સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (09:06 IST)

અમદાવાદમાં બાળકોની બબાલ મામલે બે પરિવારો વચ્ચે મારામારી થઈ, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

વસ્ત્રાપુરમાં એક ફ્લેટના કોમન પ્લોટમાં સાથે રમતાં બાળકો પૈકી એક બાળકે એક બાળકીને લાફો મારવાને મામલે બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામે ધમકી આપતાં, બંને પક્ષની મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. વસ્ત્રાપુરમાં આવેલા એક ફ્લેટમાં રહેતા બાળકો સોસાયટીના કોમન પ્લોટમાં રમતાં હતાં, દરમિયાન 8 વર્ષીય બાળકી ઘરે જઈને સૂઈ ગઈ હતી અને તેને તાવ આવ્યો હતો. જે બાબતે માતાએ પૂછતાં બાળકીએ કહ્યું કે, તેની સાથે રમતાં 10 વર્ષીય બાળકે તેને લાફો માર્યો હતો.એટલું જ નહીં, આ બાળક અવારનવાર બાળકીને મારતો હોવાની ફરિયાદ બાળકીએ માતાને કરી હતી. જેથી બાળકીની માતા બાળકની માતાને ફરિયાદ કરવા તેના ઘરે ગઇ ત્યારે એક પુરુષે મહિલા સાથે ઝગડો-ગાળાગાળી કરી હાથ ખેંચીને ધમકી આપી હતી. આ અંગે મહિલાએ પુરુષ વિરુધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે 10 વર્ષીય બાળકની માતાએ 8 વર્ષીય બાળકીની માતા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં બાળકીની માતા તેના ઘરે ઝઘડો કરવા આવી અને બાળકને નીચે ફેંકી દેવાની ધમકી આપીને માતાની નજર સામે જ બાળકને માર્યું હતું. વસ્ત્રાપુર પોલીસે બંને મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ આદરી છે.