બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :ઝુબૈર અહમદ , ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (17:21 IST)

US election:: ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડન પાસે ભારતની શું અપેક્ષાઓ?

અમેરિકામાં નાગરિકત્વ આપવા માટેનો કાર્યક્રમ વ્હાઇટ હાઉસમાં યોજાયો તેમાં પાંચ લોકો હાજર હતા. તેમાંથી એકે સૌનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું: ભારતમાંથી અમેરિકા ગયેલા સૉફ્ટવેર ડેવલપર સુધા સુંદરી નારાયણ. તેમણે ચમકતી ગુલાબી સાડી પહેરી હતી અને ગૌરવપૂર્ણ હાસ્ય સાથે તેમણે પોતાનું નાગરિકત્વ પ્રમાણપત્ર દર્શાવ્યું હતું.
 
25 ઑગસ્ટે રિપબ્લિક કન્વેશન ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ કરાયું ત્યારે અમેરિકામાં તેને પક્ષપાતપૂર્ણ કાર્યક્રમ ગણાવીને તેની ટીકા થઈ હતી. તેની સામે ભારતમાં આ પ્રસંગને બહુ ગૌરવ સાથે રજૂ કરાયો હતો - એક ભારતીય વ્યક્તિને પ્રમુખ પોતે અમેરિકાના નાગરિક તરીકે આવકારી રહ્યા હતા.
 
અમેરિકાની ઇમિગ્રેશનની પૉલિસીની ભારત અને ભારતીયોને સીધી અસર થાય છે. ભારતમાંથી સતત પ્રતિભાશાળી ટૅક એક્સપર્ટ અમેરિકામાં સ્થાયી થતા રહ્યા છે. આ ભારતીય નિષ્ણાતો H1B વીઝા પર અમેરિકા જતા હોય છે અને બાદમાં અમેરિકન નાગરિક બનતા હોય છે.
 
આ બાબતને પ્રમુખ ટ્રમ્પે પોતે અનુમોદન આપ્યું તેના કારણે ઇન્ડિયન અમેરિકન્સ પર તેની સારી છાપ પડી હશે. કદાચ પરંપરાથી ડેમૉક્રેટિક પાર્ટી માટે મતદાન કરતાં આવેલા ભારતીય સમુદાયના મતદારોને આકર્ષવા માટે પણ આ રીતે વ્હાઇટ હાઉસમાં કાર્યક્રમ યોજાયો હતો.
 
પ્રમુખે આ રીતે પ્રતીકાત્મક રીતે કાર્યક્રમ યોજ્યો તેના કારણે સારી ભાવના પેદા થઈ હશે, કેમ કે બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક રીતે વધારે મજબૂત બની રહ્યા છે.
 
ઇન્ડિયન અમેરિકન્સ પોતાની રીતે ચૂંટણીમાં મતદાન કરશે, પરંતુ આગામી પ્રમુખ - ટ્રમ્પ હોય કે બાઇડન - ભારત માટે શું કરી શકશે?
 
ભારતને પોતે ક્યાં મદદરૂપ થઈ શકે છે તે બાબતમાં અમેરિકા સ્પષ્ટ વાત કરતું આવ્યું છે. ભારત લદ્દાખના મામલે ચીન સાથે ઘર્ષણમાં ઉતરેલું છે, ત્યારે અમેરિકા તે બાબતમાં મદદરૂપ થઈ શકે છે.
 
ભારત અને ચીને બંનેએ સરહદે 50,000 જેટલા સૈનિકો ગોઠવેલા છે અને કેટલીક જગ્યાએ બંને સેનાની ટુકડીઓ એક બીજાથી 200 મીટર જ દૂર ગોઠવાયેલી છે. સલામતી નિષ્ણાતો માને છે કે નાનકડી ગેરસમજને કારણે મોટી અથડામણ થઈ શકે છે.
 
જૂનમાં ભારત અને ચીનના દળો વચ્ચે લદ્દાખમાં અથડામણો થઈ હતી અને તેના કારણે બે અણુસત્તા દેશો વચ્ચે તંગદિલી વધી છે.
 
અમેરિકાએ આ ઘર્ષણમાં ભારતને સહાય કરવા માટેનું એકથી વધુ વાર કહ્યું છે.
 
"તેમણે (ભારતે) આ ઘર્ષણમાં અમેરિકાને પોતાનું સાથી બનાવવું જોઈએ", એમ વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું.
 
કેટલાક ભારતીય રાજદ્વારીઓ સહમત છે કે ભારતે અમેરિકાનો સાથ લઈને ચીન પર દબાણ લાવવું જોઈએ, જેથી તે ઘૂસણખોરી કરી હોય તે પ્રદેશોમાંથી પીછેહઠ કરે. ભારત બીજા સ્થાનિક સાથીઓને પણ સાથે રાખવાનું પસંદ કરશે.
 
જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ભારત તથા અમેરિકાએ ક્વેડ જૂથની રચના કરી છે. ઑક્ટોબરની શરૂઆતમાં ટોક્યોમાં તેની બેઠક મળી હતી અને સલામતી બાબતોની ચર્ચા કરી હતી - ખાસ કરીને ચીનના આક્રમક વલણનો સામનો કેવી રીતે કરવો તેની.
 
એવું માનવામાં આવે છે કે અમેરિકા ચાર દેશોના આ સંગઠનને નાટો જેવા જૂથમાં બદલવા માગે છે.
 
અમેરિકાની ચૂંટણીમાં હિંદુ મતદારો કેમ મહત્ત્વના બની રહેશે?
 
આ પ્રકારનો વિચાર બંને દેશો વચ્ચે છેલ્લા 20 વર્ષો દરમિયાન જે પ્રકારે સંબંધો મજબૂત બન્યા છે તેની સાથે બંધબેસતો આવે છે.
 
ભારતે પરંપરાથી અલિપ્ત રહેવાની નીતિ અપનાવી છે - શીત યુદ્ધ દરમિયાન અને સોવિયેટ સંઘે અફઘાનિસ્તાનમાં આક્રમણ કર્યું ત્યારે ભારતે તટસ્થ રહેવાનું પસંદ કર્યું હતું. પરંતુ 21મી સદીની સ્થિતિ જુદી છે અને તેના આધારે ભારતની વિદેશ નીતિ તૈયાર થઈ રહી છે.
 
પ્રમુખ બિલ ક્લિન્ટને 2000ની સાલમાં ભારતની ઐતિહાસિક મુલાકાત લીધી હતી. લગભગ ત્રણ દાયકા પછી અમેરિકાના કોઈ પ્રમુખ આ રીતે ભારતની મુલાકાતે આવ્યા હતા.
 
ભારતને અમેરિકાનું સાથી બનવા માટે મનાવવાની કોશિશ થઈ હતી. ભારત અને અમેરિકાના સંબંધોમાં પરિવર્તન તરીકે આ છ દિવસની મુલાકાતને ગણવામાં આવે છે. તે પહેલાં બંને દેશો વચ્ચે સુમેળભર્યા સંબંધો નહોતા.
 
પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યૂ બુશે ભારતની મુલાકાત લીધી ત્યારે બંને દેશો વચ્ચે અણુકરાર થયો તેનાથી સંબંધો વધારે ગાઢ બન્યા અને બાદમાં પ્રમુખ બરાક ઓબામાએ બે વાર ભારતની મુલાકાત લીધી હતી.
 
આ વર્ષે 25 ફેબ્રુઆરીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતની મુલાકાત લીધી અને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં મેદની વચ્ચે સભાને સંબોધન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલી આ સભામાં ટ્રમ્પે કહ્યું હતું કે, "બંને દેશો વચ્ચેના (દ્વિપક્ષી) સંબંધો અત્યારે છે તેટલા સારા ક્યારેય નહોતા".
 
અમેરિકાએ મદદની ઓફર કરી છે, પણ ભારત હજી તેના સ્વીકારવામાં ખચકાય છે.
 
મદદનો ખચકાટ
 
 
લંડનની વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધોના એસોસિએટ પ્રોફેસર ડૉ. નિતાશા કૌલને અમેરિકાની પ્રતિબદ્ધતા વિશે શંકા છે.
 
ડૉ. નિતાશા કૌલ કહે છે કે, "ટ્રમ્પ મૌખિક રીતે મદદની વાત કરે છે તેનું કોઈ મૂલ્ય નથી, કેમ કે અમેરિકાની નીતિ વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે અને ટ્રમ્પ વિશ્વમાં અમેરિકાની કામગીરીને મર્યાદિત કરી રહ્યા છે."
 
"ચીનનો તદ્દન વિરોધ છે અને ભારત પણ ખાસ ઉત્સુક નથી ત્યારે અમેરિકાની મધ્યસ્થી કરવાની ઓફરનો કોઈ અર્થ રહેતો નથી."
 
મદદ કરવા માટેની ઓફર ગંભીર હોત તો પણ લદ્દાખમાં ખરેખર અમેરિકા કેવી રીતે મદદરૂપ થઈ શકે તે નક્કી કરવું મુશ્કેલ છે એમ ડૉ. કૌલ કહે છે.
 
"અમેરિકા મિલિટરી ઇન્ટેલિજ્સ (મર્યાદિત પ્રમાણમાં) જેવી બાબતમાં મદદરૂપ થઈ શકે, અને બહુ તો સરંજામ અને તાલીમની બાબતમાં મદદરૂપ થઈ શકે. બીજી બાજુ અમેરિકા ચીનને પણ તંગદિલી ના વધારવા માટે સંદેશ આપી રહ્યું છે," એમ તેઓ કહે છે.
 
જો મદદની ઓફર ખરેખર ગંભીર અને મહત્ત્વની હોય તો પણ અમેરિકા માટે ભારતની પ્રજામાં કેટલીક બાબતોમાં અભિપ્રાયના સવાલો છે.
 
અમેરિકા વર્ષોથી પાકિસ્તાન સાથે ઘનિષ્ઠ સંબંધો રાખતું આવ્યું, જેનાથી ભારતના ઘણા લોકોને નથી લાગતું કે તે આધારભૂત મિત્ર બની શકે.
 
સ્વિડનની અપસેલ્લા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ પીસ એન્ડ કૉન્ફ્લિક્ટના પ્રોફેસર અશોક સ્વેઇન અમેરિકા પર ભરોસો રાખવા અંગે સાવચેતી દાખવે છે.
 
તેઓ કહે છે, "અમેરિકા ક્યારેય ભરોસાપાત્ર મિત્ર રહ્યું નથી અને ટ્રમ્પના નેતૃત્ત્વમાં તો ખાસ. ચીન જેવી તાકાત સામે અમેરિકાનું પત્તું ભારતને બહુ ઉપયોગી થાય તેમ નથી."
 
દુનિયામાં કોરોનાની મંદી પણ ચીનની ઇકૉનૉમિનો ડ્રેગન ડાન્સ
 
વડા પ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ વચ્ચે પ્રતીકાત્મક રીતે અને અંગત રીતે સારી મૈત્રી જામી છે, પરંતુ ડિપ્લોમેટ એ બાબતે સવાલો પૂછે છે કે ખરેખર તેનાથી સંબંધોમાં કેટલો સુધારો થયો.
 
"પ્રમુખ ટ્રમ્પના શાસનમાં સારા સંબંધો બની રહ્યા છે. પીએમ મોદી અને પ્રેસિડન્ટ ટ્રમ્પ વચ્ચે સારી અંગત દોસ્તી છે. પરંતુ પ્રગતિ ધીમી ગતિએ થઈ રહી છે અને આપણે ઇચ્છીએ કે તેમાં ઝડપ આવે." એમ અમેરિકામાં ફરજ બજાવી ચૂકેલા ભૂતપૂર્વ ડિપ્લોમેટ નીલમ દેવે બીબીસીને જણાવ્યું.
 
ભારતે અત્યાર સુધી સંભાળપૂર્વક વલણ દાખવીને અમેરિકાની ઓફરને સ્વીકારી પણ નથી અને નકારી પણ નથી.
 
પ્રોફેસર સ્વેઇન કહે છે કે ભારત રાહ જોઈ રહ્યું છે કે 3 નવેમ્બરની ચૂંટણીમાં શું થાય છે. જોકે, રાજદ્વારીઓ માને છે કે વ્હાઇટ હાઉસમાં કોણ આવે છે તેનાથી બહુ ફરક પડવાનો નથી.
 
પ્રમુખ ટ્રમ્પ અને તેમની સામેના ડેમૉક્રેટિક પક્ષના સ્પર્ધક જો બાઇડન લગભગ દરેક મુદ્દે આમનેસામને છે, પરંતુ ભારત સાથેના સંબંધો અંગે ખાસ મતભેદ નથી.
 
અમેરિકામાં કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ રાજદ્વારીઓ કહે છે કે ભારત સાથેના સંબંધોની બાબતમાં અમેરિકામાં બંને પક્ષોમાં સહમતીનું વાતાવરણ છે.
 
નીલમ દેવના જણાવ્યા અનુસાર, "ભારતની બાબતમાં બંને પક્ષના ઉમેદવારોનો અભિપ્રાય એક સમાન હોય તેવું કંઈ પહેલીવાર બન્યું નથી. પ્રમુખ ક્લિન્ટનની મુલાકાત પછી દરેક અમેરિકન પ્રમુખ ભારતની મુલાકાતે આવતા રહ્યા છે. પ્રમુખ ઓબામા બે વાર આવ્યા હતા. એટલે બંને પક્ષના પ્રમુખોના શાસનમાં સંબંધોમાં સુધારો થતો રહ્યો છે."
 
તેથી એવું લાગે છે કે અમેરિકામાં ચૂંટણી પછી ભારતને ચીન સામેના સંઘર્ષમાં સહાયરૂપ થવા માટેની ઓફર થતી રહેશે, પરંતુ ભારત તેનો કેવી રીતે પ્રતિસાદ આપશે તે વિશે સુનિશ્ચિત કહી શકાય નહીં.