બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 23 જૂન 2024 (14:22 IST)

વર્લ્ડકપમાં મોટો ઊલટફેર, અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને કઈ રીતે હરાવી દીધું?

ટી20 વર્લ્ડકપના સુપર 8 મુકાબલામાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને 21 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે.
 
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિશેલ માર્શે ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પહેલાં બેટિંગ કરવા ઊતરેલી અફઘાન ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 148 રન બનાવ્યા હતા.
 
અફઘાનિસ્તાન તરફથી રહમાનુલ્લાહ ગુરબાઝે 49 બૉલ પર 60 રન ફટકાર્યા હતા. ઓપનિંગ બૅટ્સમૅન ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝરદાને 118 રનની શાનદાન ભાગીદારી નોંધાવી હતી.
 
આ ટી20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી સૌથી મોટી પાર્ટનરશિપ છે.
 
149 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં માત્ર 127 રન જ બનાવી શકી હતી.
 
ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે ગ્લેન મૅક્સવેલે 41 બૉલમાં 59 રન બનાવ્યા હતા. બીજી તરફ, અફઘાનિસ્તાનના ફાસ્ટ બૉલર ગુલબદીન નાયબે 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ મેળવી હતી.
 
ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર પૅટ કમિન્સે આ મૅચમાં હૅટ્રિક લઈને પણ ઇતિહાસ રચ્યો હતો. કોઈ પણ ટી20 વર્લ્ડકપમાં બીજી વખત હૅટ્રિક લેનારા તેઓ વિશ્વના પ્રથમ બૉલ બની ગયા છે.
 
કમિન્સે ચાર ઓવરમાં 28 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. આ પહેલાં કમિન્સે ગત મૅચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પણ હૅટ્રિક વિકેટ લીધી હતી.
 
આ સાથે જ અહીં એ વાત પણ નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયાની ટીમ પોતાની પ્રથમ મૅચ હારી છે.
 
અફધાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 148 બનાવ્યા હતા.
 
ટીમના ઓપનિંગ બૅટ્સમૅન રહમાનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહીમ ઝદરાન બંનેએ અફધાનિસ્તાનને જબરદસ્ત શરૂઆત આપી હતી. બંનેએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ અડધી સદી ફટકારી હતી અને 118 રનની ભાગીદારી નોંધાવી હતી.
 
રહમાનુલ્લાહ ગુરબાઝે 49 બૉલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 122.44ની સ્ટ્રાઇક રેટ સાથે 60 રન ફટકાર્યા હતા. જ્યારે ઇબ્રાહિમ ઝાદરાને 48 બૉલમાં છ ચોગ્ગાની મદદથી 51 રન ફટકાર્યા હતા. જોકે, આ ઉપરાંત ટીમના અન્ય કોઈ ખેલાડીએ મોટો સ્કોર કર્યો ન હતો.
 
ઑસ્ટ્રેલિયા તરફથી કમિન્સે ચાર ઓવરમાં 28 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી. જ્યારે ઍડમ ઝામ્પાએ ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઑસ્ટ્રેલિયના ઑલ-રાઉન્ડર માર્કસ સ્ટૉયનિસની પણ એક સફળતા મળી હતી.