બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (11:57 IST)

નરેન્દ્ર મોદીએ ડિસ્કવરીના કાર્યક્રમમાં કહ્યું કે તેઓ હિમાલયમાં શું કરવા ગયા હતા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ડિસ્કવરી ચેનલ પર આવતા મૅન વર્સિસ વાઇલ્ડ શોમાં જોવા મળ્યા હતા.
ઉત્તરાખંડમાં આવેલા જિમ કોર્બેટ પાર્કમાં આ કાર્યક્રમનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં તેઓ કાર્યક્રમના પ્રેઝન્ટર બૅયર ગ્રીલ્સ સાથે જંગલો ખૂંદતા જોવા મળ્યા હતા.
મોદીએ આ કાર્યક્રમમાં પોતાના બાળપણથી લઈને પ્રકૃતિના સંરક્ષણ સુધીની વાતો કરી હતી.
જંગલ અને નદીઓ પાર કરતા કરતા બૅયર ગીલ્સને નરેન્દ્ર મોદી પોતાના જીવનની કેટલીક વાતો કરે છે.
આ વાતોમાં મોદીએ હિમાલયમાં શું કર્યું હતું તેની પણ કેટલીક વાતો કરી હતી.
 
મોદીએ હિમાલયમાં શું કર્યું હતું?
આ શોમાં રક્ષણ માટે ભાલો બનાવતા બનાવતા બૅયર ગ્રીલ્સ મોદીને સવાલ કરે છે કે તમે જ્યારે યુવાન હતા ત્યારે તમે ઘણો સમય પર્વતોમાં પસાર કર્યો હતો?
જેના જવાબમાં મોદી કહે છે કે હા હિમાલયમાં. મોદી આ અંગે આગળ વાત કરે છે.
તેઓ કહે છે, "મેં 17-18 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું અને હું હિમાલયમાં જતો રહ્યો હતો."
"હું એમ જ વિચારી રહ્યો હતો કે શું કરું, શું ના કરું. જિંદગીમાં કોઈ નિર્ણય કરવાનો હતો. જે પહેલાં દુનિયાને સમજવા માગતો હતો."
"હું આધ્યાત્મિક દુનિયાને જોવા માગતો હતો. જે માટે હિમાલયમાં ગયો. પ્રકૃતિ મને પસંદ હતી."
"હિમાલયમાં હું લોકોને મળતો હતો, તે લોકોની વચ્ચે જ રહેતો હતો. એ ખૂબ જ સરસ સમય હતો. મેં ઘણો સમય ત્યાં વિતાવ્યો."
"મારી જિંદગીની આજે પણ એ તાકાત છે. મોટા તપસ્વીઓને પણ મળવાનું થયું. ઓછામાં ઓછી વસ્તુઓથી જિંદગી જીવનારા લોકો, જેમણે કોઈ કાર્બન ફૂટપ્રિન્ટ છોડી જ નથી. આવા લોકોની વચ્ચે રહેવાની તક મળી."
 
મોદીએ કાર્યક્રમમાં બીજું શું કહ્યું?
 
આ ઉપરાંત મોદીએ આ કાર્યક્રમમાં પોતાના બાળપણની વાતો પણ કરી હતી.
મોદીએ એમ પણ કહ્યું હતું કે છેલ્લાં 18 વર્ષમાં આ કાર્યક્રમનું શૂટિંગ તેમના માટે વેકેશન હતું.
તેમણે કહ્યું, "મારું ફોકસ હંમેશાં વિકાસ હોય છે, તમારી સાથેની આ ટ્રીપ મારું 18 વર્ષોમાં પ્રથમ વેકેશન છે."
બૅયર ગીલ્સે મોદીને પૂછ્યું કે તમે મોટી રેલીઓ પહેલાં ડરો છો? મોદી આ કાર્યક્રમમાં તેમનો જવાબ આપતા કહે છે કે તેમણે ક્યારેય ડર અનુભવ્યો જ નથી.
આ કાર્યક્રમમાં મોદીએ બૅયર ગ્રીલ્સને તુલસી વિવાહની પરંપરા પણ સમજાવી હતી.