બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (11:58 IST)

ઈરાન અને અમેરિકા એકબીજાના કટ્ટર દુશ્મન કેમ?

ઈરાન અને અમેરિકા વચ્ચેની દુશ્મનાવટને બધા જાણે છે. બન્ને દેશો વચ્ચે તંગદિલીના વારંવાર આવતા સમાચારથી આખી દુનિયામાં ખળભળાટ થતો રહે છે. સોમવારે તેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી, જ્યાં 700થી વધુ પૉઇન્ટનો કડાકો બોલી ગયો. આ સિવાય સોનું પણ રૂ. 42 હજારની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયું છે. ઈરાનના સૌથી શક્તિશાળી લશ્કરી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનું અમેરિકાના હવાઈ હુમલામાં મોત થયા પછી બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે.
 
અમેરિકાને આખરે કાણી આંખે પણ ઈરાન કેમ ગમતું નથી? તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે?
 
1953 - સત્તા પરિવર્તનથી દુશ્મનીની શરૂઆત 
 
 
અમેરિકાની ઈરાન સાથેની દુશ્મનાવટના પહેલા બીજનું વાવેતર 1953માં થયું હતું. અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએએ બ્રિટન સાથે મળીને ઈરાનમાં સત્તાપરિવર્તન કરાવ્યું હતું. ચૂંટાયેલા વડાપ્રધાન મોહમ્મદ મોસદ્દિકને ગાદી પરથી હટાવીને અમેરિકાએ સત્તા ઈરાનના શાહ રઝા પહેલવીના હાથમાં સોંપી હતી. તેનું મુખ્ય કારણ હતું ક્રૂડઑઈલ. બિનસાંપ્રદાયિક નીતિને અનુસરતા ઈરાનના વડાપ્રધાન ઓઈલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા હતા. તેઓ ઈરાનના શાહની શક્તિ પર પણ લગામ તાણવા ઇચ્છતા હતા. 
 
અમેરિકાએ શાંતિના દૌરમાં કોઈ વિદેશી નેતાને પદભ્રષ્ટ કરાવ્યા હોય તેવી એ પહેલી ઘટના હતી. એ ઘટના પછી આ પ્રકારનું સત્તાપરિવર્તન અમેરિકાની વિદેશનીતિનો હિસ્સો બની ગયું હતું. 1953માં અમેરિકાએ જે રીતે સત્તાપરિવર્તન કરાવ્યું હતું તેના પરિણામે 1979માં ઈરાની ક્રાંતિ થઈ હતી.
 
 
1979ની ઈરાની ક્રાંતિ
 
 
ઈરાનના સુંદર અને ઐતિહાસિક શહેર પર્સેપોલિસમાં 1971માં એક ભવ્ય પાર્ટી યોજવામાં આવી હતી. ઈરાનના શાહે એ પાર્ટીમાં યુગોસ્લાવિયાના રાષ્ટ્રપ્રમુખ ટીટો, મોનાકોના પ્રિન્સ રેનીઅર તથા પ્રિન્સેસ ગ્રેસ, અમેરિકાના ઉપપ્રમુખ સિપ્રો અગ્નેયૂ અને સોવિયેટ સંઘના રાજપુરુષ નિકોલાઈ પોગર્ની આમંત્રણ આપ્યું હતું. દેશનિકાલ પછી વિદેશમાં જિંદગી પસાર કરી રહેલા ઈરાનના એક નવા નેતાએ આઠ વર્ષ પછી એ પાર્ટીને શેતાનોની પાર્ટી ગણાવીને ઈરાનના શાહ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું.
 
એ નેતાનું નામ હતું આયતોલ્લાહ રુહોલ્લાહ ખોમેનેઈ. 1979માં ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ એ પહેલાં ખોમેનેઈ તુર્કી, ઈરાક અને પેરિસમાં નિર્વાસિતનું જીવન જીવતા હતા. શાહ પહેલવીના નેતૃત્વમાં ઈરાનના પશ્ચિમીકરણ અને અમેરિકા પર ઈરાનની વધતી નિર્ભરતા માટે ખોમેનેઈ શાહને વારંવાર નિશાન બનાવતા હતા. ઈરાનમાં શાહ વિરુદ્ધના અસંતોષની જ્વાળાએ ખોમેનેઈના નેતૃત્વમાં ક્રાંતિનું સ્વરૂપ લઈ લીધું હતું. દેશમાં મહિનાઓ સુધી ધરણાં-વિરોધ પ્રદર્શન-હડતાળો થવા લાગી હતી.
 
આખરે 19 જાન્યુઆરી, 1979ના દિવસે ઈરાની શાહ મોહમ્મદ રઝાએ પહેલવીએ મજબૂર થઈને દેશ છોડવો પડ્યો હતો. તેના બે સપ્તાહ પછી પહેલી ફેબ્રુઆરી, 1979ના દિવસે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા તરીકે આયતોલ્લાહ ખોમેનેઈ સ્વદેશ પાછા આવ્યા, ત્યારે તહેરાનમાં તેમના સ્વાગત માટે 50 લાખ લોકો ઉમટી પડ્યા હતા. એ પછી એક જનમત સર્વેક્ષણ કરાવવામાં આવ્યું હતું અને પહેલી એપ્રિલ, 1979ના દિવસે ઈરાનને ઈસ્લામિક ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું.
 
જે દેશે ક્રાંતિ કરીને સત્તા પલટો કર્યો હતો, એ અચાનક રૂઢિવાદી રાષ્ટ્ર કઈ રીતે બની ગયો, એ વિશેના એક આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા પ્રોજેક્ટ સિન્ડિકેટના રિપોર્ટમાં જર્મન ફિલસૂફ હેના એરંટની એક ટિપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
હેના એરંટે કહ્યું હતું, "મોટાભાગના ઉગ્ર ક્રાંતિકારીઓ ક્રાંતિ પછી રૂઢિવાદી બની જાય છે."
 
ખોમેનેઈ સાથે પણ એવું જ થયું હોવાનું કહેવાય છે. સત્તા પર આવ્યા બાદ ખોમેનેઈની ઉદારતામાં અચાનક પરિવર્તન આવ્યું હતું. તેઓ ડાબેરી આંદોલનથી અલગ થઈ ગયા હતા.
 
તેમણે વિરોધીઓના અવાજના દબાવવાનું શરૂ કર્યું હતું અને ઇસ્લામિક રિપબ્લિક અને ઈરાનના લોકતંત્રના અવાજમાં એક પ્રકારનું અંતર વધવું શરૂ થયું હતું.
 
 
52 અમેરિકનો 444 દિવસ સુધી બાનમાં
 
ઈરાની પ્રદર્શનકારીઓએ 52 અમેરિકી નાગરિકોને 444 દિવસો સુધી બંધક બનાવીને રાખ્યા હતા  તિના પરિણામ પછી તરત જ ઈરાન અને અમેરિકા વચ્ચેના રાજકીય સંબંધ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.
તહેરાનમાં ઈરાકી વિદ્યાર્થીઓના એક જૂથે અમેરિકન દુતાવાસ પર કબજો જમાવ્યો હતો અને 52 અમેરિકન નાગરિકોને 444 દિવસ સુધી બાનમાં રાખ્યા હતા. એ કૃત્યમાં ખોમેનેઈનીની મૂક સંમતિ હોવાનું કહેવાય છે. તેમણે અમેરિકાના પ્રમુખ જિમી કાર્ટર પાસે માગણી કરી હતી કે શાહ મોહમ્મદને ઈરાન પરત મોકલવામાં આવે. શાહ મોહમ્મદ કૅન્સરની સારવાર માટે અમેરિકા ગયા હતા.
 
રોનલ્ડ રીગન અમેરિકાના પ્રમુખ ન બન્યા, ત્યાં સુધી બાનમાં રાખવામાં આવેલા અમેરિકનોને મુક્ત કરાવી શકાયા ન હતા. આખરે શાહ મોહમ્મદનું ઇજિપ્તમાં મૃત્યુ થયું હતું અને ખોમેનેઈ તેમની તાકાતને વધુ ધર્મકેન્દ્રી કરી હતી.
 
1980-88 - ઈરાન અને ઈરાક વચ્ચે લાંબુ યુદ્ધ
 
ઈરાકના વડા સદ્દામ હુસૈને 1980માં ઈરાન પર હુમલો કર્યો હતો અને એ પછી ઈરાન તથા ઇરાક વચ્ચે આઠ વર્ષ સુધી લોહિયાળ યુદ્ધ ચાલતું રહ્યું હતું.
 
એ યુદ્ધમાં અમેરિકા સદ્દામ હુસૈનની સાથે હતું. સોવિયેટ સંઘે પણ સદ્દામ હુસૈનને મદદ કરી હતી.
 
એક કરાર પછી એ યુદ્ધનો અંત આવ્યો હતો. યુદ્ધમાં કમસેકમ પાંચ લાખ ઈરાની તથા ઈરાકી નાગરિકો માર્યા ગયા હતા.
 
કહેવાય છે કે ઈરાકે ઈરાનમાં રસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને ઈરાનમાં તેની અસર લાંબા સમય સુધી જોવા મળી હતી.
 
આ એ સમય હતો જ્યારે ઈરાને અણુબૉમ્બ બનાવવાની શક્યતાને ચકાસવાનું શરૂ કરી દીધું હતું.
 
ઈરાનના અણુકાર્યક્રમ વિશે 2002 સુધી કોઈ કશું જાણતું ન હતું.
 
એ વિસ્તારમાં અમેરિકાનું સમીકરણ બદલાયું તેથી નાટકીય પરિવર્તન જોવા મળ્યું હતું.
 
અમેરિકાએ સદ્દામ હુસૈનને ટેકો આપવાનું બંધ કર્યું હતું એટલું જ નહીં, પણ ઈરાક પર હુમલાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી.
 
અમેરિકાના આ વિનાશક નિર્ણયનો અંત, ઈરાનને થયેલા મહત્વના વ્યૂહાત્મક લાભ સાથે આવ્યો હોવાનું કહેવાય છે.
 
જોકે, ઈરાનનો સમાવેશ અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશની 'ઍક્સિસ ઑફ ઈવિલ' એટલે કે અમેરિકાના દુશ્મન દેશોની યાદીમાં થઈ ગયો હતો.
 
અણુ કાર્યક્રમની તૈયારી
 
આગળ જતાં યુરોપે ઈરાન સાથે અણુ કાર્યક્રમ વિશે વાતચીત શરૂ કરી હતી. એ સમયે હાવિય સાલોના યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ તરીકે ઈરાન સાથે મંત્રણા કરતા હતા. તેમણે પ્રોજેક્ટ સિન્ડિકેટના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઈરાનમાં 2005ની ચૂંટણી હતી અને એ કારણે મંત્રણમાં સફળતા મળી ન હતી. 2013માં હસન રુહાની ફરીવાર ચૂંટાઈ આવ્યા, ત્યારે વિશ્વ સમુદાયે અણુ કાર્યક્રમ બાબતે ફરી વાતચીત શરૂ કરી હતી.
 
દાયકાઓની દુશ્મનાવટ વચ્ચે ઓબામા વહીવટીતંત્ર 2015માં વ્યાપક સંયુક્ત ઍક્શન પ્લાન સુધી પહોંચ્યું હતું. તેને મોટી રાજકીય સફળતા ગણવામાં આવ્યું હતું.
 
ડોનલ્ડ ટ્રમ્પના દૌરમાં ટક્કર
 
આ વખતે અમેરિકાની ચૂંટણીમાં પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે એકતરફી નિર્ણય કરીને એ કરારને રદ્દ કરી નાખ્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન પર નવા પ્રતિબંધો લાદ્યા હતા.
 
ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને ધમકી આપતાં કહ્યું હતું કે ઈરાન સાથે વ્યાપાર કરશે એ દેશ અમેરિકા સાથે વેપારી સંબંધ રાખી નહીં શકે.
 
તેના પરિણામે ઈરાન સંબંધે અમેરિકા તથા યુરોપ વચ્ચેના મતભેદ સપાટી પર આવી ગયા હતા. યુરોપિયન યુનિયને ઈરાન સાથે થયેલા અણુકરારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ ટ્રમ્પ માન્યા ન હતા.
 
ઈરાની ક્રાંતિ પછીના પાછલા ચાર દાયકામાં ઈરાન તથા અમેરિકા વચ્ચેની દુશ્મનાવટમાં અનેક નાજુક વળાંક આવ્યા છે.
 
અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાની જનરલનું મોત થયાને પગલે બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ એક નવા સ્તરે પહોંચી ગઈ છે.