શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ઑગસ્ટ 2019 (11:04 IST)

કાશ્મીરમાં ઈદ : 'જ્યારે કોઈને ઈદ મુબારક જ કહી શકાય એમ નથી તો ઈદ શેની?'

દિલનવાઝ પાશા
બીબીસી સંવાદદાતા, શ્રીનગરથી પરત ફરીને
 
સફેદ વાદળોમાંથી પસાર થઈને વિમાન નીચે ઊતરે છે,બારીમાંથી નજર પહોંચે ત્યાં સુધી ફક્ત હરિયાળી દેખાય છે. વૃક્ષોથી આચ્છાદિત પહાડી ઘરો, ખેતરોની લીલોતરી, ખાલી સડકો દેખાય છે. આકાશમાંથી બધુ શાંત લાગે છે, એકદમ શાંત લાગે છે. ''
પરંતુ જો વિમાનની અંદર જોઈએ તો બેચેન ચહેરા દેખાય છે, જેમને જમીન પર હાલત શું છે એની ખબર નથી.
દિલ્હીથી ઊડેલું વિમાન હવે શ્રીનગરની જમીનને સ્પર્શવાનું છે. સ્વજનોને મળવા માટે બેચેન લોકો માટે આ સવા કલાકનો સફર પણ લાંબો થઈ ગયો છે.
''મારી હૅન્ડબૅગમાં દાળ છે, ખાવાની વસ્તુઓ છે, દવાઓ છે. કોઈ ગિફ્ટ નથી. હું મારી સાથે ફક્ત ખાવા-પીવાનો સામાન લઈને જઈ રહ્યો છું.''
''હું મારી પત્ની, બાળકો, માતા-પિતા, કાકા કે કાશ્મીર ઘાટીમાં કોઈની સાથે વાત નથી કરી શક્યો.''
''સાચું કહું હું ઈદ મનાવવા નથી જઈ રહ્યો. હું તો એ જોવા જઈ રહ્યો છું કે મારા પરિવારજનો ઠીક છે કે નહીં.''
''હું એટલા માટે પણ જઈ રહ્યો છું કે એમને કહી શકું કે હું ઠીક છું કેમ કે અહીં તમામ કૉમ્યુનિકેશન ઠપ થઈ ચૂક્યું છે.''
''એવું લાગે છે કે અમે આજની દુનિયામાં નહીં પણ કોઈ અંધકારયુગમાં છીએ.''
''મનમાં સતત એ ફિકર રહે છે કે ત્યાં બધું ઠીક છે કે નહીં. આને કારણે સારી રીતે કામ નથી કરી શકાતું.''
''મગજમાં બહુ ટૅન્શન છે. જ્યારે ટૅન્શન હોય ત્યારે મગજમાં ખૂબ ખરાબ વિચારો આવે છે.''
''શક્ય છે કે બધું ઠીક હોય પરંતુ અમને કંઈ ખબર નથી કે ત્યાંનો હાલ શું છે. અમે અમારા ઘરવાળાઓ વિશે જાણવા બેચેન છીએ.''
 
''હું હજારો ફોન લગાવી ચૂક્યો છું. જે નંબર લગાવું છું બંધ આવે છે. તમામના નંબર તો બંધ ન હોઈ શકેને. કંઈક તો ખોટું થઈ રહ્યું હશે, બસ મગજમાં આ જ ચાલ્યા કરે છે.''
આસિફ દિલ્હી ઍરપૉર્ટથી શ્રીનગર જવા માટે નીકળ્યા છે. દિલ્હીમાં એક પ્રાઇવેટ બૅન્કમાં કામ કરતા આસિફ છેલ્લા ઘણા દિવસોથી ન તો સરખું ખાઈ શક્યા છે ન તો ઊંઘી શક્યા છે.
થાક અને બેચેની એમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. દિલ્હીથી શ્રીનગર જઈ રહેલા વિમાનમાં લોકોના ચહેરાઓને જો ધ્યાનથી જોઈએ તો બધામાં એક બેચેની અને ડર દેખાય છે.
 
ભારત સરકારે ગત સોમવારે બંધારણની કલમ 370ને નાબૂદ કરી ભારત પ્રશાસિત કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દીધો.
સરકારે તેનું વિભાજન કરી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા છે.
પરંતુ આની જાહેરાત અગાઉ કાશ્મીર ખીણ વિસ્તારનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો.
ઇન્ટરનેટ બંધ કરવા ઉપરાંત મોબાઇલ અને લૅન્ડલાઇન ફોન સેવા પણ બંધ કરી દેવામાં આવી.
હરિયાણાની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરી રહેલા ચાર વિદ્યાર્થી આવતા મહિને લેવાનાર પરીક્ષાની તૈયારી કરવાની હતી, પરંતુ હવે તેઓ તૈયારી પડતી મૂકીને ઘરે જઈ રહ્યા છે.
 
તેઓ કહે છે, ''પેપર લેવાવાના હતા, અમારે તૈયારી પર ધ્યાન આપવાનું હતું, પરંતુ કૉમ્યુનિકેશન ખતમ થઈ ગયું.''
''પરિવારજનો સાથે વાત નહોતી થઈ શકતી. અમે માનસિક રીતે બહુ પરેશાન થઈ ગયા. ખૂબ ચિંતા થતી હતી.''
''નહોતા વર્ગમાં ભણી શકતા કે નહોતા બીજું કંઈ કરી શકતા. અમે ઈદ મનાવવા નથી જઈ રહ્યા, ઘરવાળાઓનો હાલ જાણવા જઈ રહ્યા છીએ.''
તેઓ કહે છે ''ન તો ભારતીય મીડિયાએ અમને કાશ્મીર વિશે સરખી જાણકારી આપી ન તો સરકાર તરફથી અમને કોઈ સરખી જાણકારી મળી. અમને ખબર જ નથી પડી રહી કે આખરે ત્યાં થઈ શું રહ્યું છે.''
 
ભયનો માહોલ ખડો કરાયો
દિલ્હીના જામિયા વિશ્વવિદ્યાલયમાં કાયદાનો અભ્યાસ કરતાં શફૂરા પાસે પણ ફક્ત ખાવાનો સામાન જ છે.
શફૂરા કહે છે હું ''બૅબીફૂડ અને દવાઓ લઈને જઈ રહી છું. ચાર દિવસ અગાઉ ઘરવાળાઓ સાથે ચૅટ પર વાત થઈ હતી એ પછી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. મને ખબર પણ નથી કે તેઓ જીવતા છે કે નહીં.''
શફૂરા ઉમેરે છે કે ''ભયનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. સરકારે જે કર્યું છે તે અન્ય રીતે પણ કરી શકાયું હોત.''
''છેલ્લા એક વર્ષથી અમે કેન્દ્ર સરકારના શાસનમાં રહીએ છીએ અને અન્ય અનેક રાજ્યોનો વિશેષ દરજ્જો છે જ.''
''જો તેઓ ત્યાંથી શરૂ કરીને કાશ્મીર સુધી પહોંચત તો કદાચ લોકો સ્વીકારી લેત.''
''કાશ્મીરમાં આમ પણ પહેલાંથી જ લોકોનો કેન્દ્ર સરકાર પર ભરોસો ઓછો જ છે અને ત્યાં આ કરવામાં આવ્યું એટલે દાનત પર શક થાય છે.''
શફૂરાને ખબર નથી કે શ્રીનગર ઍરપૉર્ટ પર ઊતરીને પછી ઘર સુધી કેવી રીતે પહોંચશે.
ફક્ત એ જ નહીં પરંતુ બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિ પોતાના આગમનની જાણ પરિવારજનોને નથી કરી શકી.
કેન્દ્રીય રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થિની શ્રીનગર ઍરપૉર્ટની બહાર રોતી આંખે ઊભાં છે.
આંસુઓથી એમનો દુપટ્ટો ભીનો થઈ ગયો છે. એમને સોપોર પહોંચવાનું છે પણ જવાનું કોઈ સાધન નથી.
તેઓ મો માંગ્યા પૈસા આપવા તૈયાર છે પણ કોઈ ટેક્સીવાળો ત્યાં જવા નથી માગતો.
 
વિદ્યાર્થિનીને પરેશાન જોઈને કૂપવાડા જવાની રાહ જોઈ રહેલા કેટલાક યુવાનો ભરોસો આપે છે કે તેઓ તેમને સાથે લઈ જશે, પરંતુ આગળ કેવી રીતે જવાશે એની તેમને પણ નથી ખબર.
સુરક્ષાની આવી ચિંતાજનક સ્થિતિમાં તેઓ પાછા કેમ ઘરે જઈ રહ્યાં છે?
આ સવાલના જવાબ પર તેઓ કહે છે કે ''અમને ખબર નથી કે ઘરવાળાઓ જીવતા છે કે નહીં. અમારે બધું છોડીને ગમે તેમ કરીને બસ તેમનો હાલ જાણવો છે. એમની સાથે રહેવું છે.''
શું તેઓ ઈદ મનાવવા આવી રહ્યાં છે?
તેઓ કહે છે ''આ હાલતમાં કોઈ ઈદ શું મનાવશે. અમારી પ્રાથમિકતા ઈદ નહીં પણ પરિવારની સુરક્ષા છે.''
ચંદીગઢથી આવેલા એક વિદ્યાર્થિનીની આંખમાં આસું છે. તેઓ કાંપતા અવાજે કહે છે, ''કૉલેજ અને પીજીના લોકો સહયોગ કરી રહ્યા હતા, પરંતુ મારો જીવ નહોતો માનતો.''
''મા-બાપની કોઈ ખબર નથી. હું મારી મા સાથે વાત કર્યાં વગર ન રહી શકું. હવે હાલત સુધરશે પછી જ કૉલેજ જઈશ, ભલેને ભણવાનું છૂટી જ કેમ ન જાય.''
એમના એક દોસ્ત પણ દિલ્હીથી આવ્યા છે. સાથે દવાઓ લાવ્યા છે. તેઓ પણ એમની જેમ પરેશાન છે.
તેઓ કહે છે ''મારા પિતાને ડાયાબિટિસ છે. હું દિલ્હીથી મારી સાથે દવાઓ લાવ્યો છું. અમને નથી ખબર કે આ સ્થિતિ ક્યાં સુધી રહેશે.''