ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી લેખકો
Written By દેવાંગ મેવાડા|

કનૈયાલાલ માણેકલાલ મુનશી

ક.મા.મુનશી, એ ગુજરાતી સાહીત્ય જગતમાં અજાણ્યું નામ નથી. ઇ.સ. ૧૮૮૭માં ભરૂચ ખાતે માતા તાપીબા અને પિતા માણેકલાલ મુનશીના ઘરે જન્‍મેલા આ બાળકે ગુજરાતી સાહિત્યમાં ક્રાંતિકારી લેખક અને વિચારકના સ્‍વરૂપમાં અવિસ્‍મરણીય કાર્ય કર્યું. જ્યારે પ્રાથમિક શિક્ષણનું પણ ખાસ મહત્‍વ રહેતું ત્‍યારે પુત્રના લક્ષણ પારણામાંથી - કહેવતને યોગ્ય રીતે સાર્થક કરનાર કનૈયાલાલ મુનશીએ બી.એ. થયા અને બાદમાં એલ.એલ.બી. સુધીનું શિક્ષણ મેળવ્યું. એલ.એલ.બી. થવા છતાં અર્થસંચય ન કરતાં સાહિત્‍યનું ખેડાણ કર્યું.

કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પોતાની સાહિત્ય યત્રામાં ગુજરાતી સાહિત્ય જગતને અનેક ઐતિહાસીક નવલકથા, નાટકો, નવલિકા, આત્‍મકથા આપી. તેમની જાણીતી કૃતિમાં 'પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'કૃષ્‍ણાવતાર' (૧ થી ૭), 'જય સોમનાથ', 'પૃથિવી વલ્‍લભ', 'લોપાનુદ્રા', 'ભગ્નપાદુકા', 'તપસ્‍િવની', 'કાકાની શશી', 'અડધે રસ્‍તે'.... વગેરે આવે છે.

ક.મા.મુનશીએ પોતાના કાર્યક્ષેત્રને ફક્ત સાહિત્‍ય પૂરતો મર્યાદિત ન રાખ્યો. તેમણે રાજકિય ક્ષેત્રે પણ સારી એવી પોતાની સેવા આપી. તેઓ ગાંધીજીસાથે સ્‍વતંત્રતાનાં આંદોલનમાં જોડાણા અને તેના કારણે તેમને જેલવાસ પણ ભોગવ્યો. ભારત આઝાદ થયું ત્‍યારે હૈદ્રાબાદના વિલિનીકરણમાં અને બાદમાં ગુજરાતના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી.

તેઓએ ભારતના બંધારણ ઘડવામાં અને ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ તરીકે પણ પોતાની સેવા આપી.ભારતીય વિદ્યાભવન અને વિશ્વ સંસ્‍કૃત પરિષદની સ્‍થાપના કરી. તદ્દ ઉપરાંત ક.મા.મુનશીએ અનેક સંસ્‍થાઓમાં પ્રમુખ તરીકે પોતાની સેવા અર્પણ કરી હતી.

વર્ષો સુધી સાહિત્ય અને રાજકારણમાં સેવા આપનાર ઐતિહાસીક નવલકથાકાર, નાટ્યકાર અને આત્‍મકથાકાર કનૈયાલાલ માણેકલાલ મુન્શી ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ દેહાવસાન પામ્યાં.