રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (11:30 IST)

ડુંગળીનો ભાવવધારો : તમારા ઘરમાં જે ડુંગળી છે તે તુર્કીની છે કે ભારતની?

ગુજરાત સહિત દેશભરમાં ડુંગળીની સતત વધી રહેલી કિંમત મધ્યમ અને નિમ્ન વર્ગના લોકો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. સતત વધી રહેલા ભાવના કારણે 'ગરીબોની કસ્તૂરી' ભોજનમાંથી ગાયબ થતી જઈ રહી છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ડુંગળીની કિંમતો મોટાં શહેરોમાં ઊંચકાઈને 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અતિવૃષ્ટિ અને અન્ય પરિબળોને કારણે 2018ની તુલનામાં ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન અંદાજે 25 ટકા જેટલું ઘટી જવા પામ્યું છે.
 
ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે વિદેશથી ડુંગળીની આયાત કરવી પડી રહી છે. એનડીટીવી ડોટ કૉમના અહેવાલ અનુસાર આ ભાવવધારાને ડામવા માટે સ્થાનિક ડુંગળીનો જથ્થો અપૂરતો છે અને એટલે તુર્કી, ઇજિપ્ત અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી પીળી અને લાલ ડુંગળીની આયાત કરાઈ રહી છે. દેશભરમાં ડુંગળીના સતત ઊંચકાઈ રહેલા ભાવને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ બંદર પર તુર્કીની ડુંગળીની આયાત કરાઈ રહી છે.
 
આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં હજારો ટન ડુંગળીની આયાત કરવામાં આવે એવી શક્યતા છે. મુંબઈમાં આવેલો ડુંગળીનો આ જથ્થો વિવિધ રાજ્યોમાં પહોચાડવામાં આવી રહ્યો છે. સુરત શહેરના સરદાર માર્કેટ ખાતે તુર્કીની ડુંગળીનો મોટો જથ્થો આવ્યો છે. જોકે, સ્થાનિક વેપારીઓ આયાત કરાયેલી તુર્કીની સસ્તી ડુંગળીથી સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. સ્થાનિક ડુંગળીની સરખામણીએ તુર્કીથી આવેલી ડુંગળીની માગ બજારમાં ખૂબ જ ઓછી હોવાનું વેપારીઓ જણાવે છે.
 
તો અહીં પ્રશ્ન એ થાય છે કે સ્થાનિક ડુંગળીની સરખામણીએ બહારના દેશોમાંથી આવતી, ખાસ કરીને તુર્કીમાંથી આવતી સસ્તી ડુંગળીની માગ સ્થાનિક બજારોમાં કેમ ઓછી રહી છે. તેમજ સ્થાનિક ડુંગળી અને તુર્કીની ડુંગળીમાં શું મૂળભૂત તફાવત જોવા મળે છે? 
 
તુર્કીથી સસ્તી ડુંગળીની આયાતથી વેપારીઓ સંતુષ્ટ કેમ નથી?
 
તુર્કીની ડુંગળી અને સ્થાનિક ડુંગળીમાં ફરક સુરતના ડુંગળીના વેપારી દીપક ઓવહાલ તુર્કીની ડુંગળી અંગે પોતાનો અસંતોષ વ્યક્ત કરે છે અને તુર્કીની ડુંગળી અને સ્થાનિક ડુંગળી વચ્ચેના મૂળભૂત ફરક તરફ ધ્યાન દોરે છે કે :
 
"તુર્કીની ડુંગળી સ્વાદમાં અતિશય તીખી હોય છે."
 
તુર્કીની ડુંગળીના કારણે વેપારમાં પડી રહેલી તકલીફ વિશે તેઓ જણાવે છે, "આ ડુંગળીમાંથી બનતી ગ્રેવી સ્વાદિષ્ટ નથી હોતી. તેથી આ ડુંગળી સ્થાનિક હોટલમાલિકોને પણ પસંદ નથી આવી રહી."
 
"ગૃહિણીઓ પણ તુર્કીની સસ્તી ડુંગળીની જગ્યાએ દેશી ડુંગળી જ પસંદ કરે છે, કારણ કે તુર્કીની ડુંગળી એક કિલોમાં માત્ર 1 કાં તો 2 નંગ જ આવે છે."
 
"જ્યારે દેશી ડુંગળી 1 કિલોમાં 7-8 નંગ આવી જાય છે."
 
'2019 નરેન્દ્ર મોદી સરકાર માટે હિન્દુ રાષ્ટ્રના એજન્ડાનું વર્ષ'
વેપારીઓની મૂંઝવણ
 
એક તરફ દેશી ડુંગળીના ઊંચા ભાવ અને બીજી બાજુ વિદેશી ડુંગળીની ગુણવત્તાની વિમાસણે સ્થાનિક વેપારીઓની મૂંઝવણમાં વધારો કર્યો છે.
 
સુરતના સરદાર માર્કેટના ડુંગળીના વેપારી કમલેશ પસ્તાકીયા તુર્કીની ડુંગળીના કારણે વેપારમાં પડી રહેલી મુશ્કેલી અંગે કહે છે, "તુર્કીથી આવેલી ડુંગળીનો સ્વાદ લોકોને પસંદ નથી આવી રહ્યો."
 
"હોટલમાલિકો પણ આ ડુંગળી પાછી મોકલાવી રહ્યા છે. આ ડુંગળીની માગ બિલકુલ ઓછી છે."
 
"તેથી આયાત કરાયેલા માલ પૈકી ઘણો બધો માલ વેચાયા વગરનો પડ્યો છે."
 
અન્ય વેપારી સુભાષચંદ્ર મૌર્ય જણાવે છે કે સ્થાનિક ગ્રાહકો દેશી ડુંગળી પસંદ કરી રહ્યા છે.
 
ગ્રાહકોના વલણ વિશે તેઓ કહે છે કે "દેશી ડુંગળી સાઇઝમાં નાની છે, તેમજ સ્થાનિક લોકો અને વેપારીઓ આ જ ડુંગળી પસંદ કરે છે."
 
"તેમજ તુર્કીની ડુંગળી સાઇઝમાં મોટી હોવાના કારણે તે માર્કેટમાં સ્થાનિક ડુંગળી જેટલી લોકપ્રિય નથી."
 
તેઓ કહે છે, "મોટા ભાગના વેપારીઓ અને લોકો પોતાના ઉપયોગ માટે માત્ર 250 ગ્રામથી 1 કિલોગ્રામ જેટલી જ ડુંગળી ખરીદવાનું પસંદ કરે છે."
 
"નાના જથ્થામાં ખરીદી થવાના કારણે તેમજ તુર્કીની ડુંગળી કદમાં અતિશય મોટી હોવાના કારણે પણ આ ડુંગળી સ્થાનિક લોકોને આકર્ષવામાં નિષ્ફળ નીવડી છે