રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ગીતા પાંડે|
Last Modified: ગુરુવાર, 3 ડિસેમ્બર 2020 (12:12 IST)

ખેડૂત આંદોલન : એ તસવીર જે ભારતમાં ખેડૂતોની સ્થિતિ રજૂ કરે છે

ભારતમાં ચાલુ ખેડૂતોનાં પ્રદર્શન દરમિયાન આમ તો અનેક તસવીરો સામે આવી છે, પણ તેમાંથી એક તસવીર વાઇરલ થઈ ગઈ છે, જેમાં અર્ધસૈનિક દળનો એક જવાન વૃદ્ધ શીખ ખેડૂત પર લાઠી મારતો નજરે ચડે છે.
 
આ તસવીર સમાચાર એજન્સી પીટીઆઈના ફોટો-જર્નાલિસ્ટ રવિ ચૌધરીએ તેમના કૅમેરામાં કેદ કરી અને પછી આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ.
 
આ તસવીરને કારણે રાજકીય આપેક્ષબાજી પણ થઈ, વિપક્ષી નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પક્ષ ભાજપની ટીકા કરી છે.
 
વિપક્ષી નેતાઓનું કહેવું છે કે આ તસવીર જણાવે છે કે મોદી સરકાર ખેડૂતો સાથે કેવો વ્યવહાર કરે છે, પણ ભાજપનો દાવો છે કે આ તસવીરમાં દેખાતા વૃદ્ધ શીખને લાઠી લાગી નહોતી.
 
કેટલાક દિવસોથી રાજધાની દિલ્હીની સરહદે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે.
 
પ્રદર્શનકારી ખેડૂતો મોદી સરકારના હાલના કાયદાનો વિરોધ કરી રહ્યા છે, જેના અંગે તેમનો દાવો છે કે આ કાયદો ખેડૂતવિરોધી છે.
 
ખેડૂતો જે કાયદાનો વિરોધ કરે છે, તેને મોદી સરકાર સુધારો ગણાવી રહી છે, પણ ખેડૂતોનો દાવો છે કે આ તેમનાં હિતોથી વિપરીત છે.
 
મોદી સરકારનું કહેવું છે કે સુધારાને કારણે કૃષિમાં ખાનગી ક્ષેત્ર માટે રસ્તો બનશે, પરંતુ તેનાથી ખેડૂતોનાં હિતો પર કોઈ ખરાબ અસર નહીં પડે.
 
જોકે સરકારના આ દાવાથી અસહમત ખેડૂતોએ મોટી સંખ્યામાં દિલ્હી તરફ કૂચ કરી છે, પણ રસ્તામાં અવરોધક લગાવીને તેમને દિલ્હીમાં દાખલ થતા રોકવામાં આવ્યા.
 
ખેડૂતોને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈનિક દળના જવાનોને તહેનાત કરાયા છે. બંને વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
 
વાઇરલ તસવીર
 
પોલીસે ખેડૂતોને વિખેરવા માટે આંસુગૅસના ગોળા અને વૉટર કૅનનનો પણ ઉપયોગ કર્યો.
 
જોકે દિલ્હી પોલીસે બાદમાં ખેડૂતોને દિલ્હીના બુરાડી મેદાનમાં આવીને ધરણાં-પ્રદર્શન કરવા માટે મંજૂરી આપી હતી, પણ ખેડૂતોએ ત્યાં જવાનો ઇન્કાર કરી દીધો અને તેઓ બધા છેલ્લા છ-સાત દિવસથી સીમા પર અડગ છે.
 
વૃદ્ધ શીખ પર લાઠી વરસાવતાં અર્ધસૈનિક દળના જવાનની તસવીર ગત શુક્રવારની સિંધુ બૉર્ડરની છે.
 
આ અંગે પીટીઆઈના ફોટો-જર્નાલિસ્ટ રવિ ચૌધરીએ ફૅક્ટ ચેક સાઇટ બૂમલાઇવ.કૉમને જણાવ્યું, "ત્યાં પથ્થરમારો થતો હતો, અવરોધકોને તોડવામાં આવતા હતા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણમાં એક બસને પણ નુકસાન થયું હતું."
 
તેમનું કહેવું હતું કે પોલીસે પ્રદર્શનકારીઓને મારવાનું શરૂ કર્યું અને તસવીરમાં દેખાતા વૃદ્ધ શીખને પણ મારવામાં આવ્યા.
 
આ તસવીર ઝડપથી વાઇરલ થઈ, જેને ટ્વિટર, ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પર હજારો લોકોએ શૅર કરી.
 
ભાજપના આઈટી સેલની દલીલ
 
ઘણા લોકોએ આ તસવીર સાથે 'જય જવાન, જય કિસાન' નારા પણ ઉલ્લેખ કર્યો.
 
આ નારો વર્ષ 1965માં તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ત્યારે આપ્યો હતો જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે લડાઈ થઈ રહી હતી.
 
ત્યારે તેઓએ આ નારાના માધ્યમથી દેશનિર્માણમાં ખેડૂત અને સૈનિકનું મહત્ત્વ બતાવ્યું હતું.
 
વિપક્ષ કૉંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પણ આ તસવીરને ટ્વીટ કરીને લખ્યું, "બહુ દુખદ ફોટો છે. આપણો નારો તો જય જવાન, જય કિસાનનો હતો, પરંતુ આજે પીએમ મોદીના અહંકારે જવાનને કિસાન સામે ઊભો કરી દીધો છે. આ બહુ ખતરનાક છે."
 
તો ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે રાહુલ ગાંધીના દાવા પર સવાલ ઉઠાવ્યા અને ત્રણ સેકન્ડની ક્લિપ શૅર કરીને દાવો કર્યો કે વૃદ્ધ શીખને લાઠી નહોતી મારવામાં આવી અને તેઓએ તેને એક 'પ્રૉપેગેન્ડા' ગણાવી
 
ખેડૂતો સાથે વાતચીત
 
જોકે અમિત માલવીયના દાવાને બૂમલાઇવ.કૉમે ખોટો ગણાવ્યો અને વધુ સમયનો વીડિયો જાહેર કરીને એ વૃદ્ધ શીખની ઓળખ સુખદેવ સિંહના રૂપમાં કરી અને તેમની સાથે વાત પણ કરી.
 
ઘાયલ સુખદેવ સિંહે બૂમલાઇવ.કૉમને જણાવ્યું કે તેમને એક નહીં પણ બે જવાનોએ માર્યા હતા.
 
પંજાબ અને હરિયાણાના પ્રદર્શનકારી ખેડૂતોની તસવીરો ભારત જ નહીં, પણ વિદેશમાં પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
 
સોમવારે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ભારત સરકારના વલણ પર ચિંતા વ્યક્ત કરી. તો તેમના આ વલણ પર ભારત સરકારે તીખી આલોચના કરી છે.
 
જોકે સરકારે ખેડૂતોને વાતચીતનું આમંત્રણ આપ્યું, જેનો મંગળવારે કોઈ ઉકેલ આવ્યો નહોતો. બંને વચ્ચે હવે ગુરુવારે વાતચીત નક્કી થઈ છે.
 
આ દરમિયાન મોટી સંખ્યમાં આવેલા ખેડૂતોએ દિલ્હીની સીમા પર ડેરો નાખ્યો છે. તેમનું કહેવું છે કે સરકાર જ્યારે 'કાળો કાયદો' પરત લેશે, ત્યારે જ અહીંથી દૂર થશે.
 
ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાની સાથે રૅશન-પાણી લઈને પૂરી તૈયારી સાથે આવ્યા છે.