શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 11 જૂન 2022 (10:23 IST)

અમદાવાદમાં દિકરાના અવસાન બાદ બીમાર પુત્રવધૂને સાસુએ ઘરમાંથી કાઢી મુકી, ઘરને તાળુ મારી સાસુ ગામડે જતાં રહ્યાં

Crime news of gujarat
પતિના અવસાન બાદ શારીરિક રીતે બીમાર પત્નીને સાસુએ ઘરમાંથી કાઢી મુકી હતી. બાદમાં સાસુ ઘરને તાળુ મારીને તેમના ગામડે જતા રહ્યાં હતાં. જેથી પુત્રવધુ રસ્તા પર રખડતી રહી ગઈ હતી. 10 દિવસ સુધી ગીતામંદિર રોડ પર રહ્યાં બાદ ઓઢવ વિસ્તારમાં ફરતી હતી. આ દરમિયાન એક જાગૃત નાગરિકે 181 પર ફોન કરીને માહિતી આપતાં જ અભયમની ટીમે પુત્રવધૂને સખી વનસ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી એક અજાણી વ્યક્તિઓ અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જાણ કરી હતી કે, શારીરિક રીતે બીમાર યુવતી રસ્તા પર રખડતી હાલતમાં છે તેને કંઈક થઈ ગયું હોય તેમ લાગે છે. આ કોલ બાદ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની પુછપરછ કરી હતી. શરૂઆતમાં તો આ યુવતી કશું બોલવા તૈયાર નહોતી. પરંતુ અભયમની ટીમે સઘન પુછપરછ કરી ત્યારે તે રડવા લાગી હતી અને રડતા રડતાં જણાવ્યું હતું કે, તેના પતિનું બે મહિના પહેલાં બીમારીના કારણે અવસાન થયું હતું. જેના કારણે તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.તે કંઈ સમજી શકતી નહતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. પુત્રવધુ શારીરિક રીતે બીમાર હોવાથી સાસુએ 20 દિવસ પહેલાં જ તેને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી અને ઘરને તાળુ મારી તેઓ તેમના ગામડે જતા રહ્યાં હતાં. ઘરને તાળુ માર્યું હોવાથી પુત્રવધૂ 10 દિવસ ગીતામંદિર એસટી સ્ટેન્ડ નજીક રસ્તા પર રહેતી હતી. જો કોઈ ખાવાનું આપે તો ખાતી એને પાણી મળે તો પાણી પીને 10 દિવસ વિતાવ્યા હતાં. બાદમાં તે ચાલતી ચાલતી ઓઢવ વિસ્તારમાં પહોંચી હતી.અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે પુત્રવધુના સગાવ્હાલા અને રહેવા માટે કોઈ ઘર છે કે કેમ તે અંગે પુછપરછ કરી ત્યારે યુવતીએ તેના કોઈ સગા નહી હોવાનું જણાવ્યું તથા કોઈ ઘર નહીં હોવાથી તે રસ્તા પર રહેતી હોવાનું જણાવ્યું હતું. જેથી અભયમની ટીમે સખી વન સ્ટોપ સેન્ટર સહિતની માહિતી આપી હતી. બાદમાં તેને ત્યાં મોકલી આપી હતી.