1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (16:39 IST)

અમદાવાદમાં સાસરિયાઓએ દહેજની માંગ કરી યુવતીને ઘરેથી કાઢી મુકી હતી, 10 વર્ષ બાદ સાસરીમાં આશ્રય મળ્યો

અભયમની ટીમે સંસાર બચાવ્યો- પતિ સહિત સાસરિયાઓને યુવતીને સાસરીમાં રાખવાની વાત કરી તો તે રાખવા રાજી થયા ન હતાં
 
છેલ્લા 10 વર્ષથી પિયરમાં રહેતી યુવતીએ અભયમ મહિલા હેલ્પલાઈનને ફોન કરીને પતિ સહિત સાસરિયાઓ દહેજની માંગણી કરીને ઘરમાંથી કાઢી મુકી હોવાની રજૂઆત કરી હતી. ઉપરાંત તેણે સાસરીમાં જવું હોવા છતાં પતિ સહિત સાસરિયાઓ રાખવા તૈયાર નહીં હોવાથી અભયમની ટીમને મદદ માટે જણાવ્યું હતું. જેથી અભયમની ટીમે યુવતીને સાથે લઈને તેની સાસરીમાં જઈને પતિ સહિતના સાસરિયાઓનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી હતી. અંતે પતિ અને સાસરિયા યુવતીને રાખવા તૈયાર થયાં હતાં અને દહેજની માંગણી કરીને ત્રાસ નહીં આપવા બાંહેધરી પણ આપી હતી. આમ દસ વર્ષથી પિયરમાં રહેતી યુવતીને અભયમની મદદથી સાસરીમાં આશ્રય મળ્યો છે. 
 
મહિલાએ અભયમની ટીમને ફોન કરીને જાણ કરી હતી 
અમદાવાદ શહેરની એક મહિલાએ અભયમની ટીમને ફોન કરીને જાણ કરી હતી કે, મારા પતિ સહિત સાસરિયાઓ દહેજની માંગણી કરીને ત્રાસ આપે છે અને દહેજ લાવવાની ના પાડી તો મને સાસરીમાં રાખવા તૈયાર નથી. જેથી હાલ તે પિયરમાં રહે છે. આ સાંભળીને અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચીને યુવતીની પુછપરછ કરી ત્યારે યુવતીએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી તે પિયરમાં જ રહે છે. એટલું જ નહીં તેણે અનેકવાર તેના પતિ સહિત સાસરિયાઓને ફોન કરીને પરત સાસરીમાં રહેવા આવવાની વાત કરી હતી. પરંતુ તેઓ દહેજ લીધા વગરસાસરીમાં પગ નહીં મુકવા દેવાની વાત કરે છે. 
 
સાસરીયાઓ દહેજની માંગ કરીને ત્રાસ આપતા 
અગાઉ પણ દહેજની માંગ કરીને ત્રાસ આપતા હોવાથી યુવતી પિયરમાં આવી ગઈ હતી. આ સાંભળીને અભયમની ટીમ યુવતીને સાથે લઈને તેની સાસરીમાં ગઈ હતી. જ્યાં પતિ સહિત સાસરિયાઓને યુવતીને સાસરીમાં રાખવાની વાત કરી તો તે રાખવા રાજી થયા ન હતાં. જેથી અભયમની ટીમે પતચિ સહિત સાસરિયાઓને કાયદાકિય માહિતી આપી હતી અને જો ના રાખે તો પોલીસ ફરિયાદ કરવાની પણ જાણ કરી હતી. લાંબા સમય સુધી કાઉન્સેલિંગ બાદ પતિ સહિત સાસરિયાઓ યુવતીને રાખવા માટે રાજી થયાં હતાં અને દહેજની માંગણી કરી યુવતીને હેરાન નહીં કરે તેવી બાંહેધરી પણ આપી હતી.