બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 22 જુલાઈ 2024 (00:50 IST)

લોહીનો વરસાદ એટલે શું? આકાશમાંથી આવો વરસાદ ક્યારે પડે?

વરસાદ શબ્દ સાંભળતાંની સાથે આપણા મનમાં આકાશમાંથી આવતું પાણી દેખાઈ આવે, પણ ઘણી વાર આકાશમાં પાણી સિવાયની ચીજો પણ પડતી હોય છે અને તેનાં કેટલાંક ચોક્કસ કારણ અને સંજોગો પણ હોય છે.
 
સાંભળીને નવાઈ લાગે પણ 'લોહીનો વરસાદ' પણ થતો હોય છે.
 
લોહીનો વરસાદ શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે આકાશમાંથી લાલ રંગનો વરસાદ થાય, પરંતુ આ લાલ રંગનો વરસાદ થવા પાછળ કયાં કારણો જવાબદાર છે?
 
બ્રિટનની વાતાવરણ સંબંધિત માહિતી આપનાર સરકારી સંસ્થા મેટ ઑફિસના એક અહેવાલ પ્રમાણે, લોહીનો વરસાદ એ કોઈ વાતાવરણ સંબંધિત કે વૈજ્ઞાનિક શબ્દ નથી, પરંતુ તે એક સામાન્ય બોલચાલનો શબ્દ છે.
 
આ શબ્દનો ઉલ્લેખ ઇતિહાસમાં પણ જોવા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખીએ તો આ શબ્દની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી ન શકાય.
 
લાલ રંગના વરસાદ માટે કયાં કારણો જવાબદાર છે?
 
સામાન્ય રીતે લોહીનો વરસાદ ત્યારે જોવા મળે છે જ્યારે લાલ રંગની ધૂળ અથવા કણોની ઉચ્ચ સાંદ્રતા વરસાદમાં ભળી જાય છે. આ કારણે વરસાદનો રંગ લાલ જોવા મળે છે.
 
પૃથ્વીના વાતાવરણને સંચાલિત કરનાર પ્રાકૃતિક તાકતો ખૂબ જ શક્તિશાળી છે અને ક્યારેક આપણને આશ્ચર્યચકિત કરી શકે છે. આ પ્રાકૃતિક તાકતો થકી રેતી અથવા નાના કણો એક સ્થળેથી દૂર બીજા સ્થળે મોકલી શકે છે.
 
મેટ ઑફિસના એક અહેવાલ પ્રમાણે, લોહીના વરસાદની વાત કરીએ તો ભારે પવન કે વાવાઝોડાને કારણે ઘૂળ અને રેતી ઊડે છે. આ ધૂળ હવામાં ફૈલાય છે અને વાતાવરણના પરિભ્રમણને કારણે હજારો કિલોમીટર દૂરી જઈ શકે છે.
 
અંતે ધૂળ ગુરુત્વાકર્ષણ બળને કારણે આકાશમાંથી નીચે પડી જશે અથવા વરસાદનાં વાદળોમાં ફસાઈ જશે અને પાણીનાં ટીપાં સાથે મળી જશે. આમ, જ્યારે આ વરસાદ પડે છે ત્યારે વરસાદનાં ટીપાં લાલ રંગનાં દેખાય છે.
 
ભારતમાં લોહીનો વરસાદ ક્યાં થયો હતો?
 
લોહીનો વરસાદ જેમાં વરસાદનાં ટીપાં એકદમ લાલ દેખાય છે તેવો વરસાદ ખૂબ જ દુર્લભ હોય છે, કારણ કે આ પ્રકારના વરસાદ માટે ખૂબ જ વધારે સાંદ્રતામાં લાલ રંગની ધૂળ અને કણોની જરૂર હોય છે.
 
આ પ્રકારના ખૂબ જ ઓછા કેસ જોવા મળ્યા છે.
 
જોકે, વર્ષ 2001માં દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં ચોમાસાની ઋતુમાં સમયાંતરે લાલ રંગનો વરસાદ થયો હતો, જેને કારણે કપડાં પર પણ ડાઘ લાગી પડી હતા. એ જ ચોમાસામાં બીજા રંગોના વરસાદના પણ અહેવાલો સામે આવ્યા હતા, જેમાં લીલા અને પીળા રંગનો વરસાદ પણ સામેલ છે.
 
ડિજિટલ મીડિયા વેબસાઇટ ક્વિન્ટના એક અહેવાલ પ્રમાણે, કેરળના કોટ્ટાયમ, ઇડ્ડુકી અને વાયનાડ જિલ્લામાં 1896, 1957, 2001 અને 2012માં લોહી જેવા લાલ રંગનો વરસાદ પડવાની ઘટનાઓ નોંધાઈ હતી.
 
બીબીસીના એક અહેવાલ પ્રમાણે, આ વિશે શોધખોળ કર્યા બાદ મળેલી જાણકારી સૂચવે છે કે ભારે પવનને કારણે અરેબિયન દ્વીપકલ્પ પરથી ઊડેલી ધૂળને કારણે વરસાદનો રંગ લાલ હતો.
 
જોકે, કોટ્ટાયમસ્થિત મહાત્મા ગાંધી યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રી ગોડફ્રે લુઇસે તે સમયે તારણ કાઢ્યું કે આ લાલ વરસાદમાંથી લીધેલા નમૂનામાં ધૂળ નથી, પરંતુ એક સ્પષ્ટ જૈવિક કણો જોવા મળ્યા હતા.
 
જોકે, લોહીના વરસાદના અવશેષોને મેળવવા માટે થોડા સમય માટે જ વરસાદ પડવો જોઈએ.
 
વેધર ઍક્સપર્ટ ફિલિપ ઇડને કહ્યું, “આ પાછળ મુખ્ય કારણ છે કે જો વરસાદ થોડા સમય માટે જ આવે તો તેમાં રેતીનું પ્રમાણ વધારે હશે. બીજી તરફ જો ભારે અને લાંબા સમય સુધી વરસાદ થશે તો ધૂળના અવશેષો પાણી સાથે વહી જશે.”
 
લોહીના વરસાદનો ઇતિહાસમાં ઉલ્લેખ
 
લોહીના વરસાદનો ઇતિહાસમાં પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે.
 
આઠમી સદીમાં લખાયેલા ગ્રીક મહાકાવ્ય ઇલિયડમાં પણ તેનો ઉલ્લેખ છે.
 
આ મહાકાવ્ય ઈસા પૂર્વે આઠમી સદીમાં લખવામાં આવ્યું છે તેવું માનવામાં આવે છે.
 
જોકે, એ વિશે આશ્ચર્ય નથી કે લોહીના વરસાદને એક 'અપશુકન' તરીકે જ ગણવામાં આવતો હતો.
 
આ ઉપરાંત 12મી સદીમાં લેખક જેફ્રી ઑફ મોનમાઉથે પણ લોહીના વરસાદનો ઉલ્લેખ કર્યો હતો. 12મી સદીના ઇતિહાસકાર વિલિયમ ઑફ ન્યૂબર્ગે પણ લોહીના વરસાદનો ઉલ્લેખ કર્યો હતો.
 
પહેલાના સમયમાં માનવામાં આવતું કે સાચે જ લોહી વરસે છે અને તેને એક અપશુકન ગણવામાં આવતું હતું. સાહિત્ય અને લેખનમાં લોહીના વરસાદનો ઉલ્લેખ મોટે ભાગે એક 'ખરાબ ઘટના'ના અંદેશા તરીકે કરવામાં આવ્યો હતો.
 
જોકે, 17મી સદીમાં વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર પછી લાલ વરસાદનાં તાર્કિક કારણો વિશે સમજ આપવાનું શરૂ થયું. 19મી સદી સુધી ધૂળને કારણે આ પ્રકારનો લાલ વરસાદ જોવા મળે છે તે તર્ક વધારે વ્યાપક બન્યો હતો.