ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2022 (08:04 IST)

24 વર્ષીય અભિનેત્રીનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ, આ હુમલો કઈ ઉંમરે આવે?

Andrilla Sharma
બાંગ્લા ટીવી શો અને સિરિયલોનાં જાણીતાં અભિનેત્રી ઍન્ડ્રિલા શર્માનું રવિવારે નિધન થયું છે.
24 વર્ષીય ઍન્ડ્રિલાને શનિવારે રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. બાદમાં તેમને સીપીઆર આપવામાં આવ્યું હતું.
 
સીપીઆર આપ્યા બાદ તેમની તબિયત થોડી સુધરી હતી. પરંતુ રાત્રે 12:59 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો. તેમને હાવડાના એક ખાનગી હૉસ્પિટલમાં વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં.
ઍન્ડ્રિલા કૅન્સર સર્વાઇવર રહી ચૂક્યાં છે. તેમણે ટીવી શો 'ઝુમુર' બાદ ઘણી સિરિયલોમાં કામ કર્યું હતું. જેમાં 'જીવન જ્યોતિ' જેવી લોકપ્રિય ધારાવાહિક પણ સામેલ છે. તેમણે 'ભાગર' વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.
 
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં બોલીવૂડનાં પીઢ અભિનેત્રી તબસ્સુમનું પણ કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે.
 
છેલ્લા કેટલાક સમયમાં અનેક બોલીવૂડ સ્ટાર્સના કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયાં છે. તેના પરથી ચર્ચા જાગી છે કે આ કાર્ડિયાક અરેસ્ટ શું છે અને તેનાથી બચવું કેવી રીતે?
 
શું હોય છે કાર્ડિયાક અરેસ્ટ?
 
કાર્ડિયાક અરેસ્ટ માનવ શરીર માટે કેમ આટલો ખતરનાક સાબિત થાય છે? કઈ રીતે હૃદય ફેલ થવું અને હૃદયરોગનો હુમલો આવવો અલગ છે?
 
હાર્ટ.ઓઆરજી મુજબ કાર્ડિયાક અરેસ્ટ અચાનક થાય છે અને શરીરમાંથી કોઈ ચેતવણી પણ મળતી નથી. આનું કારણ હૃદયમાં થનાર ઇલેક્ટ્રિકલ ગરબડ છે, જે ધબકારાના તાલમેલને બગાડી દે છે.
તેથી હૃદયને પંપને કરવાની ક્ષમતા પર અસર થાય છે અને તે મગજ, હૃદય અથવા શરીરના અન્ય ભાગોને લોહી પહોંચાડી શકતું નથી. આમાં થોડા સમય માટે વ્યક્તિ બેભાન થઈ જાય છે અને પલ્સ ચાલુ હોય છે. જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળે તો સેકન્ડોમાં અથવા મિનિટોમાં મૃત્યુ થઈ શકે છે.
 
શું કોઈ લક્ષણ જોવાં મળે છે?
 
સૌથી મોટી મુશ્કેલી એ છે કે કાર્ડિયાક અરેસ્ટના આવતા પહેલાં કોઈ લક્ષણો દેખાતાં નથી. 
એટલે જ આ કિસ્સામાં મૃત્યુનું જોખમ વધી જાય છે.
 
સૌથી સામાન્ય કારણ હૃદયના અસાધારણ ધબકારા છે,જેને વિજ્ઞાનની ભાષામાં 'વેન્ટ્રિકુલર ફિબ્રિલેશન' કહેવાય છે. હૃદયની ઇલેક્ટ્રિકલ ગતિવિધિ એટલી બગડી જાય છે કે તે ધબકવાનું જ બંધ કરી દે છે અને એક રીતે કહીએ તો કાંપવા લાગે છે.
 
કાર્ડિયાક અરેસ્ટ માટે ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ કેટલાક હૃદય સંબંધિત રોગો તેની આશંકા વધારી દે છે:
 
કોરોનરી હાર્ટની બીમારી
હાર્ટઍટેક
કાર્ડિયોમાયોપૅથી
કૉનજેનિટલ હાર્ટની બીમારી
હાર્ટ વાલ્વમાં પરેશાની
હાર્ટ મસલમાં ઇનફ્લેમેશન
લૉન્ગ ક્યૂટી સિન્ડ્રોમ જેવા ડિસઑર્ડર
આ સિવાય કેટલાંક બીજાં કારણો છે, જે કાર્ડિયાક અરેસ્ટને નોતરી શકે છે.
 
વીજળીનો કરંટ લાગવો
જરૂરથી વધારે ડ્રગ્સનું સેવન
હૅમરેજ કે જેમાં લોહીને ઘણું નુકસાન થાય છે
પાણીમાં ડૂબવું
ગ્રે લાઇન
આનાથી બચવું શક્ય છે?
 
જવાબ છે હા. ક્યારેક છાતી પર ઇલેક્ટ્રિક શૉક આપીને, તેને ફરીથી રિકવર કરી શકાય છે. આ માટે ડિફિબ્રિલેટર નામના સાધનનો ઉપયોગ થાય છે. આ સામાન્ય રીતે તમામ મુખ્ય હૉસ્પિટલોમાં જોવા મળે છે. જેમાં મુખ્ય મશીન અને શૉક આપવાના બૅઝ હોય છે, જેને છાતી પર લગાવી અરેસ્ટથી બચાવી શકાય છે.
 
પરંતુ સમસ્યા એ છે કે જો ડિફિબ્રિલેટર ન હોય તો શું કરવું?
 
જવાબ છે, સીપીઆર. તેનો અર્થ કાર્ડિયોપલ્મોનરી રિસિટેશન છે.
 
આમાં દર્દીની છાતીને બે હાથથી સીધું જ દબાણ આપવામાં આવે છે. અને મોઢાથી હવા પૂરી પાડવામાં આવે છે. 
 
હાર્ટઍટેકથી કઈ રીતે અલગ છે?
 
મોટા ભાગના લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હૃદયરોગના હુમલાને એકસમાન ગણે છે. પરંતુ બન્ને વચ્ચે ખાસ્સો ફરક છે.હૃદયરોગનો હુમલો એ સમયે થાય છે જ્યારે હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓમાં અવરોધ ઊભો થાય છે અને તેને કારણે હૃદયની માંસપેશીઓમાં લોહી પહોંચવાનું મુશ્કેલ બને છે.
 
હૃદય રોગના હુમલામાં છાતીમાં ગંભીર પીડા થાય છે. જો કે, ઘણી વખત લક્ષણો નબળાx હોય છે, પરંતુ તે હૃદયને નુકસાન પહોંચાડી જ શકે છે. આવા કિસ્સામાં હૃદય શરીરના બાકીના ભાગમાં લોહી પહોંચાડવાનું ચાલુ રાખે છે અને દર્દી સભાન રહે છે. પરંતુ જેના પર હૃદયરોગનો હુમલો થયો હોય તે વ્યક્તિ પર કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધી જાય છે.
 
કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય લોહી પહોંચાડવાનું બંધ કરી દે છે. એટલે જ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે અને શ્વાસ અટકી જાય છે.
 
કાર્ડિયાક અરેસ્ટ કેટલો જીવલેણ?
 
એનસીબીઆઈના એક અગાઉના અહેવાલ અનુસાર વિશ્વમાં કાર્ડિયોવૅસ્કુલર રોગો લગભગ 1.7 કરોડ વાર્ષિક મૃત્યુ માટે જવાબદાર છે. જે કુલ મૃત્યુના 30 ટકા છે.
 
વિકાસશીલ દેશોની વાત કરીએ તો આ પ્રકારના મૃત્યુ એચ.આઈ.વી., મલેરિયા અને ટીબીની સંયુક્ત મૃત્યુની સંખ્યા કરતાં ડબલ છે.
 
એક અંદાજ મુજબ હૃદયના વિવિધ રોગથી થનારાં મૃત્યુમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે થતાં મૃત્યુનો હિસ્સો 40-50% છે.
 
વિશ્વમાં કાર્ડિયાક અરેસ્ટથી બચવાનો દર એક ટકા કરતાં પણ ઓછો છે. અમેરિકામાં આ દર લગભગ પાંચ ટકા છે. 
 
સમગ્ર વિશ્વમાં કાર્ડિયાક અરેસ્ટથી થતાં મૃત્યુ એ વાતનો સંકેત આપે છે કે તેની જીવલેણ ક્ષમતાથી બચવું સરળ નથી.
 
આ માટેના વિકલ્પો પર પણ કામ થઈ રહ્યું છે.
 
કાર્ડિયાક અરેસ્ટમાંથી રિકવરીના મદદરૂપ સાધનો સહેલાઈથી ઉપલબ્ધ નથી અને વિકાસશીલ દેશોમાં તો હાલત વધારે ખરાબ છે.