ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી લેખકો
Written By
Last Modified: શનિવાર, 17 જુલાઈ 2021 (12:37 IST)

HBD હર્ષદ ત્રિવેદી - ગુજરાતી સાહિત્યનો દુનિયાને પરિચય કરાવનારા સાહિત્યકાર

હર્ષદ ત્રિવેદી એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ ૧૯૯૫ થી ૨૦૧૫ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર, શબ્દશૃષ્ટિના સંપાદક હતા. ત્રિવેદીએ અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે
 
હર્ષદભાઇએ પ્રાસન્નેયનાં ઉપનામથી ગુજરાતી કવિતનાં આધુનિક સમયનાં કાવ્યો લખ્યાં છે. તેમણે પંડિતયુગનાં સાહિત્યકાર બળંવતરાય ઠાકોર વિશે પણ સંસોધનગ્રંથો આપ્યા. ત્રિવેદીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાલી ગામમાં, અમૃતલાલ અને શશિકલાને ત્યાં થયો હતો. તેમના પિતા કવિ હતા. ત્રિવેદીએ શાળાકીય શિક્ષણ સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ. હાઇસ્કૂલમાંથી પૂરું કર્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્ય વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી હતી. ૧૯૯૧માં ત્રિવેદીએ ગુજરાતી લેખિકા બિંદુ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા
 
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ એક ખાલી નાવ, ૧૯૮૪માં પ્રકાશિત થયો હતો. રહી છે વાત અધૂરી (૨૦૦૨), તારો અવાજ (૨૦૦૩) અને તરવેણી (૨૦૧૪) તેમના અન્ય પ્રકાશિત કાવ્યસંગ્રહો છે. તેમની કવિતાઓની તકનીકી નિપુણતા તથા ભાષાકીય અને વિષયગત સમૃધ્ધિને વિવેચકોએ વખાણી છે. ત્રિવેદી તેમની કવિતાઓમાં ગ્રામીણ જીવન તેમજ શહેરી જીવન વિશે લખે છે. ટૂંકી વાર્તાઓનું તેમનું પ્રથમ પુસ્તક જાળીયું (૧૯૯૪) હતું. બાળપણની મીઠી યાદો, નપુંસક પતિની પીડા, ઓફિસ જીવનની રોજની કંટાળાજનક દિનચર્યા, સ્ત્રીનું તેના પતિ સિવાય અન્ય કોઈ પ્રત્યેનું આકર્ષણ અને લેસ્બિયન સંબંધ એ જાળીયુંનું વિષય વૈવિધ્ય દર્શાવે છે. પાણી કલર (૧૯૯૦) તેમનો બાળસંગ્રહ છે જ્યારે શબ્દાનુભાવ એ આલોચનાત્મક લેખોનો સંગ્રહ છે
 
તેમની એક જાણીતી રચના સોગઠી મારી અને તારી અહી રજુ કરી રહ્યા છીએ. 
 
સોગઠી  મારી   અને તારી, નિકટ  આવી  હશે,
એ  ક્ષણે  નાજુક રમતને  મેં  તો ગુમાવી  હશે.
 
ના  ઉઘાડેછોગ   નહીંતર  આમ  અજવાળું ફરે,
કોઈએ   ક્યારેક   છાની  જ્યોત પ્રગટાવી  હશે.
 
હાથમાંથી   તીર   તો   છૂટી  ગયું  છે ક્યારનું,
શું થશે, જો  આ પ્રતીક્ષા  મૃગ  માયાવી  હશે !
 
આપણે   હંમેશ   કાગળનાં   ફૂલો   જેવાં રહ્યાં,
તો  પછી  કોણે  સુગંધી  જાળ  ફેલાવી   હશે ?
 
હું  સળગતો  સૂર્ય લઈને જાઉં  છું મળવા  અને,
શક્ય  છે  કે એણે ઘરમાં સાંજ  ચિતરાવી  હશે !
 
છેવટે   વ્હેલી   સવારે  વૃક્ષ   આ   ઊડી   શક્યું
પાંખ   પંખીઓએ   આખી   રાત  ફફડાવી  હશે !
 
– હર્ષદ ત્રિવેદી