ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (12:51 IST)

આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?

રેનેટા મૌરા
બીબીસી ન્યૂઝ બ્રાઝીલ, લંડન
27 વર્ષીય લૌરા ટેક્સીરિયા દર મહિને માસિક ધર્મ દરમિયાન નીકળતા લોહીને એકત્રિત કરીને પોતાના ચહેરા પર લગાવે છે.
ત્યારબાદ બચેલા લોહીને પાણીમાં ભેળવીને છોડમાં નાખી દે છે.
'સીડિંગ ધ મૂન' નામની આ પ્રથા ઘણી જૂની માન્યતાઓથી પ્રેરિત છે, જેમાં પિરિયડ્સના લોહીને ઉર્વરતાના પ્રતીક રૂપે જોવામાં આવતું હતું.
આ પ્રથાને માનતી મહિલાઓ પોતાના પિરિયડને અલગ અંદાજમાં જ જીવે છે.
લૌરા બીબીસીને જણાવે છે, "જ્યારે હું છોડને પાણી આપું છું તો હું એક મંત્રનો જાપ કરું છું, જેનો મતલબ થાય છે- મને માફ કરશો, હું તમને પ્રેમ કરું છું અને તમારી આભારી છું."
લૌરા કહે છે, "જ્યારે હું મારા લોહીને મારા ચહેરા અને શરીર પર લગાવું છું ત્યારે હું માત્ર આંખો બંધ કરું છું અને મને ધન્યવાદ આપું છે. મારી અંદર શક્તિનો સંચાર થઈ રહ્યો હોય તેવું અનુભવાય છે.
 
શક્તિ આપતી પ્રથા
લૌરા માટે આ પ્રથા મહિલાઓને સશક્ત બનાવવા સાથે પણ જોડાયેલી છે.
તેઓ કહે છે, "સમાજમાં સૌથી મોટો ભેદભાવ માસિક ધર્મ સાથે જોડાયેલો છે. સમાજ તેને ખરાબ માને છે."
"સૌથી વધારે શરમનો વિષય પણ આ જ છે કેમ કે મહિલાઓ પોતાના પિરિયડ દરમિયાન વધારે શરમ અનુભવે છે."
વર્ષ 2018માં 'વર્લ્ડ સીડ યૉર મૂન ડે' ઇવેન્ટને શરૂ કરનારાં બૉડી- સાઇકૉથેરાપિસ્ટ અને લેખક મોરેના કાર્ડોસો કહે છે, "મહિલાઓ માટે સીડિંગ ધ મૂન એક ખૂબ જ સરળ અને તેમનાં મનને શક્તિ આપતી રીત છે."
ગત વર્ષે આ ઇવેન્ટમાં બે હજાર મહિલાઓએ પોતાના પિરિયડ દરમિયાન નીકળેલું લોહી વૃક્ષોને આપ્યું હતું.
 
મહિલાઓનું આધ્યાત્મિક કામ
મોરેના કહે છે, "આ કાર્યક્રમના આયોજનનો ઉદ્દેશ એ હતો કે લોકો એ સમજી શકે કે માસિક ધર્મ દરમિયાન નીકળતું લોહી શરમનો વિષય નથી, પરંતુ તે સન્માન અને શક્તિનું પ્રતીક છે."
મોરેનાના જણાવ્યા અનુસાર, ઉત્તર અમેરિકા (મેક્સિકો સહિત) અને પેરુમાં જમીન પર માસિક ધર્મ દરમિયાન નીકળતા લોહીને જમીન પર ફેલાવવામાં આવ્યું જેથી જમીનને ફળદ્રુપ બનાવી શકાય.
બ્રાઝીલની યૂનીકેંપ યુનિવર્સિટીમાં 20 વર્ષથી આ મુદ્દા પર અભ્યાસ કરી રહેલા માનવવિજ્ઞાની ડાનિયેલા ટોનેલી મનિકા જણાવે છે કે બીજા સમાજોમાં પિરિયડ દરમિયાન નીકળતા લોહી મામલે નકારાત્મક વલણ છે.
તેઓ જણાવે છે, "માસિક ધર્મમાં લોહીનું વહેવું નકામું ગણાવવામાં આવે છે અને તેને મળ તેમજ મૂત્રની શ્રેણીમાં રાખવામાં આવે છે જેને લોકોની નજરથી દૂર બાથરૂમમાં વહાવવાનું હોય છે."
1960માં મહિલાવાદી આંદોલનોએ આ વિચારને બદલવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાઓને તેમનાં શરીર વિશે ખુલ્લા મને વાત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
ત્યારબાદ ઘણા કલાકારોએ માસિક દરમિયાન નીકળેલા લોહીના પ્રતીકનો ઉપયોગ પોતાનાં રાજકીય, પર્યાવરણીય, સેક્સ્યુઅલ અને લૈંગિક વિચારોને સામે રાખવા માટે કર્યો.
ઇન્ટરનેટ પર આ પ્રથા અંગે જાણકારી મેળવનારાં રેનેટા રિબેરિયો કહે છે, "સીડિંગ માઈ મૂન પ્રથાએ મને પૃથ્વીને એક મોટા ગર્ભાશયના રૂપમાં જોવા માટે મદદ કરી. આ વિશાળ યોનિમાં પણ અંકુરણ થાય છે, જે રીતે આપણા ગર્ભાશયમાં થાય છે."
 
આજે પણ ઘણી જગ્યાએ ટેબૂ
દુનિયામાં 14થી 24 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી 1,500 મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેક્ષણોમાં સામે આવ્યું છે કે ઘણા સમાજોમાં આજે પણ આ વિષય પર વાત થતી નથી.
જોન્સન એન્ડ જોન્સને બ્રાઝીલ, ભારત, દક્ષિણ આફ્રિકા, અર્જેન્ટિના, ફિલિપાઇન્સમાં આ અંગે અભ્યાસ કર્યો.
આ અભ્યાસમાં સામે આવ્યું કે મહિલાઓ સેનિટરી નૅપ્કિન ખરીદવામાં શરમનો અનુભવ કરે છે.
એ સાથે જ પિરિયડ દરમિયાન મહિલાઓ પોતાની બેઠક પરથી ઊભી થવામાં પણ શરમ અનુભવે છે.
ફેડરલ યુનિવર્સિટી ઑફ બહિયા સાથે જોડાયેલાં 71 વર્ષીય સમાજ માનવ વિજ્ઞાની સેસિલા સાર્ડેનબર્ગ જણાવે છે કે પહેલી વખત તેમના પિરિયડ ત્યારે થયા હતા જ્યારે લોકો માંડ માંડ આ અંગે વાત કરતા હતા.
તેઓ કહે છે કે આ વિષય સાથે જોડાયેલી શરમને દૂર કરવા માટે જરૂરી છે કે મહિલાઓ આ અંગે વાત કરે.
જોકે, આજકાલની મહિલાઓ માસિક ધર્મ અંગે શરમ અનુભવતી હોય એવું દેખાતું નથી.
 
શું થયા વિવાદ?
લૌરા જણાવે છે કે આ પ્રથા માટે બધા તૈયાર છે એવું નથી.
પોતાનાં અનુભવ વર્ણવતા તેઓ કહે છે, "ઇન્સ્ટાગ્રામ પર માત્ર 300 લોકો મને ફૉલો કરતા હતા. મેં આ પ્રથાનું અનુસરણ કર્યા બાદ એક તસવીર પોસ્ટ કરી."
ચાર દિવસ બાદ ઇન્સ્ટાગ્રામ પર તેમની મજાક ઉડાવવામાં આવી.
બ્રાઝીલમાં એક વિવાદીત કૉમેડિયન ડેનિલો જેન્ટિલિએ આ તસવીરને પોતાના 16 મિલિયન ફૉલોઅર્સ સાથે શૅર કરી હતી.
તેમણે લખ્યું, "પિરિયડ દરમિયાન નીકળતું લોહી સામાન્ય છે પરંતુ તેને ચહેરા પર લગાવવું અસામાન્ય છે."
 
આ પોસ્ટ પર 2,300 કરતાં વધારે કૉમેન્ટ આવી હતી જેમાંથી મોટા ભાગની કૉમેન્ટ નકારાત્મક હતી.
લૌરા કહે છે કે આ કિસ્સો દર્શાવે છે કે આ વિષય આજે પણ કેટલો વર્જિત છે.
તેઓ કહે છે, "આ મારા શરીરમાંથી નીકળેલો તરળ પદાર્થ છે અને એ હું નક્કી કરીશ કે કઈ વસ્તુ અસામાન્ય છે અને કઈ વસ્તુ નથી. હું બીજી કોઈ વ્યક્તિનાં જીવનમાં હસ્તક્ષેપ કરી રહી નથી."
"લોકોને ખરાબ ગાળો આપવી અસામાન્ય હોવી જોઈએ. હું આ બધું એ દિવસે કરવાનું બંધ કરીશ જ્યારે લોકો પિરિયડના લોહીને પ્રાકૃતિક વસ્તુની જેમ જોવાનું શરૂ કરશે."