાંથી છ આત્મઘાતી હુમલાખોરો હોવાનું મનાય છે. આ વિસ્તારની તલાશી લેવામાં આવી રહી છે.
શ્રીલંકામાં ગત રવિવારે થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં 253 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
બીજી તરફ હુમલાની આશંકાએ કૅથોલિક ચર્ચમાં રવિવારની પ્રાર્થનાસભા રદ કરી દેવામાં આવી છે.
કોલંબોના આર્કબિશપ મૅલ્કમ રંજિતે જણાવ્યું કે તેમણે સુરક્ષા સંબંધિત એક લીક દસ્તાવેજ જોયો છે જેમાં હુમલાની ચેતવણી આપવામાં આવી હતી.
આર્કબિશપે એવું પણ જણાવ્યું કે વિસ્ફોટની ચેતવણી હોવા છતાં સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન થતાં પોતાની સાથે 'ઠગાઈ' થઈ હોય તેવું અનુભવે છે.
બીજી તરફ શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું છે કે તેમને વિસ્ફોટની ચેતવણી અંગેની ગુપ્ત જાણકારી મળી નહોતી.
શ્રીલંકા પ્રશાસને વિસ્ફોટ માટે ઉગ્રવાદી સંગઠન તૌહીદ જમાતને જવાબદાર ઠેરવ્યું છે. બીજી તરફ ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
શ્રીલંકા પોલીસ અનુસાર દેશની પૂર્વે એક સશસ્ત્ર સમૂહ સાથે સંઘર્ષ દરમિયાન બન્ને તરફથી ગોળીબાર થયો હતો.
શ્રીલંકા સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે બાટિકાલોઆ નજીક અંપારા સૈનથમારુથુમાં પોલીસ તપાસ દરમિયાન એક વિસ્ફોટ થયો હતો.
બીબીસી સંવાદદાતા આઝમ અમીને પોલીસના હવાલાથી જણાવ્યું હતું, "જે ઘરમાં વિસ્ફોટ થયો ત્યાંથી 15 મૃતદેહો મળી આવ્યા છે જેમાંથી છ બાળકો છે."

આ પણ વાંચો :