શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By કલ્યાણી દેશમુખ|

બાળકોનું ઉનાળુ વેકેશન કેવી રીતે વિતાવશો ?

વેકેશન પડતાં જ માતા-પિતા પરેશાન થઈ જાય છે, કારણ કે બાળકોની મસ્તી, લડાઈ અને ઘરમાં અવ્યવસ્થાથી તેઓ કંટાળી જાય છે, પરંતુ ચિંતા ન કરશો, અમે તમને બાળકોનો સમય કેવી રીતે વીતાવવો તેની કેટલીક ટીપ્સ બતાવીએ છીએ.

- બાળકોને રોજ સવારે વહેલા ઉઠાડવાનુ બંધ ન કરશો, જો તેઓ શાળામાં જવા માટે સવારે 6 વાગ્યે ઉઠતા હોય તો તેમને વેકેશનમાં પણ છ વાગ્યે જ ઉઠાડો, આનાથી તેમનુ રૂટીન બની રહેશે અને વહેલા ઉઠવાથી તેઓ બપોરે બે કલાક ઉંધી પણ જશે.

- સવારના નિત્ય કામોથી પરવાર્યા પછી બાળકોને ડ્રોઈંગ કરવાનુ કે એકાદ બે કલાક ટીવી જોવાનો સમય નક્કી કરી દો.
- ત્યા સુધી તમે પણ નિત્યકામથી પરવારી જશો, બપોરે જમ્યા પછી બાળકોને કોઈ ઈંડોર ગેમ્સ જેવા કે કેરમ, ચેસ કે લૂડો જેવી ગેમ્સ રમાડો. બાળકને આસપાસનો કોઈ એવો સારો મિત્ર બનાવી આપો જેની સાથે તેનુ વધુ  બની શકતુ હોય, નહી તો તમારે રમવુ પડશે.  તેને સમજાવો કે તે ક્યારેય એવી જીદ ન કરે કે તેનુ કહ્યુ તેના મિત્રો માને.. રમતી વખતે મિત્રો સાથે જીદ કરશે તો તેના મિત્રો નહી બને અથવા રોજ લડાઈ ઝગડો થશે. બાળકોને બીજા બાળકો સાથે રમવા દેવાથી તેમની અંદર  સામાજીક ભાવના કેળવાય છે. 

- બપોરનો સમય ખૂબ જ તડકો હોવાથી બાળકને સૂવાની આદ્ત કરો, તેની સાથે તમે પણ સૂઈ જાવ, તેને સૂવાનુ કહીને પોતે ટીવી જોવા ન બેસી જશો.

- ચાર-પાંચ વાગ્યે જ્યારે તે ઉઠે ત્યારે તેને એકાદ કલાક ઘરમાં જ સમય પસાર કરવા દો અને સાંજે 6 વાગ્યા પછી જ તેને ઘર બહાર રમવા જવા દો. બાળક રમે ત્યારે તેનુ વચ્ચે-વચ્ચે ધ્યાન રાખવાનુ ન ભૂલશો, જેથી તેને ધ્યાન રહેશે કે તમારી નજર છે અને જેથી એ કોઈની જોડે લડાઈ કે મારામારી નહી કરે.

- આજકાલ દરેકના ઘરે સ્માર્ટ ફોન કે લેપટોપ કે કમ્પ્યુટર હોય છે.  તમે એવુ વિચારો છો કે બાળકોને આ વસ્તુઓ પકડાવી દો તો શાંતિ.. બહાર જાય તો તમારે વધુ ધ્યાન રાખવુ પડશે. પણ આવી ભૂલ બિલકુલ ન કરતા. આજકાલના બાળકો પહેલા જ ભણવાની સ્પર્ધા અને તેમની વધતી અસુરક્ષાને કારણે ઘરમાં પુરાયેલા રહે છે. જેને કારણે તેમનો સર્વાંગી વિકાસ જોઈએ તેવો થતો નથી.  તમે વેકેશનમાં બહાર ક્યાક ફરવા ન જાવ તો તમારી સોસાયટીમાં તમારા બાળકના રમવાના સમયે બેત્રણ કલાક બહાર બેસો. અથવા તો તમે સોસાયટીમાં બધી સ્ત્રીઓ મળીને એક વારો બાંધી લો. કે વારાફરતી કોઈપણ બે સ્ત્રીઓ બાળકો પર નજર રાખશે.  જેવી કે બાળકો પરસ્પર લડે નહી.. એકબીજાને મારે નહી.. કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા બાળકને આઈસક્રીમ કે ચોકલેટની લાલચ આપીને સોસાયટી બહાર લઈ જાય નહી વગેરે. 


- બની શકે તો રોજ એકાદ કલાક બાળક સાથે સાંજે તમે પણ કોઈ આઉટડોર ગેમ રમો.

- બાળકને રોજ સૂતા પહેલા હાથ-પગ ધોઈને કે સ્નાન કરીને કપડાં બદલવાની આદત કરો.

- બાળકોને સૂતા પહેલા એક વાર્તા જરૂર સંભળાવો.

ટૂંકમાં બાળકોનું વેકેશન એવુ હોવુ જોઈએ કે તમારા બાળકનો ચેહરો પ્રસન્નાતાથી ખીલી ઉઠે.. તેની થોડી હેલ્થ બને.. તેની અંદર જો કોઈ સકારાત્મકતા આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે બાળકો માટે વેકેશન કેટલુ મહત્વનું અને જરૂરી છે.