1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (09:33 IST)

inspiring stories from gandhi's life- આ પ્રસંગથી જાણો કેવી રીતે ગાંધીજી સમજાવ્યુ શું છે .સ્વચ્છતાનું મહત્વ

બિરલા કુટુંબ સાથે ગાંધીજીને ઘણો જ ગાઢ સંબંધ હતો. દિલ્હીમાં તેઓ બિરલા ભવનમાં જ ઊતરતા. તેમના જેવા મૂડીવાદીને ત્યાં ગાંધીજી રહેતા તેથી પ્રજાના એક વર્ગને એ ગમતું નહીં. બિરલા ગાંધીજીનો ખોટી રીતે લાભ ઉઠાવે છે એવું પણ એ વર્ગ કહેતો. તેમને ગાંધીજી વિનોદમાં કહેતા કે, ‘હું પાકો વાણિયો છું. બિરલાજી મને વટાવી શકે એમ નથી.’
 
એક વાર બિરલા ભવનમાં ગાંધીજીનો વસવાટ હતો. સવારમાં તેઓ સ્નાનની તૈયારીમાં હતા. પણ નાહવાની ઓરડીમાં બિરલાજી સ્નાન કરતા હતા. તેઓ સ્નાન કરીને બહાર આવ્યા પછી ગાંધીજી અંદર ગયા. અંદર જઈને જોયું તો બિરલાજીનું ભીનું ધોતિયું પડેલું હતું. તેને બાજુએ મૂકીને સ્નાન કરવા કરતાં ગાંધીજીએ તે જાતે જ ધોઈ નાખ્યું અને પછી નાહવા બેઠા. બિરલાજીનો નોકર ધોતિયું લેવા આવે તે પહેલાં તો દ્વાર બંધ થઈ ગયેલું. ગાંધીજીએ પોતાનો કચ્છા પણ જાતે જ ધોઈ નાખ્યો. એ બંને કપડાં લઈ તેઓ બહાર આવ્યા અને દોરીએ સૂકવતા હતા તે દરમિયાન બિરલાજી ઉતાવળા આવી પહોંચ્યા :
 
‘અરે બાપુ ! બાપુ ! આ શું કરો છો ?’ કહી પોતાનું ધોતિયું ગાંધીજીના હાથમાંથી ખેંચવા લાગ્યા. આ બનાવથી તેમને માઠું લાગ્યું.
 
ધોતિયું સૂકવતા સૂકવતા ગાંધીજી બોલ્યા : ‘મેં ધોયું તેથી બગડી શું ગયું ? અંદર પડેલું હતું. તેના પર કોઈનો મેલો પગ પડે તેના કરતાં ધોઈને સ્વચ્છ કર્યું એ તો સારું જ થયું ને ?’
 
‘બાપુ…..’ બિરલાજી ગણગણ્યા. ગાંધીજી જેવા મહાપુરુષે પોતાનું ધોતિયું ધોયું તેનો ખેદ અને નાહવાની ઓરડીની તરત સાફ કરવાની બેદરકારી માટે બિરલાજીને પશ્ચાત્તાપ થવા લાગ્યો. શું બોલવું તે તેમને સમજાયું નહીં. પછી થોડી વારે તેઓ બોલ્યા : ‘આટલો બધો કામનો બોજો હોવા છતાં બાપુ ! તમે એ શા માટે ધોયું ?’
ગાંધીજી : ‘જીવનમાં સ્વચ્છતાના કાર્ય સિવાય વળી બીજું મોટું કાર્ય કયું ?’
બિરલાજી શું બોલે ?
 
સ્વચ્છતા વિશે ગાંધીજીના કડક આગ્રહનો ખ્યાલ બિરલાજીને હતો જ પણ સ્વચ્છતાની આટલી ઊંચી માત્રાનો અનુભવ તો આ પ્રસંગે જ થયો.