શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રજનીશ કુમાર|
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2019 (11:28 IST)

મંદીની ચર્ચા વચ્ચે મોદી સરકાર NSOનો ડેટા છુપાવીને કોનું હિત કરી રહી છે?

આ જ વર્ષે મે મહિનામાં મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું હતું. અરવિંદ સુબ્રમણ્યમ જાણીતા અર્થશાસ્ત્રી છે.

રાજીનામું આપ્યાના એક મહિના બાદ તેમણે કહ્યું કે ભારત જીડીપીનો વૃદ્ધિદર વધારીને દર્શાવી રહ્યું છે.

તેમણે કહ્યું કે વર્ષ 2011-12થી વર્ષ 2016-17 દરમિયાન ભારતના જીડીપીનો વાસ્તવિક વૃદ્ધિદર 4.5 ટકા હતો. જોકે, અધિકૃત રીતે તેને સાત ટકા દર્શાવાયો.

અરવિંદ સુબ્રમણ્યમના આ નિવેદનને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારે મહત્ત્વ અપાયું હતું અને કહેવાયું હતું કે સરકાર આંકડા સાથે ચેડા કરે છે.

આ પહેલાં આ જ વર્ષે 28 જાન્યુઆરીએ પી. સી. મોહનને નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન એટલે કે એન. એસ. સી. માં કાર્યકારી અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

એન. એસ. સી. કેન્દ્ર સરકારની સંસ્થા છે, જે ભારતના મહત્ત્વના આંકડાની ગુણવત્તાને ચકાસે છે.
 

મોહનને રોજગાર સંબંધિત આંકડાઓના પ્રકાશનમાં મોડું થતાં વિરોધ દર્શાવવા રાજીનામું આપ્યું હતું. તેમની સાથે જ કમિશનનાં જ સભ્ય જે. લક્ષ્મીએ પણ રાજીનામું આપ્યું હતું.

મોહનનના રાજીનામાના ત્રણ દિવસ બાદ 'બિઝનેશ સ્ટાન્ડર્ડ' અખબારમાં રોજગારીના આંકડા લીક થઈ ગયા અને જાણવા મળ્યું કે રોજગારીનો દર વધીને 6.1 ટકા થઈ ગયો છે, જે છેલ્લાં 45 વર્ષોમાં સૌથી ઉચ્ચ સપાટી પર હતો.

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં આ બધું ઘટ્યું હતું. બેરોજગારીના આ આંકડો ચૂંટણી પહેલાં સરકાર માટે ચિંતાનું કારણ બને એમ હતા.

જોકે, મોદી સરકારે બેરોજગારીના આંકડા ફગાવી દીધા અને કહ્યું કે ડેટાનો સંગ્રહ કરવાની પ્રક્રિયામાં કેટલાય પ્રકારના દોષ છે અને તે ખરી તસવીર દર્શાવતા નથી.

સરકાર તરફથી દલીલ અપાઈ હતી કે મુદ્રાયોજના અંતર્ગત હજારો-કરોડો રૂપિયાનાં કરજ અપાયાં છે અને લોકો આ પૈસાથી પોતાનો રોજગાર ચલાવી રહ્યા છે.

જોકે, ડેટાનો સંગ્રહ કરતી વખતે આ વાતની ઉપેક્ષા કરવામાં આવી હતી.

ભાજપની સરકારે જાન્યુઆરી, વર્ષ 2015માં જીડીપીની ગણતરીનું આધારવર્ષ 2004-05થી બદલીને વર્ષ 2011-12 કરી દીધું હતું.

આ ઉપરાંત મનમોહન સરકાર જે આધાર પર જીડીપીની ગણતરી કરતી હતી, મોદી સરકારે એને પણ બદલી નાખ્યો હતો.

ગુણવત્તામાં ઘટાડો?
 

અરવિંદ સુબ્રમણ્યમનું કહેવું હતું કે જીડીપીની ગણતરીની પ્રક્રિયા બદલાવવાને કારણે આના આંકડા વધારે છે, જે વાસ્તવિક તસવીર નથી.

સુબ્રમણ્યમે ઉમેર્યું હતું કે બૅન્કની ક્રૅડિટનો ગ્રૉથ નકારાત્મક છે. નિકાસનો દર નકારાત્મક છે.

બેરોજગારી વધી રહી છે અને લોકો ખર્ચ ઓછો કરી રહ્યા છે, ત્યારે જીડીપીનો વૃદ્ધિદર સાત ટકાથી વધારે કઈ રીતે હોઈ શકે?

બે વસ્તુઓ સ્પષ્ટ છે. એક તો એ કે સરકાર જે આંકડા રજૂ કરી રહી છે, તેના પર વિશેષજ્ઞો ઘણી રીતે સવાલો સર્જી રહ્યા છે અને સરકાર જે આંકડા જાહેર થવા નથી દઈ રહી, એને લઈને વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારને એ પસંદ આવી રહ્યા નથી.

આંકડા સાથે જ સંકળાયેલો વધુ એક વિવાદ ગત સપ્તાહે સામે આવ્યો.

મોદી સરકારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ એટલે કે એન. એસ. ઓ. ના વર્ષ 2017-18ના ઉપભોક્તાખર્ચના સર્વેના ડેટાને જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે.

સરકારનું કહેવું છે કે ડેટાની 'ગુણવત્તા'માં ઘટાડો થવાને લીધે તેને જાહેર કરાયો નથી.

આ ડેટા જાહેર ન થવાથી ગત દસ વર્ષમાં ગીરીબીનો ડેટા જાણી નહીં શકાય.

આ પહેલાં આ સર્વે વર્ષ 2011-12માં થયો હતો. આ ડેટા થકી સરકાર દેશમાં ગરીબી અને વિષમતાનું આંકલન કરે છે.

આ ડેટા પણ આ જ વર્ષે જૂનમાં જ જાહેર થવાનો હતો. જોકે જાહેર કરાયો નહીં.

ફરી એક વખત 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' અખબારે ડેટા લીક કરવાનો દાવો કર્યો અને જણાવ્યું કે લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં ગત 40 વર્ષો બાદ ઘટાડો નોંધાયો છે.

જોકે, સરકારે આને પણ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યું કે તે એન. એસ. ઓ. સર્વેનો આધાર દર વર્ષે બદલવા અંગે વિચારી રહી છે અને આ સર્વે હવે વર્ષ 2021-22માં થશે.
 

ગુણવત્તામાં ઘટાડો ક્યા સ્તરે નોંધાયો?


મોદી સરકારને આખરે પોતાનાં જ સંસ્થાના આંકડા પર વિશ્વાસ કેમ નથી?

નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના પૂર્વ ચૅરમૅન પી. સી. મોહનન જણાવે છે :

"આ રિપોર્ટ જૂન મહિનામાં જ આવવાનો હતો. અડધો નવેમ્બર પૂરો થઈ ગયો છે અને હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી."

"જ્યારે મોડું કરાઈ રહ્યું હતું ત્યારે જ શંકા જાગી હતી કે સરકાર તેને જાહેર કેમ કરી રહી નથી. 'બિઝનેસ સ્ટાન્ડર્ડ'માં લીક થયેલા રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું કે સરકારને તે પસંદ આવ્યો નથી."

"રિપોર્ટ જાહેર ન કરવાનું કારણ સરકાર ગુણવત્તામાં ઘટાડો દર્શાવી રહી છે, જોકે એ સમજવું મુશ્કેલ છે."

પી. સી. મોહનન ઉમેરે છે, "એન. એસ. ઓ. વર્ષ 1950થી આ સર્વે કરી રહી છે અને આ કોઈ નવો સર્વે પણ નથી.

એન. એસ. ઓ. એ જ્યારે સર્વે શરૂ કર્યો ત્યારે પણ સરકારને ગુણવત્તા અંગે જાણકારી હતી.

સરકાર સ્પષ્ટ રીતે એ વાત કેમ નથી જણાવી રહી કે આ મામલે ગુણવત્તામાં ઘટાડો કયા સ્તરે આવ્યો?

આ સર્વેનો ડેટા બહુ મહત્ત્વનો હોય છે. વર્ષ 2011-12 બાદ પહેલી વખત આ સર્વેનો રિપોર્ટ આવવાનો હતો અને તેનાથી જાણવા મળે એમ હતું કે દેશની વસતિ કેવી સ્થિતિમાં જીવી રહી છે."

સંપૂર્ણ વિવાદ પર પૂર્વ પ્રમુખ આંકડાશાસ્ત્રી પ્રણવ સેને પણ 'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ને જણાવ્યું:

"વર્ષ 2017-18 'અસામન્ય વર્ષ' હોવા છતાં સરકારે ડેટા જાહેર કરવો જોઈએ. જ્યારે હું પ્રમુખ આંકડાશાસ્ત્રી હતો, એ વખતે એટલે કે 2009-10માં સર્વે થયો હતો."

"ત્યારે 40 વર્ષ બાદ ભયાનક દૂકાળ પડ્યો હતો. વૈશ્વિક આર્થિક સંકટનો સમય હતો, ત્યારે પણ અમે ડેટા નહોતો અટકાવ્યો. અમે વર્ષ 2011-12ને નવું આધારવર્ષ બનાવ્યું હતું."

"જોકે, વર્ષ 2009-10ના રિપોર્ટને રોકી રાખ્યો નહોતો. અમે ડેટાને દબાવી રાખ્યો નહોતો.

"પી. સી. મોહનન ગુણવત્તાના તર્ક પર હસતાં કહે છે, "તમે ગુણવત્તાનો આધાર બનાવીને ડેટા અટકાવી રહ્યા છો પણ આને અટકાવાથી કોઈ ફાયદો થવાનો નથી."

"અર્થતંત્ર અને લોકોને તો ફાયદો નહીં જ થાય. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી વિશ્વસનીયતા ઘટી રહી છે."

"દેશની અંદર સંસ્થાઓને લઈને અવિશ્વાસ જન્મી રહ્યો છે."

"હવે સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે કે સરકાર જે આંકડા સાથે સહજ છે, તે જાહેર કરી રહી છે અને જે આંકડાથી અસહજ બની રહી છે, તેને દબાવી રહી છે."

"આ આંકડા થકી સરકાર અનેક બાબતો નક્કી કરતી હોય છે, જેમ કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આના થકી જ નક્કી થાય છે."

ગત મહિને પર્યાવરણ અને વનમંત્રી પ્રકાશ જાવડેકરે રોજગારી પર નેશનલ સૅમ્પલ સર્વેનો ડેટા ફગાવી દીધો હતો.

જાવડેકરે કહ્યું હતું કે એન. એસ. એસ. ઓ. દ્વારા ડેટાનો સંગ્રહ કરવાની પ્રક્રિયા યોગ્ય નથી અને આ પક્રિયા જૂની પણ થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે એન. એસ. એસ. ઓ.ની પ્રક્રિયા 70 વર્ષ જૂની હતી અને આજની પૂર્ણ તસવીર રજૂ કરવામાં સક્ષમ નથી.

પટનાના 'એ. એન. સિન્હા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્ટડીઝ'માં અર્થશાસ્ત્રના પ્રોફેસર ડી. એમ. દિવાકર જણાવે છે :

"તમારે નવું આધારવર્ષ બનાવવું હોય તો બનાવો. કોણ રોકે છે? પણ જૂનો ડેટા જાહેર કરવામાં શી મુશ્કેલી પડે છે?"

"જે સર્વે થઈ ગયો છે, એનો ડેટા કેમ અટકાવો છો? વાત સીધી છે કે તેમને પોતાની પસંદનો ડેટા જોઈએ છે."

"જે ડેટા એમની પસંદનો નથી હોતો તેમને તેઓ જાહેર કરવા દેતા નથી."

"રોજગારીના ડેટા સાથે પણ આવું જ થયું. એને પણ તેમણે જાહેર થવા નહોતો દીધો."

દિવાકરનું માનવું છે કે મોદી સરકાર ભારતીય લોકશાહીની પ્રથમ એવી સરકાર છે કે જે પોતાનાં સંસ્થાનોના જ ડેટા ફગાવી રહી છે.

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'માં છપાયેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે એક ભારતીયના દર મહિને ખર્ચ કરવાની ક્ષમતામાં સરેરાશ 3.7 ટકા ઘટાડો આવ્યો છે. તો ગ્રામ્ય ભારતમાં આ ઘટાડો 8.8 ટકા છે.

પી. સી. મોહનનનું કહેવું છે કે લોકશાહીમાં આ આંકડાના આધારે ચર્ચા થતી હોય છે અને વિપક્ષ પણ સરકારી નિષ્ફળતાને મુદ્દો બનાવીને સવાલો કરતી હોય છે.

જોકે, ડેટા જાહેર ન કરવોનો અર્થ આ ચર્ચાઓમાંથી અસલી તસવીરને ગાયબ કરી દેવી એવો થાય છે. 
મોહનન જણાવે છે, "જો કોઈ કંઈ દાવો કરશે તો તેને વેરિફાઈ કરવા માટે આપણી પાસે કંઈ નહીં હોય."

"દેશમાં ગરીબીનો ગ્રાફ શો છે એ અંગે પણ આપણી પાસે કોઈ જાણકારી નહીં હોય."

"આવું પ્રથમ વખત બનશે કે કોઈ સરકાર સર્વે કરાવ્યા બાદ ડેટા જાહેર નથી કરી રહી."

"એન. એસ. ઓ. વિદેશોમાં પણ ખ્યાતિ ધરાવે છે અને અહીં કામ કરનારા શ્રેષ્ઠ વ્યવસાયિકો છે."

"સરકારના આ વલણને પગલે અહીંના સ્ટાફ પર પણ સ્પષ્ટ રીતે નિરાશાજનક અસર પડશે અને તેઓ કામ પ્રત્યેની નિષ્ઠાને બેકાર ગણવા લાગેશે."

પી. સી. મોહનન કહે છે, "ભારતના આંકડાશાસ્ત્રીઓની વિશ્વભરમાં તેને માનભેર જોવાય છે, પણ સરકારે ગત ત્રણ-ચાર વર્ષમાં ડેટાનો સ્વીકાર કરવાનું બંધ કરી દીધું છે."

"લાંબાગાળા માટે આ યોગ્ય નથી. આપણા ડેટાની વિશ્વસનીયતા ઘટશે તો એની અસર ચોતરફ જોવાશે.

"મને લાગે છે કે સરકારે વિશ્વાસ જન્માવવા માટે તત્કાલ કંઈક કરવું જોઈએ."

આ જ સપ્તાહે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહે 'ધ હિંદુ' અખબારમાં લેખ લખીને મોદી સરકાર પર નિશાન તાંકતા લખ્યું હતું કે આંકડાના પ્રકાશન પર પહેરો મૂકી દેવાયો છે.

પૂર્વ વડા પ્રધાને લખ્યું કે તેઓ આ વાત તેઓ એક અર્થશાસ્ત્રીના રૂપે કરી રહ્યા છે.

મનમોહનસિંહે કહ્યું હતું કે દેશનાં સંસ્થાનોને કમજોર કરવામાં આવી રહ્યાં છે અને આનાથી અર્થતંત્રને નુકસાન જશે. તેમણે એવું પણ કહ્યું કે હતું કે સરકાર મીડિયામાં રંગીન હેડલાઇન થકી અર્થતંત્રને મૅનેજ ન કરી શકે.

પી.સી. મોહનનનું કહેવું છે કે તેઓ મનમોહનસિંહની વાતો સાથે સંપૂર્ણ રીતે સહમત છે. મોહનન જણાવે છે:

"સર્વે કરાવવાનો નિર્ણય એક-બે વર્ષ પહેલાં લઈ લેવાતો હોય છે પણ જ્યારે સર્વે શરૂ થયો ત્યારે તેમણે નોટબંધીનો નિર્ણય લઈ લીધો."

"આ દરમિયાન જીએસટી પણ લાગુ કરી દેવાયો. સ્પષ્ટ છે કે બન્નેની ખરાબ અસર લોકો પર પડી અને સર્વેનાં પરિણામો આનાથી પ્રભાવિત થયાં હશે."

મોહનનનું કહેવું છે, "જ્યારે મેં જોયું કે સરકારને મારા કામથી કોઈ મતલબ નથી અને તેનો ઉપયોગ કરવાથી ખચકાઈ રહી છે, ત્યારે મારી પાસે રાજીનામું ધરી દીધા સિવાય કોઈ વિકલ્પ નહોતો રહ્યો.

"આંકડાઓનો ઉદ્દેશ જ એવો હોય કે અમારે તે માત્ર સરકારને જ નથી બતાવવા પણ લોકોને પણ બતાવવા છે."

"આ ડેટા માત્ર સરકાર માટે જ નથી હોતા અને લોકશાહીમાં કોઈ પણ સરકાર તેને રોકી શકતી નથી."

"સરકાર આ જો આ સર્વેને જાહેર નથી કરતી તો ગત દસ વર્ષોમાં ભારતની ગરીબીનો ગ્રાફ શો છે, એની જાણકારી ક્યારેય નહીં મેળવી શકાય."